Charchapatra

કયારેય પણ વિદેશી વાદ્ય હારમોનિયમને, દેશવટો આપી શકીએ એમ છીએ જ નહિ

 ‘ફિર દેખો યારો’ કોલમમાં બીરેન કોઠારી કહે છે કે અમૃતસરના અકાલતખ્તમાંથી હાર્મોનિયમને એક વાદ્ય તરીકે દૂર કરવા માટેની વાત જ્ઞાની હરપ્રિતસિંઘે કરી છે. કારણ એ હાર્મોનિયમ વિદેશી વાદ્ય છે. આ હાર્મોનિયમની જગ્યાએ તંતુ વાદ્ય કે જે વાદ્ય આપણી નીપજ છે એનો ઉપયોગ અકાલતખ્ત ખાતે કરવાનું શરૂ કર્યું છે. અમારી સમજ મુજબ હાર્મોનિયમ ભલે યુરોપના દેશમાંથી આવ્યું હોય પણ એ વાદ્ય આપણે ત્યાં એટલું ભળી ગયું છે કે એને આપણી સંગીતની દુનિયામાંથી હટાવી શકાય એમ નથી જ. આજે ડાયરાઓ જુઓ.

ત્યાં પણ કલાકારો અન્ય વાદ્યો સાથે હાર્મોનિયમ બજાવતા હોય છે. આપણું ફિલ્મી સંગીત તો હાર્મોનિયમ વગર ‘ઓશિયાળું’ બની જઇ શકે છે. આપણા દિગ્ગજ સંગીતકારો, ફિલ્મી ગીતોની ધૂનો હાર્મોનિયમ ઉપર જ તૈયાર કરતા હતા અને હાર્મોનિયમ ઉપર બનેલી ધૂનોને આપણા ગાયકો પોતાનો સ્વર આપતા હતા. આજે એ રીતે તૈયાર થયેલા હજારો ગીતો, આપણે રોજે – રોજ સાંભળતા રહીએ છીએ. અમે નાના હતા, ત્યારે અમારે ત્યાં ગામડાંઓમાં નાટક મંડળીઓ આવતી. એમાં હાર્મોનિયમ જ મુખ્ય વાદ્ય રહેતું.

કવ્વાલીના મુશાયરાઓમાં, ગાયક કવ્વાલોને હાર્મોનિયમ વગર ચાલે ખરું કે? આંખે ના જોઇ શકનાર સુરદાસોને માટે તો હાર્મોનિયમ એમના પ્રાણ સમાન બની રહેતું હોય છે. એટલે ભારતમાંથી પરદેશી ગણાયેલા હાર્મોનિયમને વિદાય આપવાનું લગભગ અશકય બની રહે એમ છે. આપણે ત્યાં પરદેશથી ઘણી ચીજો આવી છે. એનો આપણે ઉપયોગ કરીએ જ છીએને? અરે, અંગ્રેજી ભાષા પણ વિદેશી જ છે ને! એના વગર આપણને ચાલે એમ છે, ખરું? બીરેન કોઠારીનો મત પણ એવો જ છે કે હાર્મોનિયમને આપણે દેશવટો આપી શકીએ એમ નથી જ.
સુરત     – બાબુભાઇ નાઇ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top