Dakshin Gujarat

ભરૂચમાં ટેન્કર અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત થતાં ત્રણનાં મોત

ભરૂચ: ભરૂચ-દહેજ રોડ પર આમદરા ગામ પાસે કેમિકલ ભરેલા ટેન્કરના (Tanker) ચાલકે એક મોટરસાઈકલને અડફેટે લેતાં ત્રણ જણાનાં મોત (Death) થયાં હતાં. અકસ્માતમાં (Accident) ટેન્કર રોડ સાઈડ પલટી મારતાં બાઈક ચાલક દબાઈ ગયો હતો જેના કારણે તે મોતને ભેટ્યો હતો.

ભરૂચ-દહેજ રોડ પર ભારેખમ વાહનો મોટા પ્રમાણમાં પસાર થતા હોય છે. આ રોડ પર સોમવારે સવારે પુરપાટ ઝડપે દહેજ તરફ એક કેમિકલ ટેન્કર પસાર થતું હતું. આ કેમિકલ ટેન્કરે આમદરા ગામ પાસે પસાર થતા રોડ પર એક મોટરસાઈકલને અડફેટે લીઘી હતી. રોડ સાઈડ મોટરસાઈકલ ફંગોળાયા બાદ કાબુ ગુમાવેલું ટેન્કર પણ પલટી ખાઈ ગયું હતું. આ ગોઝારા અકસ્માતમાં મોટરસાઈકલ અને ટેન્કરના ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મોતને ભેટેલા બાઇકચાલક પ્રવીણકુમાર ચંદેશ્વર મંડલ, નંદુબેન કાલીદાસ વસાવા તેમજ ટેન્કરચાલક જિતેન્દ્રસિંહ સુરેન્દ્રકુમાર સિંગનું મોત થયું હતું. જ્યારે રોડની સાઈડે ઊભેલા આમદરાના દિલીપ વસાવાને ટક્કર વાગતાં પગમાં ફ્રેક્ચર થઇ ગયું છે. સમગ્ર ઘટના બાદ ઘટના સ્થળે ભરૂચ પોલીસે પહોંચી મૃતકોનો પોસ્ટમોર્ટમ કરી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ઝઘડિયાના પાણેથા નજીક કારચાલકે 4 રાહદારીને અડફેટે લેતાં ઇજા
ઝઘડિયા: ઝઘડિયાના પાણેથા-અશા રોડ પર ગત રાત્રિ દરમિયાન ચાલવા નીકળેલા એક જ પરિવારના ચાર સભ્યોને કારચાલક અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો, જેમાં ચારેય ઇસમ જખમી થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ઉમલ્લા દવાખાને લઇ જવાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર રવિવાર, તા.૩ના રોજ રાતના આઠ વાગ્યાના સમયે અશા-પાણેથા માર્ગ પર કેટલાક રાહદારીઓને એક ફોર વ્હિલ ગાડીએ અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં ગોવિંદ વણઝારા, મિતેષ વણઝારા, સરદાર દલાજી વણઝારા તેમજ જતીન વણઝારા નામના ઇસમને ગંભીર ઇજા થઇ હતી. આ ઇજાગ્રસ્તો પૈકી કેટલાકને માથા, કેટલાકને ખભા તેમજ હાથ-પગ પર ફ્રેક્ચર થયું હતું. અકસ્માત બાદ ગાડીનો ચાલક તેનું વાહન ઘટના સ્થળે મૂકી નાસી છૂટ્યો હતો. અકસ્માત બાબતે ગોવિંદ ભીખા વણઝારાએ ઉમલ્લા પોલીસમાં અકસ્માત કરી નાસી જનાર વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી.

વાલિયા ચોકડી નજીક સુરતના દંપતીની બાઇકને ટ્રક સાથે અકસ્માત, પત્નીનું મોત
અંકલેશ્વર: અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ટ્રકચાલકે બાઇકને ટક્કર મારતાં દંપતી પૈકી પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પતિને ઈજા પહોંચી હતી. સુરતના પરવટ પાટિયા સ્થિત અંબિકાનગર ખાતે રહેતા પિન્કેશકુમાર સોલંકીના પિતા નરેશભાઈ પોતાની મોટરસાઇકલ લઇ પત્ની જ્યોત્સ્નાબેન સાથે અંકલેશ્વર ખાતે રહેતા તેઓના સંબંધીને મળવા આવ્યા હતા. જેઓ ગતરોજ સાંજે 6 કલાકે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક વાલિયા તરફ જવાના માર્ગ ઉપરથી પસાર થઇ રહ્યાં હતાં. એ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલી ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દંપતી પૈકી પત્નીને ગંભીર ઈજા પહોંચતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પતિને ઈજા પહોંચી હતી. આ અકસ્માત અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top