Comments

વિચાર અને આચારનો સમન્વય જરૂરી

જીવનમાં સદ્દવિચાર સાથે એનું આચરણ પણ જરૂરી હોય છે. એકલા સદ્દવિચારો રાખે કામ ન લાગે, એનું આચરણ કરવું પડે.
એક સ્ત્રીએ જોડકાં બાળકોને જન્મ આપ્યો. બંને વચ્ચે માત્ર મિનિટોનો જ ફેર હતો. એમાં પહેલો જન્મ્યો એ મોટો અને પછીનો નાનો ગણતા, બંને ભાઈઓ સાથે મોટા થવા લાગ્યા. બંનેને એકસરખી જરૂરિયાતો પૂરી પાડતા.
બંને ભાઈઓ પુખ્ત થયા ત્યારે બંનેના સ્વભાવ અને વિચારોમાં ફેર જણાયો. મોટો ભાઈ વિચારશીલ હતો, એ જે કાર્ય કરતો એના વિશે ખૂબ વિચારીને આકાર આપતો. જયારે નાનો ભાઈ કર્મનિષ્ઠ હતો. એ કાર્ય કરવાનો નિપુણ હતો પણ તેની પાસે પોતાની વિચારશક્તિ ન હતી એટલે મોટોભાઈ જે વિચાર મૂકે તે મુજબ નાનો ભાઈ અમલમાં મૂકી કાર્ય કરતો. આમ બંને ભાઈઓ મળીને ધંધો કરવા લાગ્યા અને થોડા જ સમયમાં અબજોપતિ બની ગયા.
પછી તેમનામાં કળિયુગની અસર આવવા માંડી- વળી તેમનાં લગ્ન થયાં એટલે તેમની પત્નીઓ તેમને દોરવવા માંડી. બંને ભાઈઓ પરસ્પર ઝઘડવા માંડયા. એક કહે, મારા વિચાર (આઈડિયા)ને કારણે ધંધો ચાલે છે, બીજો કહે, પણ મારી કામ કરવાની ટેક્નિક, આવડતના કારણે ધંધો ચાલે છે.
આમ ટકરાવ વધતાં બંનેએ જુદા થવાનું નક્કી કર્યું. બંને ભાઈઓ છૂટા પડી ગયા અને પોતાનો અલગ અલગ ધંધો શરૂ કર્યો. થોડા સમયમાં ધંધામાં બંનેને મુશ્કેલી જણાવા લાગી. ધંધો ધીમે ધીમે ઠપ થઈ રહ્યો હતો.
બંને જણનો ધંધો ખોટમાં પરિણમ્યો એટલે બંને જણ ચિંતામાં પડી ગયા. મોટા પાસે વિચારશક્તિ પણ તેના અમલની આવડત નહોતી, નાના પાસે આવડત હતી પણ વિચારશક્તિ ન હતી. બંનેને પોતાની ભૂલ સમજાવા લાગી. તેમને જણાયું કે, બંને એકબીજા વિના અધૂરા છે. બંને શક્તિ ભેગી થાય તો જ ધંધો વિકસે તેમ છે અને બંને ભૂલો કબૂલી ફરી પાછા જોડાઈ ગયા. ત્યાર બાદ ફરી ધંધો વિકસ્યો અને ધમધોકાર ચાલવા લાગ્યો, ફરી બંને પૈસાદાર થઈ ગયા.
આમ વિચાર સાથે તેનો અમલ, આચરણ હોવું જરૂરી છે. આચાર અને વિચાર બંને એકબીજાના પૂરક છે- બંને પરસ્પર જોડાયેલા છે. સારા વિચારો ધરાવો છો પણ તેનું પોતાના જીવનમાં આચરણ નથી કરતા તો એ નકામું છે. માટે એકલો વિચાર ન ચાલે અને એકલું આચરણ ન ચાલે.
ગુરુ ત્યારે જ સદગુરુ ગણાય કે, એ જે ઉપદેશ આપે છે તેનું સ્વઆચરણ કરે છે કેમ તે મહત્વનું છે પોતે ગોળ ખાનાર સંતે ગોળ ત્યજી પેલા બાળકને ગોળ ન ખાવાની શીખ આપી હતી. એ વાત જાણીતી છે.
ઘણી વાર ઘણી કંપનીઓમાં જૂના માણસો કરતાં નવા રાખેલા માણસનો પગાર વધુ હોય છે કેમ કે તેની પાસે નવા વિચારો (આઈડિયા) હોય છે, એના પૈસા કંપની વધુ આપે છે. સાથે તેના અમલ માટે ટેકનોલોજી પણ આધુનિક હોવી જરૂરી છે. એમ આચાર અને વિચાર બંને જીવનમાં જરૂરી છે. એ બંનેનો સમન્વય સધાય તો જ જીવન ઉત્તમ બને છે.

દુર્ગેશ ઉપાદયાય

Most Popular

To Top