Columns

બુલેટ ટ્રેન તો આવતાં આવશે, આ અકસ્માતોનું શું કરશો?

છેલ્લા દોઢ દાયકામાં ભારતીય રેલવેમાં 10 રેલવે મંત્રી બદલાઈ ચૂક્યા છે પરંતુ અકસ્માતોનું ચિત્ર બદલાયું નથી. અકસ્માતોને લઈને ઝીરો ટોલરન્સ દાવાઓ વારંવાર કરવામાં આવ્યા છે પણ હજુ તેમાંથી વિશ્વની સૌથી મોટી રેલવે લાઈન બહાર આવી નથી. છેલ્લા બે દાયકાથી રેલવેમાં અકસ્માતોને રોકવા માટે ઘણી ટેક્નિક પર વિચાર કરવામાં આવી રહ્યો છે પરંતુ આજે પણ એવી ટેક્નિકની રાહ જોવાઈ રહી છે જે ભારતની રેલવેની તસવીર બદલી શકે. આપણે બૂલેટ ટ્રેનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ પણ આજે ય જયારે ટ્રેન પટરી પરથી ઊતરે છે ત્યારે સેંકડો લોકોના જીવ લઈ લે છે.

2 જૂન, 2023 હવે ભારતીય રેલવેના ઈતિહાસમાં એક દર્દનાક ટ્રેન અકસ્માતની તારીખ ગણાશે. 2 જૂને ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં 288 લોકોના મોત થયા હતા અને લગભગ 1000 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત ત્રણ ટ્રેન વચ્ચે થયો હતો, એક માલગાડી અને બે એક્સપ્રેસ ટ્રેનો – કોરોમંડલ સુપર ફાસ્ટ એક્સપ્રેસ અને હાવડા સુપર ફાસ્ટ એક્સપ્રેસ. એક ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ અને પછી બીજી ટ્રેન પહેલી ટ્રેનની બોગી સાથે અથડાઈ અને પાટા પરથી ઊતરી ગઈ હતી. આજે ડિજિટલ યુગમાં પહોંચી ગયા પછી પણ સિગ્નલ ચૂકને કારણે આવો અકસ્માત સર્જાય તો એ વિચારતા કરી મૂકે એવી બાબત છે!

ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સત્તાવાર રીતે 288 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 1000થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ સામે આવ્યા છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયક સવારે જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બાલાસોર પહોંચ્યા બાદ તેમણે કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. અશ્વિની વૈષ્ણવની સામે મીડિયા સાથે વાત કરતા મમતાએ કહ્યું હતું – ‘‘જ્યારે હું રેલવે મંત્રી હતી, ત્યારે અમે ટ્રેનો માટે એન્ટિ-કોલિઝન ડિવાઇસ પર કામ શરૂ કર્યું હતું. જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી આ ઉપકરણ કોરોમંડલ એક્સપ્રેસમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યું ન હતું. હું રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને તેની તપાસ કરવા કહીશ. જો અથડામણ વિરોધી ઉપકરણ હોત તો આ ઘટના બની ન હોત.’’

માર્ચ 2022માં સિકંદરાબાદ નજીક ‘કવચ’ના ટ્રાયલમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે ભાગ લીધો હતો. તે સમયે એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય રેલવેમાં અકસ્માતોને રોકવા માટે કવચ એક સસ્તી અને સારી ટેક્નિક છે. રેલવે મંત્રીએ પોતે ટ્રેનના એન્જિનમાં બેસીને કરેલા તેના ટ્રાયલનો વીડિયો પણ ખૂબ વાયરલ કર્યા હતા. ‘કવચ’ સ્વદેશી ટેક્નોલોજી છે અને એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય રેલવેના તમામ વ્યસ્ત રૂટ પર આ ટેક્નોલોજી લગાવવામાં આવશે, જેથી ટ્રેન અકસ્માતો અટકાવી શકાય. આ એક પ્રકારનું ઉપકરણ છે જે ટ્રેનના એન્જિન સિવાય રેલવે રૂટ પર લગાવવામાં આવે છે. પરિણામે એક જ ટ્રેક પર બે ટ્રેનો એકબીજાની નજીક આવે ત્યારે ટ્રેનના પાયલોટને સિગ્નલ, ઈન્ડિકેટર અને એલાર્મ દ્વારા તેની માહિતી મળે પરંતુ આ તમામ દાવાઓ બાદ પણ રેલ અકસ્માતો અટકી રહ્યા નથી.

એટલું જ નહીં, રેલવે મંત્રીના દાવા છતાં ભારતીય રેલવેના ઈતિહાસની સૌથી મોટી દુર્ઘટનાઓમાંથી એક ગત શુક્રવારે સાંજે ઓડિશામાં બની હતી. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે, તેના ફોટોગ્રાફ્સ અને વીડિયો કાચાપોચા દિલની વ્યક્તિ તો જોઈ શકે એવા ન હતા! ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં મોતના અલગ અલગ આંકડા સામે આવ્યા હતા, પણ 280થી 290 લોકોના મોત થયા હતા એ તો પાકું છે. સૌથી મોટી વાત એ છે કે જે પ્રકારના અકસ્માતને રોકવા માટે ‘કવચ’ વિકસાવવામાં આવ્યું છે, કંઈક એ પ્રકારનો જ અકસ્માત ઓડિશામાં થયો છે.

આ કેવું કહેવાય? આજે આપણે એક પછી એક વંદે ભારત ટ્રેન શરૂ કરી રહ્યા છીએ અને બીજી તરફ એવો અકસ્માત થાય, જેમાં સેંકડો જીવ એક પલકારામાં જતા રહે? શું બૂલેટ ટ્રેનનું સપનું આપણે જોવું જોઈએ? એવો સવાલ હવે મનમાં થઈ રહ્યો છે! ખરેખર, દુનિયાની સૌથી મોટી રેલવે લાઈન પર આ રીતે મોતનો માતમ સર્જાય તો તેની જવાબદારી કોની? શું મરસિયા ગાઈને આપણે આ પરિવારોને સાંત્વના આપીને પછી ભૂલી જવાનું? જે પરિવારો આ હાદસાથી ખતમ થઈ ગયા તેની જવાબદારી કોની? એવું નથી આ પહેલો અકસ્માત છે, ભારતીય રેલવેનો ઇતિહાસ આવી મોતની અનેક ચિચિયારીઓથી ખરડાયેલો છે.

ભારતમાં રેલ અકસ્માતોનો ઈતિહાસ લાંબો છે. લાંબી યાદી છે. ઓડિશામાં થયેલી ટ્રેન દુર્ઘટનાએ ફરી એક વાર તે ટ્રેન અકસ્માતોની યાદ અપાવી દીધી છે. ભારતમાં સૌથી ભયંકર ટ્રેન અકસ્માતો થઈ ચૂક્યા છે. 20 નવેમ્બર, 2016ના રોજ, ટ્રેન નંબર 19321 ઈન્દોર-પટના એક્સપ્રેસ સવારે 3.10 વાગ્યે કાનપુર નજીક પુખરાયન ખાતે પાટા પરથી ઊતરી ગઈ હતી. આ ટ્રેનના લગભગ 14 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. આ ટ્રેન દુર્ઘટનામાં 146 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ટ્રેન અકસ્માત 1999 પછીનો સૌથી ભયાનક ટ્રેન અકસ્માત હતો.

આવા અનેક અકસ્માતો નાની નાની ચૂકથી થયા છે અને અનેક જીવ ગયા છે. 2 ઓગસ્ટ, 1999ના રોજ અવધ-આસામ એક્સપ્રેસ અને બ્રહ્મપુત્રા મેલ વચ્ચે ટક્કર થઈ હતી. આ અથડામણ કોલકાતા નજીક ગૈસલ સ્ટેશન પર થઈ હતી. આ દુર્ઘટના સૌથી ભયાનક ટ્રેન દુર્ઘટનાઓમાંની એક હતી. 300થી વધુ લોકો માર્યા ગયા હતા અને 600થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ એક સત્તાવાર આંકડો હતો. તે ટ્રેનના જનરલ કોચમાં ક્ષમતા કરતાં અનેક ગણા વધુ લોકો હતા. મૃતકોનો આંકડો 1000ને વટાવી ગયો હોવાનું કહેવાય છે. અલબત્ત, ભારતીય રેલવેના ટ્રેક પર વારંવાર મોતનું તાંડવ રચાય છે. આમાં કોઈ એક સરકારને દોષ દેવાથી નહીં ચાલે. જે પણ સરકાર હોય તેણે પહેલાં રેલવેની માળખાકીય સુવિધાઓ તરફ ધ્યાન આપીને વિશ્વના આ સૌથી વિશાળ નેટવર્કને અકસ્માતોથી બચાવવું જોઈએ.

20 ઓગસ્ટ, 1995ના રોજ ફિરોઝાબાદ ટ્રેન દુર્ઘટનાને આજે પણ ભૂલી શકાય નથી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 350 લોકોના મોત થયા હતા. આ ટ્રેન દુર્ઘટના બે ટ્રેનની ટક્કરના કારણે બની હતી. પુરુષોત્તમ એક્સપ્રેસે કાલિંદી એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી. વાસ્તવમાં, કાલિંદી એક્સપ્રેસ એક નીલગાય સાથે અથડાઈ અને ટ્રેન ત્યાં જ ઊભી રહી ગઈ હતી. કાલિંદી એક્સપ્રેસ જ્યાં ઊભી હતી તે જગ્યા ફિરોઝાબાદ સ્ટેશનની પરિધિમાં હતી. ટ્રેન ત્યાં જ ઊભી હતી કે બીજી ટ્રેનને પણ ત્યાંથી પસાર થવા દેવામાં આવી અને આટલો મોટો અકસ્માત થયો હતો. આવો જ એક અકસ્માત 26 નવેમ્બર 1998ના રોજ પંજાબમાં ભારતના ઉત્તર રેલવેના ખન્ના-લુધિયાણા વિભાગ પર ખન્ના નજીક થયો હતો. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે કલકત્તા જતી જમ્મુ તાવી-સિયાલદહ એક્સપ્રેસ અમૃતસર જતી ‘ફ્રન્ટિયર મેલ’ના 6 પાટા પરથી ઊતરેલા કોચ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 212 લોકોના મોત થયા છે.

ભારતીય રેલવેના પ્રવક્તા આ મુદ્દે કહે છે કે ‘કવચ’ હાલમાં દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવડા રૂટ પર લગાવવામાં આવી રહ્યું છે. એટલે કે ઓડિશામાં જે જગ્યાએ અકસ્માત થયો હતો ત્યાં લગાવવામાં આવ્યું નથી. વાસ્તવમાં, ભારતીય રેલવે દિલ્હી-મુંબઈ અને દિલ્હી-કોલકાતા રૂટ પર ટ્રેનોની ઝડપ વધારવાની યોજના પર કામ કરી રહી છે અને કહેવામાં આવે છે કે આ રૂટ પર પહેલા ટેક્નોલોજીમાં સુધારો કરવામાં આવશે. આ દુર્ઘટના બાદ પૂર્વ રેલવે મંત્રી અને પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ સવાલ ઉઠાવ્યો હતો કે જો રૂટ પર એન્ટિ-કોલિઝન ડિવાઇસ લગાવવામાં આવ્યું હોત તો આ દુર્ઘટના ન થઈ હોત. અલબત્ત, મમતા બેનર્જીએ પણ કહ્યું હતું કે ‘‘આ રાજકારણ કરવાનો સમય નથી.

હું અહીં રેલવે મંત્રી અને BJPના સાંસદો સાથે છું. આ મામલે ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. અટલા લોકો કેવી રીતે મોતને ભેટ્યા? મેં સાંભળ્યું છે કે લગભગ 500 લોકો મૃત્યુ પામ્યા છે! રેલવેમાં સંકલનનો અભાવ છે. હવે (અલગથી) રેલવે બજેટ આવતું નથી. રેલવે મારા બાળક જેવી છે. હું મારી જાતને રેલવે પરિવારનો એક ભાગ માનું છું. હું મારું સૂચન આપવા તૈયાર છું.’’ મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે જ્યારે તેઓ રેલવે મંત્રી હતા ત્યારે તેઓ ટ્રેનોને એકબીજા સાથે અથડાતી રોકવા માટે કામ કરતા હતા. હકીકતમાં, ભારતમાં બે ટ્રેનો વચ્ચે સામસામે અથડામણને રોકવા માટેનું ગંભીર કાર્ય વર્ષ 1999માં ગેસલ રેલ દુર્ઘટના પછી શરૂ થયું હતું.

આ અકસ્માતમાં અવધ-આસામ એક્સપ્રેસ અને બ્રહ્મપુત્રા મેલ ટ્રેન એકબીજા સાથે અથડાઈ હતી, જેના કારણે લગભગ 300 લોકોના મોત થયા હતા. ત્યારપછી ભારતીય રેલવેની કોંકણ રેલવેએ ગોવામાં એન્ટિ કોલિઝન ડિવાઇસ અથવા એસીટીની સ્વદેશી ટેકનોલોજી પર કામ શરૂ કર્યું હતું, જેમાં ટ્રેનોમાં GPS આધારિત ટેક્નોલોજી લગાવવાની હતી, જેથી એક જ ટ્રેક પર બે ટ્રેનો એકબીજાની નજીક આવે તો ટ્રેનના પાયલોટને સિગ્નલ અને હૂટર દ્વારા અગાઉથી તેની માહિતી મળી રહે.
અકસ્માતોની વાત કરીએ તો ભારતમાં અગાઉની સરકારોનો રેકોર્ડ પણ ખરાબ રહ્યો છે અને વર્તમાન સરકારમાં પણ અનેક મોટા રેલ અકસ્માતો થયા છે. રેલવેમાં આવા અનેક અકસ્માતો છે, જેની ચર્ચા પણ થતી નથી.

ઓલ ઈન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના સૂત્રો કહે છે – દર વર્ષે લગભગ 500 રેલવે કર્મચારીઓ પાટા પર કામ કરતી વખતે માર્યા જાય છે. એટલું જ નહીં, મુંબઈમાં દરરોજ ઘણા લોકો પાટા ઓળંગતા મૃત્યુ પામે છે. રેલવેની પ્રાથમિકતા એવી હોવી જોઈએ કે પહેલા સલામતી પર ધ્યાન આપે, પછી ટ્રેનની ગતિ પર. અલબત્ત, જાણકારોનું માનવું છે કે – દશકાઓથી રેલવેમાં ટ્રેન અકસ્માતો રોકવાની વાત થઈ રહી છે પરંતુ કંઈ થઈ રહ્યું નથી. એવું લાગે છે કે કોઈ પણ સરકાર તેના માટે ગંભીર નથી અને તેના પર ખર્ચ કરવા માગતી નથી. ભારતમાં રેલવે અકસ્માતોની યાદી ખૂબ લાંબી છે. પેજના પેજ ભરાઈ જશે તો પણ પૂરી નહીં થાય! આજે દેશ જયારે બૂલેટ ટ્રેનનું સપનું સેવી રહ્યો છે ત્યારે આવા અકસ્માતો કેવી રીતે પોષાય? સરકારે અને રેલવેએ દેશની જનતાને એનો જવાબ આપવો પડશે. તપાસના નામે ફિંડલું વાળીને ફાઈલ ઉપર ચડાવી દેવામાં આવશે તો આ વખતે નહીં ચાલે.

Most Popular

To Top