National

રોહન બોપન્ના-બેન મેકલાચલનની જોડી પહેલા રાઉન્ડમાં જ હારીને બહાર

મેલબોર્ન, તા. 10 (પીટીઆઇ) ઓસ્ટ્રેલિયન ઓપનના મેન્સ ડબલ્સમાં ભારતીય ખેલાડી રોહન બોપન્ના અને તેના જાપાનના જોડીદાર બેન મેકલાચલનની જોડી પહેલા રાઉન્ડમાં જ હારીને સ્પર્ધા બહાર થઇ ગઇ છે. આ જોડીને બુધવારે પહેલા રાઉન્ડમાં કોરિયન વાઇલ્ડ કાર્ડ જોડી જી સુંગ નેમ અને મિન ક્યુ સોંગે એક કલાક અને 17 મિનીટમાં 6-4, 7-6થી હરાવી હતી. ભારતીય પડકાર તરીકે હવે ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેન્સ ડબલ્સમાં દિવિજ શરણ અને મહિલા ડબલ્સમાં ડેબ્યુ કરી રહેલી અંકિતા રૈના બાકી રહ્યા છે.

જોકોવિચ, સેરેના, થીમ, ઓસાકા, હાલેપની આગેકૂચ, બિયાન્કા આઉટ

મેલબોર્ન, તા. 10 (પીટીઆઇ) : વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેન્સ સિંગલ્સમાં ટોચના ક્રમાંકિત નોવાક જોકોવિચ ડોમિનિક થિમ તેમજ ગ્રિગોર દિમિત્રોવ, ડેનિસ શાપોવાલોવ પોતપોતાની મેચ જીતીને આગળ વધ્યા હતા, જ્યારે મહિલા સિંગલ્સમાં સેરેના વિલિયમ્સ, નાઓમી ઓસાકા અને સિમોના હાલેપ પણ પોતપોતાની મેચ જીતી આગેકૂચ કરી હતી. જો કે માજી યુએસ ઓપન ચેમ્પિયન બિયાન્કા આન્દ્રેસ્કુને તાઇવાનની સૂ-વેઇએ અપસેટનો શિકાર બનાવીને બહાર મુકી હતી. આ સાથે જ સેરેનાની બહેન વિનસ પણ સારા ઇરાનીના હાથે પરાજીત થઇને આઉટ થઇ હતી.
જોકોવિચે ચાર સેટ સુધી ખેંચાયેલી અને સાડા ત્રણ કલાક સુધી ચાલેલી મેચમાં અમેરિકાના ફ્રાન્સિસ તિયાફોઇને 6-3, 6-7, 7-6, 6-3થી હરાવ્યો હતો. આ ઉપરાંત અન્ય મેચોમાં થીમે ડોમિનિક કોએફરને 6-4, 6-0, 6-2થી તો દિમિત્રોવે એલેક્સ બોલ્ટને 7-6, 6-1, 6-1થી અને ડેનિસ શાપોવાલોવે બર્નાર્ડ ટોમિકને 6-1, 6-3, 6-2થી હરાવીને આગળ વધ્યા હતા.
મહિલા સિંગલ્સમાં સેરેના વિલિયમ્સે એક તરફી મેચમાં નિના સ્ટોજાનોવિચને સરળતાથી 6-3, 6-0થી હરાવી હતી, જો કે 2019માં સેરેનાને હરાવીને યુએસ ઓપન ટાઇટલ જીતનારી બિયાન્કા આન્દ્રેસ્કુને સુ વેઇએ સરળતાથી 6-3, 6-2થી હરાવીને સ્પર્ધા બહાર મુકી દીધી હતી. સેરેનાની બહેન વિનસ પણ સારા ઇરાની સામે 1-6, 0-6થી હારીને બહાર થઇ હતી. નાઓમી ઓસાકાએ કેરોલિન ગાર્સિયાને સરળતાથી 6-2, 6-3થી હરાવી હતી તો હાલેપે આપવા ટોમિયાનવીચ સામેની મેચમાં પહેલો સેટ ગુમાવ્યા પછી વાપસી કરીને મેચ 4-6, 6-4, 7-5થી જીતી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top