આપણા શહેરમાં પ્રતિદિન કચરો લેવા તંત્ર તરફથી કચરાગાડી નિયમિત આવે જ છે તો પણ અનેક સ્થળે કચરાના ઢગલા દૃશ્યમાન થાય છે. દા.ત. વિવેકાનંદ બ્રીજના નાકે, નવયુગ કોલેજ પાછળ, બી.એસ.એન.એલ.ની ઓફિસની બાજુમાં, કાદરશાની નાળ વગેરે અનેક સ્થળે નાગરિકો કચરાના ઢગલા કરતાં હોય છે. તંત્રે મોટી કચરાપેટી શા માટે ઉઠાવી લીધી એ પણ એક પ્રશ્ન છે. નાની કચરાપેટીમાં કચરો સમાતો જ નથી. રહેણાંક વિસ્તારમાં કોઇના ઘર સામે કચરો ઠાલવવો એ કેટલે અંશે યોગ્ય કહેવાય અને તે પણ કેરીની સીઝનમાં! ત્યાં વસતાં શહેરીજનોને દુર્ગંધ સહન કરવાની?
નાની કચરાપેટીમાંથી રખડતાં શ્વાન ખોરાકની શોધમાં અસ્તવ્યસ્ત કરી જાહેર રસ્તા પર કચરો ફેલાવે છે. તંત્રે બ્રીજ ઉપર જાળી લગાવી છે તો પ્રજાજનો જાળીમાં પ્લાસ્ટીકની કોથળી ફસાવી કચરો નદીમાં પધરાવવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે! નદીને માતા કહીએ તો આ રીતે દૂષિત કરવાનો શું હક છે પ્રજાજનોને? પક્ષીઓને ગાંઠિયાં નુકસાનકર્તા છે. તો પણ પુણ્યની શોધમાં બ્રીજ પર ગાંઠિયાનું સામ્રાજય ફેલાયેલું હોય છે! બધી ફરજ તંત્રની જ છે? એક સમજદાર નાગરિક તરીકે શહેરની સ્વચ્છતાની જવાબદારી પ્રત્યેક નાગરિકની નથી?
સુરત – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.