SURAT

સુરતમાં 6 ફૂટની ઊંચાઈથી પડતા બાળ મજૂરનું મોત

સુરત: આમ તો બાળમજૂરીને (Child labor) ગુનો માનવામાં આવે છે પણ તેમ છતાં બિલ્ડિંગ બનાવતી વખતે બાળમજૂરો જોવા મળે છે. સુરતના વેસુ વિસ્તારમાં કામ કરતી વખતે એક બાળમજૂરનું પડતા મોત (Death) થયું હતું. સુરતના વેસુ વિસ્તારમાં VIP રોડ પર રાજહંસ ક્રેમા બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફલોર પરથી નીચે પટકાતા એક બાળમજૂર મોતને ભેટયો હતો. બાંધકામ કરતી વખતે ધણીવાર સાઈટ ઉપર કોન્ટ્રાકટરો તેમજ સુપર વાઈઝરો આઈડી ચેક કર્યા વગર જ યુવકોને કામ પર રાખી લે છે. અને પછી જાણ થાય છે કે તેની ઉંમર 18 વર્ષ કરતા પણ ઓછી હોય છે. આ ઉપરાંત ધણા કિસ્સાઓમાં કામ કરનાર કામદારને તેની સલામતી માટે સલામતીના સાધનો પણ આપવામાં આવતા નથી.

જાણકારી મુજબ યુવક રાજહંસ ક્રેમાં નવનિર્મિત બિલ્ડીંગમાં બ્રેકીંગ મશીનનું કામ કરી રહ્યો હતો. ત્યાંથી તે છ ફુટની હાઈટ ઉપરથી નીચે પડતા તેને માથાને ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જો કે તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. પોલીસ પાસેથી જાણકારી મળી આવી છે કે કામ કરતા મોતને ભેટેલો યુવક બાળમજુર છે જો કે આ મામલે વધુ તપાસ થઈ રહી છે. યુવકની ઉંમર 16 વર્ષની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે.

આ ધટના પછી રાજહંસ ક્રેમાં બિલ્ડીંગનાં સુપરવાઇઝર સંદીપ આરીવાલાએ જણાવ્યું કે બાળમજૂરનું નામ કલ્પેશ છે. મારી પાસે જ્યારે તે કામ માટે આવ્યો હતો ત્યારે મેં તેને પૂછ્યું હતું કે તારી ઉંમર શું છે. તેણે પોતાની ઉંમર 18 વર્ષ જણાવી હતી. તે બ્રેકર મશીન ચલાવતા 6 ફૂટની હાઈટ ઉપરથી પટકાયો હતો. સાથે અન્ય એક વ્યક્તિ પણ કામ કરતો હતો પણ એને પણ ખ્યાલ નથી કે એ કઈ રીતે નીચે પટકાયો હતો. વધુમાં તેઓએ કહ્યું કે અમે જ્યારે પણ કામની સાઈડ ઉપર રાખીએ છીએ ત્યારે તેમને સેફ્ટીનું સાધન આપીએ જ છીએ. તેઓને ક્યાંથી સેફ્ટીનું સાધન લેવાનું હોય તે પણ અમે તેમને કહી દેતા હોઈએ છીએ. આ ઉપરાંત તેઓએ કહ્યું કે તેનો ભાઈ આ પહેલા કામ કરતો હતો. જેથી મેં તેની પાસે પુરાવા માંગ્યા ન હતા અને હોળી પછીથી તે કામ ઉપર આવતો થયો હતો.

Most Popular

To Top