SURAT

માત્ર 10 લાખ માટે પોતાના નામે બીજાને 16.38 કરોડની લોન અપાવનાર સુરતના છાશવાલા દંપતિની ધરપકડ

સુરત: બેંકમાંથી લોન લેવા માટે પોતાની પેઢીનો ધંધો ન હોવા છતાં બોગસ પેઢી ઊભી કરી તમિલનાડુ મર્કન્ટાઇલ બેંકમાંથી 16.38 કરોડની લોન લેનાર દંપત્તિની ઇકો સેલ પોલીસે ધરપકડ કરી છે.

પ્રભાકર કાલીઅપ્પા નાડાર (રહે- ઓફીસ બી/૦૨ વોલ સ્ટ્રીટ પહેલો માળ, ઓરિએન્ટ ક્લબની સામે એલિસ બ્રિજ અમદાવાદ)એ ઇકોસેલમાં ફરિયાદ નોંધાવી હતી કે, ખોટી રીતે લોન લેનાર કેટલાક આરોપીઓ તથા તમિલનાડુ મર્કન્ટાઇલ બેંક રીંગરોડ શાખા સુરતના બેંક મેનેજર આર.સુંદર, ગેરેન્ટર તેમજ વેલ્યુઅરે એક-બીજાની મદદગારીથી લોન લેવાની પ્રોસેસ કરી હતી. તેમાં ખોટા સ્ટોક બિલો રજૂ કરી લોન મંજુર કરાવી હતી.

તે લોનના રૂપિયા તેઓએ ધંધા માટે લીધા હતા. તમામે મેળાપીપણામાં ખોટી ફર્મ ઊભી કરી હતી. ફર્મના નામે લોન લઇ તે મુજબનો કોઇ ધંધો નહીં કરી મોર્ગેજમાં મૂકેલી પ્રોપર્ટીની વેલ્યુ ઓછી હોવા છતાં ઊંચી કિંમતના ખોટા વેલ્યુ રિપોર્ટ બનાવ્યા હતા અને તે રજૂ કરી તે લોનના રૂપિયા પોતાના અંગત ખર્ચમાં વાપરી બેંક સાથે 16.38 કરોડની છેતરપિંડી કરી હતી.

આ બાબતે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન આરોપીઓ કલ્પેશ નવીનચંદ્ર છાશવાલા (ઉ.વ.૪૬) તથા ઉન્નાતિબેન કલ્પેશ છાશવાલા (ઉ.વ.44) (બન્ને રહે. ઘરનં ૪/૪૪૧૮,૧૯ આમલી શેરી બેગમપુરા)ની સેશન્સ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી નામંજુર થઈ હતી. જેથી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પતિ-પત્નીના નામે 99-99 લાખ મળી કુલ 1.98 કરોડની લોન લેવાઈ
તમિલનાડુ બેંકમાંથી લોન લેનાર આરોપીને અન્ય આરોપી મહેશ ખૂંટે ષડ્યંત્રમાં સહભાગી બનાવી બોગસ પેઢી ઊભી કરી હતી. જેમાં આરોપી કલ્પેશ નવીનચંદ્ર છાશવાલાના નામે ઉન્નતિ ક્રિએશન તથા આરોપી ઉન્નતિબેન કલ્પેશ છાશવાલાના નામે ક્રિષ્ના ફેશન નામની પેઢી બનાવી હતી. બોગસ પેઢીના નામે બેંક ખાતુ ખોલાવી તમિલનાડુ બેંકમાં પેઢીના ધંધાની જગ્યા ખોટી દર્શાવી એક આરોપીની 99 લાખની સી.સી. લોન લીધી હતી. તેમ બન્નેની 99-99 લાખની લોન લીધી હતી.

દંપત્તિને મહેશ ખૂંટે 10 લાખ આપવાનું નક્કી કર્યું હતું
આરોપીઓ પોતે કોઇ એમ્બ્રોડરી અને જરીનો ધંધો ન કરતા હોવા છતાં લોન માટે બોગસ સ્ટોક સ્ટેટમેન્ટ બનાવી રજૂ કર્યા હતા. તેમજ ધંધા માટે જે જગ્યા બતાવી ત્યાં કોઇ પ્રકારનો તેઓ પોતે કોઇ ધંધો કરતા નહોતા. તેમજ તે જગ્યાનો બોગસ ભાડાકરાર ઉભો કરી બેંકમાં રજૂ કરાયો હતો. આરોપી મહેશ ખુંટએ દંપત્તિને રૂપિયા ૧૦ લાખ આપવાનું નક્કી કર્યું હતું. પકડાયેલા આરોપીઓએ લોન લેવા પહેલા 12 દુકાનો ખરીદી કરી તે મિલ્કતો બેંકમાં મોર્ગેજમાં મુકી છે. જેની વેલ્યુ ઓછી હોવા છતાં વધારે બતાવી છે.

આ ગુનામાં 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે
આ ગુનામાં અત્યાર સુધીમાં 14 આરોપી પકડાઇ ચૂક્યા છે. જેમાં (૧) રાકેશ ધીરૂભાઇ ભિમાણી (૨) સુનિતાબેન તે કમલેશ કુરજીભાઇ પાલડીયાની પત્ની (3) અમુલ વિઠ્ઠલભાઇ ભિમાણી (૪) તુષાર ધીરૂભાઇ ભિમાણી (૫) પ્રકાશ ધીરૂભાઇ કરેડ (૬) કિંજલબેન તે કેતનભાઇ ગોકળભાઇ રાણપરીયાની પત્ની (૭) અજય મેઘજીભાઇ કાનાણી (૮) જીતેશ મનહરભાઇ કઠીયારા (૯) જીતેન્દ્ર હીરજીભાઇ કાકડીયા (૧૦) શોભનાબેન તે જીતેન્દ્ર હીરજીભાઇ કાકડીયાની પત્ની (૧૧) રસિક હીરજીભાઇ કાકડીયા (૧૨) શોભનાબેન તે રસિક હીરજીભાઇ કાકડીયાની પત્ની (૧૩) દયાબેન તે સંજય નાનુભાઇ કાનાણીની પત્ની (૧૪) વિશાલ પોપટભાઇ કાથરોટીયાનો સમાવેશ થાય છે. તેમના વિરૂદ્ધ ચાર્જશીટ કરવામાં આવી છે. બીજા આરોપીઓ નાસતા ફરે છે.

Most Popular

To Top