SURAT

સુરતના ધારાસભ્યના બાંકડાને પગ આવ્યા, છેક રાજકોટ પહોંચી ગયા!

કોર્પોરેટરો, ધારાસભ્યોની ગ્રાન્ટમાથી પ્રજાની સુવિધા માટે ખરીદવામાં આવતા બાંકડાનો દુરુપયોગ થતો હોવાની ફરિયાદ અનેકોવાર ઉઠતી રહે છે, પરંતુ હવે તો હદ થઈ છે. સુરતના ધારાસભ્યના બાંકડા રાજકોટમાં દેખાયા છે.

સુરત મનપાના વિપક્ષના કોર્પોરેટરે શહેરના ધારાસભ્યના ગ્રાન્ટમાંથી ખરીદાયેલા બાંકડા રાજકોટમાં હોવાનો એક ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતા વિવાદ થયો છે. વિપક્ષના કોર્પોરેટરે સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાનો પ્રશ્ન ઉઠાવ્યો છે.

સુરત પાલિકાના અને ધારાસભ્ય, સાંસદની ગ્રાન્ટમાંથી આપેલા બાંકડાના સુરમતાં દુરુપયોગ થતો હોવાની ફરિયાદ માંડ બંધ થઈ છે. ત્યારે હવે સુરતના ધારાસભ્યના બાંકડા ઉડીને છેક રાજકોટ પહોંચી ગયાં છે. સુરતના વિપક્ષના કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે કે આ બાંકડા ભાજપમાંથી પાલિકાની ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવાર પોતાના ગામમાં લઈ ગયા છે. જોકે, વિપક્ષનો આક્ષેપ બાદ સુરતના ધારાસભ્ય અને સંસદ સભ્યના બાંકડા કઈ રીતે રાજકોટ પહોંચ્યા તે અંગે અનેક ચર્ચા શરૂ થઈ છે.

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં પાલિકાના કોર્પોરેટર અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બાંકડા આપવામાં આવે છે. જોકે, ગ્રાન્ટમાંથી આપવામાં આવતા મોટાભાગના બાંકડાનો દુરુપયોગ થતો હોવાથી લોકોના પરસેવાના ટેક્સના પૈસાનો વ્યય થતો હોવાની ફરિયાદ જોવા મળ્યો હતો.

થોડા સમય પહેલાં કોર્પોરેટરો અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આપવામાં આવતા બાંકડાનો દુરુપયોગ ફરિયાદ થઈ હતી ત્યારે આ બાંકડા લોકોના ટેરેસ, ઘર કે રેસ્ટોરન્ટ અથવા બોક્સ ક્રિકેટમાં મુકવામાં આવતા હોવાની ફરિયાદ હતી. હવે આ બાંકડા સુરત બહાર દુર-દુર રાજકોટ પહોંચી ગયાં છે.

સુરતના વિપક્ષના એક કોર્પોરેટર કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરીયાની ગ્રાન્ટના બાંકડા રાજકોટ પહોંચી ગયા હોવાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે કે, ભાજપ તરફથી ગઈ વખતે કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નં 17 ની સીટ પરથી લડેલા ઉમેદવાર ભરત વડાદોરીયાએ સુરતના ધારાસભ્ય અને સાંસદના બાંકડા પોતાના ગામ જુના પીપળીયા (તા.જસદણ, જી.રાજકોટ ) પોતાના ઘરે પહોંચાડ્યા છે. વિપક્ષી કોર્પોરેટરે એવી કોમેન્ટ કરી છે કે, ત્યાંના ધારાસભ્ય લોકોને બાંકડા આપતા નથી ? આમ સુરતના બાંકડા છેક રાજકોટ પહોંચી ગયા હોવાથી વિવાદ ઉભો થયો છે.

Most Popular

To Top