Gujarat

બિપરજોય વાવાઝોડાને પગલે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

અમરેલી: દરિયાકાંઠાના વિસ્તારોમાં ફરી એકવાર ‘બિપરજોય વાવાઝોડા’નો (Biperjoy Cyclone) ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે બિપરજોય વાવાઝોડુ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે. આગામી છ કલાક દરમિયાન ચક્રવાતી તોફાન તીવ્ર બનશે. આ વાવાઝોડાની અસર ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે. આ દરમિયાન તોફાન અને ભારે વરસાદની સંભાવના છે. વાવાઝોડાના પગલે ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. પોરબંદરથી લઈ જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, દરિયાકાંઠે વિમાન મારફત હવાઈ નિરીક્ષણ કર્યું હતું. 

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે આ વાવાઝોડુ ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. ગુરુવાર એટલે કે 15 જૂને આ વાવાઝોડુ પાકિસ્તાન સહિત ભારતના ગુજરાત અને મહારાષ્ટ્રમાં તબાહી મચાવી શકે છે. વાવાઝોડું ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જો કે કચ્છના દરિયા કાંઠાના વિસ્તારોમાં તેની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. 

ગુજરાતમાં ‘બિપરજોય વાવાઝોડા’નો ખતરો તોળાઈ રહ્યો હોવાના પગલે વહીવટતંત્ર તેમજ ગુજરાત રાજ્યનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર એકશન મોડમાં આવી ગયું છે અને રાજ્યના તમામ બંદરો પર સિગ્નલ લગાવી દીધા છે. જિલ્લાના દરિયાકાંઠા ઉપર બિપરજોય વાવાઝોડાની અસરના પગલે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. નવસારીના જલાલપુર તાલુકાના વાસી બોરસી ગામ પાસેના દરિયાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તેવા દ્રશ્યો સામે આવ્યા છે. નવસારી જિલ્લાના 52 કિલોમીટરની આસપાસ દરિયા કિનારે પણ દરિયામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.

ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને અન્ય દરિયાકાંઠાના વિસ્તારોને શનિવારે એલર્ટ પર મૂકવામાં આવ્યા હતા કારણ કે હવામાન વિભાગે જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડુ આગામી 24 કલાકમાં અરબી સમુદ્રમાં વધુ તીવ્ર બનશે. અરબી સમુદ્ર કિનારે આવેલા વલસાડના તિથલ બીચ પર ઊંચા મોજા જોવા મળતા 14 જૂન સુધી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું કે વાવાઝોડુંની ઘાત ગુજરાતમાંથી ભલે ટળી હોય પરંતુ તેની અસર દરિયામાં જોવા મળી રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિપરજોય વાવાઝોડાના કારણે સોમવારે ગુજરાત-મહારાષ્ટ્ર રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. 14-15 જૂનના રોજ આ ગુજરાત અને મહારાષ્ટ્રના દક્ષિણ અને પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન જોધપુર અને ઉદયપુર ડિવિઝનના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે.

‘બિપરજોય’ વાવાઝોડાની શક્યતાને પગલે દરિયાઈ કાંઠા વિસ્તારનાં ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. સુરત નજીકના કાંઠા વિસ્તારોમાં ખાસ કરીને સુવાલી, ડુમસ અને ડભારી દરિયાઈ કિનારા બંધ કરી દેવામાં આવ્યા છે.  સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને લઈને અસર દેખાવા માંડી છે. તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને પણ સાવધ રહેવા માટે સૂચન આપી દીધી છે. હાલ વહીવટીતંત્રને પણ એલર્ટ રાખ્યું છે.

Most Popular

To Top