Business

પ્રજાના પ્રશ્નોના નિવારણ માટે સરકાર સતત કાર્યરત રહેશે: મુખ્યમંત્રી

ગાંધીનગર : મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ચૂંટણીમાં (Election) પ્રચંડ જનસમર્થન મેળવી સેવા દાયિત્વ સંભાળી રહેલી તેમની નવી સરકારના કાર્યારંભે જ અમદાવાદ (Ahmedabad) મહાનગર અને ઔડા વિસ્તારમાં એસ.પી. રિંગ રોડ ઉપર વૈષ્ણોદેવી જંકશન પર ૪૦.૩૬ કરોડના ખર્ચે નવનિર્મિત અંડર પાસનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યુ હતું. નવી સરકારનો પ્રથમ જાહેર કાર્યક્રમ સરદાર ધામ પરિસરમાં સરદાર પ્રતિમાના ચરણોમાં યોજાયો છે તેનો આનંદ હોવાનું ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું, મુખ્યમંત્રીએ આ સરકાર પ્રજાના પ્રશ્નોને પ્રાયોરિટી આપી તેના નિવારણ માટે સદૈવ કર્તવ્યરત રહેશે તેવી પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

તેમણે વધુમાં કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક બની, નેક બની જે વિકાસ કાર્યો આપણે કર્યા છે, તેના પરિણામો તાજેતરની ચૂંટણીમાં જોવા મળ્યા છે. આટલો વ્યાપક જનાધાર મળતા સરકારની જવાબદારી વધી જાય છે, ગુજરાતની જનતાએ અમારામાં જે વિશ્વાસ મૂક્યો છે તેને લાંબા સમય સુધી ટકાવી રાખવા અને આ વિશ્વાસને વધુ મજબૂત કરવાની શરૂઆત આજથી જ કરી દીધી છે.

તેમણે કહ્યું હતું કે, વિકાસની રાજનીતિથી જ ચૂંટણીઓ જીતી શકાય એવી પરિપાટી પીએમ નરેન્દ્ર મોદીએ પ્રસ્થાપિત કરી દીધી છે. પટેલે એમ પણ જણાવ્યું હતું કે, વડાપ્રધાને છેવાડાના માનવી સહિત સૌના સાથ, સૌના વિકાસની નેમથી ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાની જે નેમ રાખી છે તેમાં વિકસીત ગુજરાતના નિર્માણથી આપણે લીડ લેવાની છે.

તેમણે કહ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના સંસદીય મત ક્ષેત્રમાં આ વિકાસ કાર્યનું લોકાર્પણ વિશેષ આનંદની વાત છે. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ તેમના આ સંસદીય મતવિસ્તારને ભારતનો સર્વશ્રેષ્ઠ અને વિકસીત વિસ્તાર બનાવવાની નેમ રાખી છે. દેશના ગૃહમંત્રી તરીકે સમગ્ર દેશની જિમ્મેદારી છતાં પણ લોકસેવક તરીકેની જવાબદારી અમિત શાહ ક્યારેય વિસર્યા નથી. તેમની આદર્શ લોકપ્રતિનિધિ તરીકેની કાર્યપદ્ધતિ અનુકરણીય છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

Most Popular

To Top