Dakshin Gujarat

નવસારી વલસાડમાં 15થી 18 વર્ષના કિશોર-કિશોરીઓનું મોટાપાયે રસીકરણ શરૂ

દક્ષિણ ગુજરાતમાં બાળકોનું રસીકરણ સોમવારથી શરૂ થયું છે. નવસારી વલસાડમાં પહેલા દિવસે મોટા પાયે કિશોર-કિશોરીઓએ વેક્સિન લીધી હતી. વેક્સિનેશનને આખો દિવસ વીતી ગયા બાદ પણ હાલ કોઈ સાઈડ ઇફેક્ટના સમાચાર આવ્યા નથી. વલસાડ જિલ્લામાં પણ 15 થી 18 વયજુથના બાળકોનું કોવિડ-19 વેક્સિનેશન જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરુવાનીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા સોમવારથી શરૂ કરાયું હતું. નિયત શાળાઓમાં આરોગ્ય વિભાગની ટીમોએ પહોંચી બાળકોનું વેક્સિનેશન કર્યું હતું તો વાલીઓ પણ શાળામાં આવી પહોંચ્યા હતા. કપરાડા તાલુકાની 5 શાળામાં સોમવારથી 15 થી18 વર્ષની વયના બાળકોનું રસીકરણ શરૂ કરાયું હતું. નાનાપોંઢાની એન.આર.રાઉત હાઈસ્કૂલ ખાતે કોરોના ગાઈડ લાઈન સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વેકસીન મુકાવી હતી. આચાર્ય હેમંતભાઈ પટેલ સહિત શાળાના શિક્ષકો સતત દોડતા જોવા મળ્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસર ડો.મહેશ પટેલ અને તબીબી સ્ટાફે પણ રસીકરણ અભિયાનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

જિલ્લામાં 58,217 વિદ્યાર્થીઓ વેક્સિન માટે પાત્રતા ધરાવે છે. વલસાડ જિલ્લાની માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, કોલેજ, આઈટીઆઈ અને અન્‍ય શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રથમ દિવસે ૯૪ શૈક્ષણિક સંસ્‍થાઓમાં રસીકરણ કાર્યક્રમ હાથ ધરાયો હતો. જેમાં આજે ૨૦,૬૮૪ વિદ્યાર્થીઓને વેક્‍સીનેશન કરાયું હતું. વલસાડ તાલુકાના ૫૨૪૯, પારડી તાલુકાના ૪૮૪૦, વાપી તાલુકાના ૫૬૮૫, ઉમરગામ તાલુકાના ૩૪૪૪, ધરમપુર તાલુકાના ૨૧૨૬ અને કપરાડા તાલુકાના ૧૩૪૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૮ વર્ષથી ઉપરની વયના અંદાજે ૩ હજાર કરતાં વધુ લાભાર્થીઓએ રસીકરણનો લાભ લીધો હતો. સોમવારે કપરાડા તાલુકામાં 1340 બાળકોનું વેકસીનેશન કરાયું હતું. જેમાં નાનાપોઢા સ્થિત એન.આર.રાઉત શાળાના આચાર્ય હેમંત પટેલ સહિત શિક્ષકોની ભારે જહેમતના પગલે કુલ 641 બાળકોનું વેક્સિનેશન થયું હતું. જે કદાચિત સમગ્ર જિલ્લાની એક જ શાળામાં સૌથી વધુ આંકડો હશે.

પારડી વલ્લભાશ્રમ અને ડીસીઓ શાળાના વિદ્યાર્થીઓને રસીકરણ
પારડી (Pardi) વલ્લભ આશ્રમ (Vallabh Ashram) શાળા ખાતે બાલદા પીએચસી સેન્ટરની ટીમ 700 જેટલા વિદ્યાર્થીઓને (Student) કોવેક્સિન આપવામાં આવી હતી. આ ઉપરાંત પારડી DCO શાળા ખાતે ૧૫થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં બાળકોએ કોવેક્સિન રસીનો લાભ લીધો હતો.

નાનાપોંઢાની એન.આર.રાઉત હાઈસ્કૂલ એ 641 બાળકોનું વેકસીનેશન કરી ઇતિહાસ સર્જ્યો
ખેરગામની જનતા માધ્યમિક શાળામાં વેક્સિનેશન માટેનું ઉદ્ઘાટન જનતા કેળવણી મંડળના પ્રમુખ અરવિંદભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. તાલુકાની 12 જેટલી માધ્યમિક શાળાઓમાં જતા અને શાળાએ ન જતા તમામ 15–18 વર્ષના કુલ 2920 બાળકો પૈકી 900ને ખેરગામ તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ પ્રથમ દિવસે વેક્સિન અપાઈ હતી. બાકી તમામ બાળકને 6 જાન્યુઆરી સુધીમાં રસી આપી દેવાશે.

દમણમાં 2162 વિદ્યાર્થીને રસી અપાઈ, 7600ને હવે પછી અપાશે
દમણનાં વિવિધ વિસ્તારોમાં આવેલી 10 જેટલી શાળાઓ અને પોલિટેકનિક અને આઈ.ટી.આઈ. કોલેજ ખાતે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બાળકોને સોમવારથી રસી આપવાની શરૂઆત કરાઈ હતી. પ્રથમ દિવસે દમણની વિવિધ શાળાઓ અને કોલેજમાં ભણતા 2162 છાત્રોને સફળતા પૂર્વક કોવિડની રસી આપવામાં આવી હતી. ત્યારે આગામી ત્રણ દિવસમાં બાકી રહી ગયેલા 7600 જેટલા વિદ્યાર્થીઓને રસી આપવાનું કાર્ય કરવામાં આવશે.

નવસારી જિલ્લામાં પહેલા દિવસે ૧૬ હજારથી વધુ તરૂણોએ વેક્સિન લીધી
નવસારી તાલુકામાં ૧૬,૧૬૭, ચીખલી તાલુકામાં ૧૧,૨૨૧, વાંસદા તાલુકામાં ૧૦,૬૭૦, ગણદેવી તાલુકામાં ૮૭૯૫, જલાલપોર તાલુકામાં ૭૭૫૮ અને ખેરગામ તાલુકામાં ૨૮૫૬ બાળકો નોંધાયા હતા. જેથી નવસારી જિલ્લા આરોગ્ય વિભાગે એક દિવસમાં ૧૨,૮૦૦ બાળકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ રાખ્યો હતો. જોકે પહેલા દિવસે ટાર્ગેટ કરતા વધુ બાળકોને વેક્સિન આપવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગે અભ્યાસ કરતા ૧૫,૨૮૧ વિદ્યાર્થીઓ અને ઘરે રહેતા ૧૫૩૮ તરૂણો મળી કુલ ૧૬,૮૧૯ તરૂણોને વેક્સિન મૂકી છે. જેમાં નવસારી તાલુકામાં ૩૬૧૩ બાળકો, જલાલપોર તાલુકાના ૨૨૦૨ બાળકો, ગણદેવી તાલુકામાં ૨૯૭૯, ચીખલી તાલુકામાં ૩૨૧૬, ખેરગામ તાલુકામાં ૯૩૨ અને વાંસદા તાલુકામાં ૩૮૭૭ બાળકોને વેક્સિન મુકવામાં આવી છે.

બીલીમોરા અને કાંઠા વિસ્તારની શાળાઓમાં 1603 વિદ્યાર્થીઓને કોરોનાની રસી મુકાઈ
બીલીમોરા અને કાંઠા વિસ્તારની શાળાઓમાં ભણતા 15 થી18 વર્ષની વયના 1603 બાળકોને સોમવારે કોરોનાની વેક્સિન મુકવાની શરૂઆત કરવામાં આવી છે. તા. 3 જૂને બીલીમોરાની નાનચંદ ચેલાજી ગર્લ્સ હાઇસ્કુલ અને ટાટા હાઈસ્કૂલમાં ભણતા 768 બાળકોને, બિગરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ધોલાઈની શાળામાં ભણતા 17 અને બીગરીની શાળામાં ભણતાં 239 બાળકોને, મેધર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મેધર અને માસાની માધ્યમિક શાળામાં ભણતા 296 બાળકોને, કેસલી આરોગ્ય કેન્દ્ર અંતર્ગત આવતી અંભેટાની આશ્રમશાળા અને કેસલીની હાઇસ્કૂલ ખાતે 283 બાળકોને કોરોનાની રસી મુકવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાવસાર, ડો. સુજીત પરમાર, લાઇઝન અધિકારી પિનાકીન ડો. અંજના મેડમ અને બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટરના ડો. રાજેન્દ્ર ગઢવીએ સારી એવી જહેમત ઉઠાવી કાર્યક્રમ પાર પાડ્યો હતો.

ડાંગ જિલ્લામાં 15 થી 18 વર્ષનાં 4829 વિદ્યાર્થીઓને વેક્સિનો પ્રથમ ડોઝ અપાયો
ડાંગ જિલ્લામાં સોમવારે 15 થી 18 વર્ષનાં 4829 વિદ્યાર્થીઓને કોરોનાની વેક્સિનો પ્રથમ ડોઝ અપાયો હતો. ડાંગ જિલ્લામાં જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ વીપીનભાઈ ગર્ગનાં માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લા પંચાયતનાં જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ હિમાંશુ ગામીતની આરોગ્યકર્મીઓની કુલ 77 ટીમે ડાંગની 54 જેટલી શાળાઓમાં વેક્સિન આપવાની વ્યવસ્થા કરી હતી.

વાંસદા તાલુકામાં ૩૮૮૭ વિદ્યાર્થીઓને રસી મુકાઈ: બે વિદ્યાર્થી કોરોના પોઝિટિવ
વાંસદા તાલુકામાં તા.૩ જાન્યુઆરીએ શ્રી વનવિદ્યાલય આંબાબારી અને શ્રી સત્ય સાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસ મળી કુલ ૭૨૪ વિદ્યાર્થીઓને કોરોનાની રસી મુકવામાં આવી હતી. વાંસદા પંથકની ઉત્તર બુનિયાદી કુમાર શાળામાં ધોરણ ૪માં એક અને ધોરણ ૭માં એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા પોઝિટિવ આવેલા બંને વિદ્યાર્થીઓના ક્લાસમાં ૩૬ તમામ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાવ્યા બાદ તેમને રજા આપવામાં આવી હતી.

Most Popular

To Top