SURAT

શહેરમાં 12 જ દિવસમાં કોરોના કેસમાં 16 ગણો વધારો નોંધાયો

સુરત(Surat): શહેરમાં કોરોનાનું (Corona) સંક્રમણ બેફામ રીતે વધી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી પ્રતિદિન નોંધાતા કેસમાં સખત ઉછાળો આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચુકી છે અને સંક્રમણમાં જે રીતે ઉછાળો આવ્યો છે તે રીતે આવનારા દિવસોમાં સંક્રમણ વધુ વધશે તેવી શક્યતા છે. ત્યારે શહેરીજનોને વધુમાં વધુ સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. શહેરમાં પહેલી જાન્યુઆરીએ માત્ર 156 કેસ જ નોંધાયા હતા અને માત્ર 12 જ દિવસમાં શહેરમાં કોરોના કેસમાં 16 ગણો વધારો નોંધાયો છે અને 12મી જાન્યુઆરીએ શહેરમાં રેકોર્ડબ્રેક 2505 કેસ નોંધાયા છે. કોરોનાની બીજી લહેરની પીક સમયે 24મી એપ્રિલે 2361 કેસ નોંધાયા હતા. ડિસેમ્બરના અંતમાં જ કોરોનામાં પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાવવાની શરૂઆત થઈ ચુકી હતી.
કોરોનાની બીજી લહેર પુર્ણ થતા જ કેસની સંખ્યા ઘટતી ગઈ હતી. સતત 6 મહિના સુધી શહેરમાં પ્રતિદિન માત્ર ચાર-પાંચ કેસ જ નોંધાતા હતા પરંતુ નવા વેરિઅન્ટની વિશ્વમાં એન્ટ્રી થવાની સાથે જ કેસમાં ઉછાળો આવ્યો છે અને શહેરમાં માત્ર 12 જ દિવસમાં 13,623 કેસ નોંધાઈ ચુકાયા છે. જે રીતે સંક્રમણ વધી રહ્યું છે તે જોતા શહેરીજનોને વધુમાં વધુ સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.

રીકવરી રેટમાં સતત ઘટાડો: 12 દિવસમાં રીકવરી રેટ 98 ટકાથી 89 ટકા પર આવી ગયો
કોરોનાની બીજી લહેર જ્યારે પીકમાં હતી ત્યારે એપ્રિલ માસમાં રીકવરી રેટ ઘટીને 82 ટકા પર પહોંચી ગયો હતો. ત્યારબાદ સંક્રમણ ઘટતા રીકવરી રેટમાં પણ તબક્કાવાર વધારો થતો ગયો હતો. હાલમાં છેલ્લે ડિસેમ્બર માસમાં રીકવરી રેટ ઓલ ટાઈમ હાઈ 98.5 ટકા પર પહોંચી ગયો હતો. પરંતુ હવે માત્ર 12 જ દિવસમાં સંક્રમણ એટલું વધી ગયું છે કે, માત્ર 12 જ દિવસમાં રીકવરી રેટમાં 9 ટકાનો ઘટાડો થઈ ગયો છે અને રીકવરી રેટ ઘટીને 89 ટકા પર આવી ગયો છે.

વડીલો અને બાળકોને ઘરમાં જ રહેવા તંત્રની અપીલ
હાલમાં કોરોનાનું સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તે જોતા તંત્રએ શહેરીજનોને વધુ સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. ખાસ કરીને નાના બાળકો તેમજ વડીલોને ઘરમાં જ રહેવા તાકીદ કરાઈ છે. બિનજરૂરી બહાર જવાનું ટાળવું તેવી અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે. કારણ કે, શહેરમાં બાળકો અને વડીલો પણ વધુ ચપેટમાં આવી રહ્યા છે.

Most Popular

To Top