Dakshin Gujarat

‘સાહેબ, મને દીકરો થયો છે પણ સાસરિયાં જોવા આવ્યાં નથી’- બારડોલીની ઘટના

બારડોલી: (Bardoli) બારડોલીના કોબા પાર્કમાં રહેતી મહિલાના નિકાહ વડોદરામાં (Vadodra) રહેતા યુવક સાથે થયાં હતાં. લગ્નના (Marriage) થોડા સમયમાં જ સાસરિયાએ શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. પરિણીતાને સાત મહિનાનો ગર્ભ હતો ત્યારે ગર્ભપાત કરાવવાની ચીમકી આપી ઝઘડો કરી તેણીને ઘરની બહાર કાઢી મૂકી હતી. તેણીએ બાળકને જન્મ આપવા છતાં સાસરિયાએ કોઈ સંભાળ નહીં લેતાં આખરે પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં (Police station) પતિ, સાસુ અને નણંદ વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

  • ‘સાહેબ, દીકરો થયો, પણ સાસરિયાં જોવા આવ્યાં નથી’
  • વડોદરામાં પરણેલી બારડોલીની મહિલાને સાસરિયાંએ સાત માસનો ગર્ભ હોવા છતાં ઘર બહાર કાઢી મૂકી હતી
  • બાળકને જન્મ આપવા છતાં સાસરિયાએ કોઈ સંભાળ નહીં લેતાં પરિણીતાએ મહિલા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી

પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલીના કોબા પાર્કમાં રહેતા ફિરોઝ હુસેન ભીમલાની પુત્રી ફાયઝા (ઉં.વ.25)નાં લગ્ન ગત તા.8/11/2020ના દિવસે વડોદરાના તાંદલાજા વિસ્તારમાં આવેલ અક્ષા એવન્યુમાં રહેતા મોહમ્મદ અદનાન ઇકબાલ હૂસને તૂરાબ સાથે મુસ્લિમ શરિયત મુજબ થયાં હતાં. લગ્ન બાદ તે તેના સાસરે પતિ અને સાસુ સસરા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. લગ્નના ત્રણ મહિના બાદથી જ તેણીને સાસરિયાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હોવાનો આરોપ ફાયઝા ફરિયાદમાં કર્યો છે. તેને વારંવાર શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ગર્ભવતી થતાં બાળક જોઈતું નથી તેવું જણાવી પતિએ ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું હતું. પરંતુ તેણી દબાણને વશ થઈ ન હતી.

જ્યારે સાત મહિનાનો ગર્ભ થયો ત્યારે મશીનથી ગર્ભ કાઢી નાંખવા માટે દબાણ કરતાં તાબે ન થવાથી તેણીને ઘરની બહાર કાઢી મૂકી હતી. એ સમયથી તે તેના પિયર બારડોલી ખાતે રહેતી આવી છે. ગત તા.4/10/2022ના રોજ તેણીએ એક દીકરાને જન્મ આપ્યો હોવા છતાં તેનો પતિ, નણંદ કે સાસુ ખબરઅંતર પૂછવા આવ્યા ન હતા. તેઓ કોઈ જવાબદારી કે ખર્ચ ઉઠાવતા ન હોવાથી અંતે ફાયઝાએ સુરત જિલ્લા મહિલા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે પતિ મોહમ્મદ અદનાન ઇકબાલ હુસેન તુરાબ, સાસુ રઝિયા ઇકબાલ હુસેન તુરાબ અને નણંદ સીમા ઇમરાન દલ સામે શારીરિક-માનસિક ત્રાસનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top