National

પ્લેનમાં બેસવા પહેલાં ટ્રેક્ટરની સવારી: દેશના આ ઈન્ટરનેશનલ એરપોર્ટના થયા હાલ બેહાલ, વીડિયો વાયરલ

કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં ભારે વરસાદના લીધે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. (Heavy Rain In Karnataka Capital Bangluru) અહીં ભારે વરસાદને લીધે શહેરના અનેક રસ્તાઓ જલમગ્ન થયા છે. ત્યાં જ કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (Kempegowda International Airport) પર પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. જેના લીધે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એરપોર્ટની બહાર રસ્તાઓ પર એટલું બધું પાણી જમા થઈ ગયો છે કે વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે. તેથી યાત્રીઓને ડર લાગી રહ્યો છે કે ફ્લાઈટ ચૂકી નહીં જવાય. કેટલાંક પેસેન્જરો ટ્રેક્ટરમાં બેસીને એરપોર્ટ પર જતા જોવા મળ્યા છે.

દરમિયાન ભારતીય હવામાન વિભાગે (IMD) આજે સમગ્ર કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતાવણી આપી છે. હવામાન વિભાગના સૂત્રોએ કહ્યું કે, બંગાળની ખાડીમાં વિકસિત લો પ્રેશરના લીધે કર્ણાટકના કેટલાંક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. કર્ણાટકના બેલગાવી, બાગલકોટ, વિજયપુરા, કોપ્પલ, રાયચૂર, દક્ષિણ આંતરીક કર્ણાટકના ચિક્કમગલુરુ, શિવમોગ્ગા, કોડાગુ, કોલાર, બેંગ્લુરુ ગ્રામીણ, બેગ્લુરુ શહેર, તુમકુરુ, ચિક્કાબલ્લાપુરા અને રામનગર જિલ્લામાં ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગે ચેતાવણી આપી છે.

કેરળમાં પણ ભારે વરસાદની ચેતાવણી

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા દેશના અનેક રાજ્યોમાં આજે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. કર્ણાટક ઉપરાંત કેરળના કોલ્લમ, પથનમથિટ્ટા, કોટ્ટાયમ, અલાફુઝા, અર્નાકુલમ અને ઈડુક્કી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી આ શહેરોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ ત્રિશૂર, પલક્કડ, મલપ્પુરમ, કોઝીકોડ, વાયનાડ, કન્નૂર અને કાસારગોડ જિલ્લામાં હળવા વરસાદની સંભાવના હોય યલો એલર્ટ જાહેર કરાયું છે.

આ રાજ્યોમાં પણ વરસાદની સંભાવના

હવામાન વિભાગ અનુસાર કર્ણાટક, કેરળ ઉપરાંત મંગળવારે ઝારખંડ, બિહાર, મધ્યપ્રદેશના કેટલાંક ભાગોમાં તેમજ છત્તીસગઢ અને મહારાષ્ટ્ર, ઓરિસ્સા તેમજ પશ્ચિમ બંગાળના કેટલાંક ભાગોમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ગોવા અને કોંકણમાં પણ ત્રણ દિવસ વરસાદ વરસી શકે છે.

Most Popular

To Top