Gujarat

મોદીની વારંવાર મુલાકાત જોતાં ગુજરાતમાં જ વડાપ્રધાન કાર્યાલય ખોલવી જોઈએ: અશોક ગેહલોટ

અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) નજીક છે, ત્યારે જે રીતે દેશના વડાપ્રધાન, (PM) કેન્દ્રીય ગૃહ મંત્રી ગુજરાતમાં ધામા નાખીને બેઠા છે. તે જોતા ગુજરાતમાં જ વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) ખોલી દેવી જોઈએ, ચૂંટણીઓમાં જે રીતે ધનબળનો ઉપયોગ થઈ રહ્યો છે, તે લોકતંત્ર માટે ખતરારૂપ છે, તેવું કોંગ્રેસના સિનિયર અગ્રણી અને ચૂંટણીના નિરીક્ષક અશોક ગેહલોટે કહ્યું હતું.

અશોક ગેહલોટે વધુમાં કહ્યું હતુંકે કોંગ્રેસની યાત્રાઓ, કાર્યક્રમોથી ગભરાયેલી ભાજપના કેન્દ્રીયમંત્રી, આગેવાનો સહિતના સીનીયર નેતૃત્વના ગુજરાત પ્રવાસ વધી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ પણ વારંવાર ગુજરાત આવવાની ફરજ પડી રહી છે. પ્રધાનમંત્રીએ દેશ માટે વધુ સમય આપવો જોઈએ તેના બદલે ગુજરાતમાં પ્રચાર પ્રસાર માટે વધુ આપી રહ્યાં છે. મોદીની જાહેર સભાઓ સરકારી ખર્ચે કરાઈ રહી છે. ચૂંટણીમાં વપરાતા અધધ નાણાં એ લોકશાહી માટે ખતરારૂપ છે.

અશોક ગેહલોતે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે કોરોના વખતે રાજ્ય સરકારની નિષ્ફળતા તમામ લોકોએ જોઈ છે. જેને કારણે મુખ્યમંત્રી સહિત આખે આખી સરકારને બદલી નાખવામાં આવી હતી. હાલમાં રાજ્યનો વહીવટ અધિકારીઓ દ્વારા થઈ રહ્યો છે, મુખ્યમંત્રી ખૂબ સીધા અને સરળ વ્યક્તિ છે. વડાપ્રધાન ગુજરાત મુલાકાતે આવે છે, ત્યારે તેઓને તેમની પાછળ પાછળ ચાલવું પડે છે, જે ગુજરાતની જનતા માટે દુઃખદ અને કમનસીબ બાબત છે. મુખ્યમંત્રીએ પણ થોડીક હિંમત બતાવવી જોઈએ.

અશોક ગેહલોટે કહ્યું હતું કે, જનતાના વિવિધ પ્રશ્નો-મુશ્કેલીઓની સામે નજીવી રાહત આપતી ભાજપની છેતરપિંડીનો જવાબ ગુજરાતની જનતા આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આપશે. મોંઘવારી, બેરોજગારીથી ત્રસ્ત જનતા ભાજપને પાઠ ભણાવવાનું નક્કી કરી દીધું છે તેનો અનુભવ ગૌરવ યાત્રા દરમિયાન ઠેર ઠેર ભાજપના નેતાઓને થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ 125 થી વધુ બેઠક સાથે જવલંત વિજય મેળવશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ગામેગામે ફરીને રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા આઠ વચનોનું ‘જનઅધિકાર પત્ર’ ઘરે ઘરે પહોચાડી રહ્યાં છે. રાજસ્થાનની કોંગ્રેસ સરકારમાં લાગુ કરવામાં આવેલા નિર્ણયો જેવા કે, જુની પેન્શન યોજના, ચિરંજીવી આરોગ્ય યોજના, ઈન્દિરા શહેરી રોજગાર યોજના સહિતની જનલક્ષી યોજનાઓને ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતા જ લાગુ કરવામાં આવશે.

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ વડાપ્રધાન મોદીના જ ભાઈ છે: ગેહલોટ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે કેજરીવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કોઈ કાર્યકરો નથી, પરંતુ ભાડાના માણસથી કામ ચલાવી રહ્યા છે. આમ આદમી પાર્ટી જે રીતે ગુજરાતમાં પ્રચાર- પ્રસાર કરી રહી છે, તે પૈસા ક્યાંથી આવી રહ્યા છે ,તેની તપાસ થવી જોઈએ.

Most Popular

To Top