Sports

રિટાયર્ડ હર્ટ અને રિટાયર્ડ આઉટ વચ્ચે તફાવત શું?

IPL 2023માં લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં લખનઉનો કેપ્ટન કૃણાલ પંડ્યા 49 રન બનાવીને રમી રહ્યો હતો. અને અચાનક તે આઉટ થયા વગર જ મેદાનની બહાર નીકળી ગયો હતો. તે પછી રમાયેલી બીજી જ મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઇ હતી. એ મેચમાં અર્ધસદી ફટકારનાર અથર્વ તાયડે પણ આઉટ થયા વિના પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે કૃણાલ બહાર ગયો ત્યારે તેના નામની આગળ રિટાયર્ડ હર્ટ લખેલું હતું પરંતુ જ્યારે અથર્વ બહાર ગયો ત્યારે તે રિટાયર્ડ આઉટ હતો. ઘણા ક્રિકેટ ચાહકોના મનમાં એ વાંચીને સવાલ થયો હશે કે એકના નામ સામે રિટાયર્ડ હર્ટ લખેલું હતું અને બીજાના નામે રિટાયર્ડ આઉટ લખેલુ હતું તો એ બંને વચ્ચે ફરક શું હશે. આ બંને વચ્ચે જે તફાવત છે, તે ઘણો મહત્વનો છે. તો ચાલો એ સમજીએ કે આ તફાવત શું છે અને રિટાયર્ડ આઉટ બેટ્સમેન અને રિટાયર્ડ હર્ટ બેટ્સમેનમાંથી કયો બેટ્સમેન જરૂર પડે તો ફરી બેટીંગમાં આવી શકે.

રિટાયર્ડ હર્ટ શું છે તે પહેલા સમજી લઇએ
રિટાયર્ડ હર્ટ થવાનો અર્થ એ છે કે જ્યારે કોઈ બેટ્સમેન ઈજાગ્રસ્ત થાય છે, ત્યારે તે પોતાનો દાવ રોકે છે અને ડ્રેસિંગ રૂમમાં જાય છે. આવું સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે બેટ્સમેન રન દોડવામાં અસમર્થ હોય અથવા જો ઈજા અસહ્ય બની ગઈ હોય. પહેલાના સમયમાં કોઇ બેટ્સમેન ઘાયલ થાય તો તેને રન દોડવા માટે રનર મળતો હતો, જો કે તે પછી આઇસીસી દ્વારા તેના નિયમ બદલાયા અને હવે ઘાયલ બેટ્સમેનને રનર મળતો નથી. તેથી જ્યારે બેટ્સમેન બેટિંગ કરતી વખતે ઇજાગ્રસ્ત થાય છે અને તેને લાગે છે કે તે તેની ઇનિંગ્સ ચાલુ રાખી શકશે નહીં, ત્યારે બેટ્સમેન રિટાયર્ડ હર્ટ તરીકે પેવેલિયનમાં જાય છે. સ્કોરર સ્કોરબોર્ડ પર બેટ્સમેનના નામની બાજુમાં રિટાયર્ડ હર્ટ કેપ્શન મૂકશે અને આ બેટ્સમેન ટીમને જરૂર પડે અને પોતાની સ્થિતિ સુધરે તો ફરી બેટીંગમાં ઉતરી શકે છે.

રિટાયર્ડ આઉટ શું છે તે પણ હવે સમજી લો
ક્રિકેટમાં રિટાયર્ડ આઉટ થવું એ રિટાયર્ડ હર્ટની બરાબર વિરુદ્ધ હોય છે. જ્યારે બેટ્સમેન સંપૂર્ણ રીતે ફિટ હોય અને રન પણ સારી રીતે દોડી શકતો હો.ય કે ક્રિઝ પર તેને ઊભો રહેવામાં કોઇ સમસ્યા નથી હોતી અને અમ્પાયર દ્વારા તેને આઉટ ન અપાયો હોવા છતાં જો તે ચાલુ મેચે મેદાન છોડીને ડ્રેસિંગ રૂમમાં પાછો જાય, ત્યારે તેને ક્રિકેટની ભાષામાં રિટાયર્ડ આઉટ કહેવામાં આવે છે. કોઇ બેટ્સમેન રિટાયર્ડ આઉટ થવાનો જાતે અથવા તેનો કેપ્ટન દ્વારા એ નિર્ણય કરવામા આવે ત્યારે તેને ક્રિકેટમાં નિવૃત્ત આઉટ કહેવામાં આવે છે. અને સ્કોર બોર્ડ પર તેના નામની આગળ રિટાયર્ડ આઉટ લખવામાં આવે છે. આ બેટ્સમેન ટીમને જરૂર હોય ત્યારે પણ ફરી પાછો બેટીંગમાં આવી શકતો નથી.

રિટાયર્ડ આઉટ અને રિટાયર્ડ હર્ટ વચ્ચેનો તફાવત સમજો
જ્યારે બેટ્સમેન ઘાયલ થઇને પેવેલિયનમાં જાય છે અને તે રિટાયર્ડ હર્ટ થયો હોવાનું તેના નામ સામે લખાયું હોય ત્યારે તે બેટિંગમાં પાછો આવી શકે છે. એટલે કે જો તેની ફિટનેસ સુધરશે અને તે જો રન દોડી શકવામાં કે બેટીંગ કરવામાં કે ક્રિઝ પર ઊભો રહેવામાં સક્ષમ બનશે તો તે બેટિંગ કરવા મેદાન પર આવી શકશે. એટલે કે જો જરૂર પડી હોત તો કૃણાલ પંડ્યા ફરીથી બેટિંગ કરવા આવી શક્યો હોત. જ્યારે રિટાયર્ડ આઉટ થયેલો બેટ્સમેન એકવાર મેદાનમાંથી ડ્રેસિંગ રૂમમાં પાછો ફરે તો તે ફરીથી બેટીંગ કરવા માટે ક્રિઝ પર પાછો આવી શકતો નથી. એટલે અથર્વ ફરીથી બેટિંગ માટે આવી શકે તેમ નહોતો.

Most Popular

To Top