Sports

ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની કેપ્ટન મેગ લેનિંગે ક્રિકેટમાંથી અચોક્કસ મુદતનો બ્રેક લીધો

સિડની : ઓસ્ટ્રેલિયાની (Australia) વર્લ્ડકપ વિજેતા મહિલા કેપ્ટન મેગ લેનિંગ આ વર્ષના અંતે ભારત પ્રવાસે આવનારી ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશિપ (Captainship) નહીં કરે, કારણકે તે પોતાની જાત પર ફોકસ (Focus) કરવા માટે રમતમાંથી અચોક્કસ મુદતનો બ્રેક (Break) લઇ રહી છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ ડિસેમ્બરમાં પાંચ ટી-20 મેચની સીરિઝ માટે ભારતનો પ્રવાસ કરવાની છે. તે પછી તેઓ પાકિસ્તાન સામે ઘરઆંગણે એક સીરિઝ રમશે અને ત્યારબાદ આવતા વર્ષે દક્ષિણ આફ્રિકામાં ટી-20 વર્લ્ડકપ રમવા માટે જશે.

લેનિંગે આજે બુધવારે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે કેટલાક વર્ષો અતિ વ્યસ્ત રહેવાના કારણે હવે મેં મારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. તેણે કહ્યું હતું કે હું ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને મારી સાથી ખેલાડીઓની આભારી છું. આ સમય દરમિયાન મારી પ્રાઇવસીનું ધ્યાન રખાશે એવી આશા રાખું છું. હાલમાં જ બર્મિંઘમમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન પહેલીવાર સામેલ કરાયેલા મહિલા ટી-20 ક્રિકેટમાં મેગ લેનિંગની કેપ્ટનશિપ હેઠળ ઓસ્ટ્રેલિયાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2010માં ઇન્ટરનેશલ લેવલે ડેબ્યુ કરનારી લેનિંગ 2014માં ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટન બની હતી. તેણે કુલ 171 મેચોમાં ઓસ્ટ્રેલિયન ટીમનું સુકાન સંભાળ્યું છે અને તેની કેપ્ટનશિપ હેઠળ ઓસ્ટ્રેલિયાની ટીમે ટી-20 અને 50 ઓવરોનો વર્લ્ડકપ જીત્યો છે.

ક્રિકેટના વ્યસ્ત શેડ્યુલથી ત્રસ્ત થઇને ટ્રેન્ટ બોલ્ટે ન્યૂઝીલેન્ડ બોર્ડનો કોન્ટ્રાકટ છોડ્યો
ઓકલેન્ડ: ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે ખુબ જ વ્યસ્ત ક્રિકેટ શેડ્યુલથી ત્રાસીને અંતે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ સાથેના પોતાનો કોન્ટ્રાક્ટનો અંત આણ્યો છે. તે હવે ઘણું ઓછું ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતો જોવા મળશે. બોલ્ટે આ નિર્ણય પોતાના પરિવારને વધુ સમય આપવા અને સતત રમાતા ક્રિકેટના કારણે લાગતા થાકને છો કરવા માટે કર્યો છે. જો કે 33 વર્ષનો આ ઝડપી બોલર ડોમેસ્ટિક ક્રિકેટમાં રમતો રહેશે.

તે હવે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમનો હિસ્સો નથી. તે જાતે હવે ઉપલબ્ધ હોવાનું કહેશે ત્યારે જ તેની પસંદગી ટીમમાં કરવામાં આવશે. બોલ્ટ હાલ મર્યાદિત ઓવરોની સીરિઝ માટે વેસ્ટઇન્ડિઝ પ્રવાસે ગયેલી ટીમમાં સામેલ છે. આ ફોર્મેટમાં તે લાંબા સમય પછી વાપસી કરી રહ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 548 વિકેટ લઇ ચુકેલા આ ઝડપી બોલરે અચાનક પોતાના દેશના બોર્ડ સાથે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો અંત આણતા ફરી એકવાર ક્રિકેટ સંચાલન કરનારા વૈશ્વિક વહીવટદારોને સવાલોના ઘેરામાં લાવી દીધા છે. તેના આ નિર્ણયને પગલે ક્રિકેટના વ્યસ્ત શેડ્યુલનો મુદ્દો ફરી ગરમ બન્યો છે.

બોલ્ટે કહ્યું હતું કે દેશ માટે ક્રિકેટ રમવું મારા માટે ગર્વની વાત છે. તે એક સ્વપ્ન હતું જે સાકાર થયું. હું છેલ્લા 12 વર્ષથી સતત રમી રહ્યો છું. હવે હું મારા પરિવારને સમય આપવા માંગુ છું. મેં મારી પત્ની અને 3 બાળકો માટે આ નિર્ણય લીધો છે. મારો પરિવાર મારી પહેલી પ્રાથમિકતા છે અને તેમને હવે મારી જરૂર છે. તેણે કહ્યું હતું કે મેં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી મારી જાતને બાકાત રાખવાનો સભાન નિર્ણય લીધો છે. જો હું ત્યાં નહીં હોઉં તો તે ચોક્કસપણે ટીમને અસર કરશે. જો કે, ઝડપી બોલરની કારકિર્દી પણ બહુ લાંબી હોતી નથી. આવી સ્થિતિમાં, આ યોગ્ય સમય છે કે હવે હું મારા જુદા પગલા તરફની મારી યોજનાઓ આગળ ધપાવું.

Most Popular

To Top