Columns

બળ દેખાડતાં ચીનના યુવકોની પરણવામાં પીછેહઠ!

ચીનનાં માધ્યમો સામાન્ય રીતે જગતમાં સત્ય છુપાવી ભ્રમ અને ભય ફેલાવવા માટે જાણીતાં છે! ડ્રેગન પ્રજાના સંકોચોઈ જવાના સમાચાર ખરેખર નવાઈ ઉપજાવે તેવા છે! ચીનમાં વસ્તી ઘટી રહી છે. ચીનના યુવકો લગ્ન કરવા માંગતા નથી. પાડોશી દેશ સાથે ખટપટ કરતાં બેઠી દડીના ચીનના યુવા સમાજની વિડંબના અલગ પ્રકારની છે. સત્તાવાર દસ્તાવેજો અનુસાર, વરસ 2021માં ચીનમાં સૌથી ઓછા લગ્ન થયા હતા. માત્ર  86.30 લાખ યુગલો જ કાયદેસર રીતે લગ્ન કરી ઠરીઠામ થયાં. આંકડા દર્શાવે છે કે ગયા વર્ષે, 1986 પછી સૌથી ઓછા વર અને કન્યા પરણ્યાં!

ચીનના સત્તાવાર અહેવાલ મુજબ ચીનમાં સરકાર 1986થી દેશમાં લગ્નના કાયદાકીય દસ્તાવેજો રાખી રહી છે.  જો કે, સરકાર પાસે ગયા વર્ષથી લગ્નના તમામ દસ્તાવેજો છે. તે દસ્તાવેજ અનુસાર, 2013માં  આખા વર્ષ દરમિયાન ચીનમાં 81.30 લાખ  લગ્ન થયા હતા.  વરસ 2021માં તે સંખ્યા ઘટીને 66.03 લાખની  થઈ ગઈ. લગ્ન નામની સંસ્થામાં યુવાનોની અનિચ્છા લગ્નની સંખ્યામાં ઘટાડો થવાનું કારણ છે. સત્તાવાર દસ્તાવેજો અનુસાર, 2013થી લગ્નની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વરસ 2013થી ગબડતી થઈ તે ક્રમમાં ઘટતી જ જઈ રહી છે.  સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર શાંઘાઈ, કોજિયાંગ, ફુજિયાન અને હુનાનમાં પરિણીત યુગલોની સંખ્યામાં સતત ઘટાડો થયો છે.

આ રીતે લગ્નોની સંખ્યા કેમ ઘટી રહી છે તેના પર નિષ્ણાતો કહે છે કે તેનું મુખ્ય કારણ ચીનની નમણી ઝીણી આંખોવાળી કન્યાઓ છે!  લગ્ન તરફ તેમનું મન નથી બલકે ઉદાસી છે! મુખ્યત્વે યુવતીઓ હવે અલગ વલણ ધરાવતી થઈ ગઈ છે! તેમને પરણીને બંધાઈ જવા કરતાં સ્વનિર્ભર અને સ્વતંત્ર રહેવામાં રુચિ છે. કન્યાઓ આર્થિક રીતે આત્મનિર્ભર હોય છે.  તેઓ મુખ્યત્વે કારકિર્દીમાં રસ ધરાવે છે.  ચીનમાં દક્ષતામાં યુવકો કરતાં યુવતીઓ ઘણી આગળ છે, યુવતીઓની કારકિર્દી પ્રત્યે ચીવટ અને સ્પર્ધા  લગ્નમાં મોટો અવરોધ બની ગઈ છે.  સમય જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ યુવા સમાજ પોતાનું આકર્ષણ ગુમાવી રહ્યો છે.  તેઓ કોઈ પણ જવાબદારી વિના સ્વતંત્ર રીતે જીવવામાં રસ ધરાવે છે.  કોરોનાએ જીવનમાં અનિશ્ચિતતા વધારે ઉમેરી, યુવા વર્ગ વધુ એકલો થયો!

લગ્ન પ્રત્યે યુવાનોની અનિચ્છા ચીનની ભાવિ પેઢી માટે  અવરોધક સાબિત થશે. ચીનમાં જે આંકડા બહાર પડ્યા છે તે ચોંકાવી દે તેવા છે!  ચીનમાં 10 વર્ષ કે તેનાથી નીચેની ઉંમરનાં બાળકોની સંખ્યા ઘટી રહી છે. વસ્તીમાં સિંહ ભાગ ચહેરા પર કરચલીવાળા વૃધ્ધોનો છે. પરિણામે દેશની એકંદર વસ્તી ઘટી રહી છે. ચીન જનસંખ્યા બાબત પોતાનું સંતુલન ગુમાવી રહ્યો છે. વૈવાહિક સંબંધોની સંખ્યામાં ઘટાડો થયો છે પરિણામે બાળકોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. ખાસ નવજાત બાળકના જન્મમાં ઘટાડો નોંધાયો છે!  કેટલાક આક્ષેપો થોડાં વર્ષો પહેલાં આ સંદર્ભે  કરવામાં આવ્યા હતા કે  ચીન પાકિસ્તાન પાસેથી કિશોરો અને સગીરોને ખરીદી રહ્યું છે! તેઓ લગ્નના નામે છેતરપિંડી કર્યાની કબૂલાત કરી રહ્યા છે. બે વર્ષ પહેલાં આવી ચોંકાવનારી ઘટનાએ ચકચાર મચાવી હતી.

નબળી આર્થિક સ્થિતિને કારણે મહિલાઓની તસ્કરી થઈ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.  આ ઘટનાના આરોપીઓને સજાની માંગ કરી હતી. એવું જાણવા મળ્યું હતું કે પાકિસ્તાની મહિલાઓના પછી ભલે તે સગીર હોય કે નહીં, ચીની પુરુષો સાથે બળજબરીથી અને ગેરકાયદેસર રીતે લગ્ન કરાવાતા હતા.  પછી તેમને ચીન જઈને ત્રાસ સહન કરવો પડ્યો. તો કેટલીક પાકિસ્તાની મહિલાઓને તેમની મરજી વિરૂઘ્ધ સરોગેટ મધર બનાવીને ચીની તસ્કરોએ તગડી  કમાણી કરી  હતી. આવી ચોંકાવનારી માહિતી તે સમયે સામે આવી હતી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ઘણી ધરપકડ થઈ હતી! ચીનમાં પણ જાતજાતના અખતરા થાય છે. ચીનમાં ટ્રાફિકની સમસ્યા છે. ચીનની કન્યાઓ આવડતના બળે ચીનના યુવકોને લગ્નની વાત આવે તો અંગૂઠો દેખાડી મોઢું ફેરવી લે છે! જ્યાં કોઈ પણ સારાં કે નરસાં કામ કરતાં પહેલાં મુહૂર્ત જોવાતાં નથી તે દેશમાં લગ્નનાં કમૂરતાં ચાલે છે, જો આમ ચાલતું રહ્યું તો ચીનમાં આવતા દાયકામાં ફક્ત વડીલો જ દેખાશે!

Most Popular

To Top