Sports

એશિયન ગેમ્સમાં ભારત બન્યું કબડ્ડી કિંગ, ક્રિકેટમાં ગોલ્ડ મેળવી ઇતિહાસ રચ્યો

હાંગઝોઉઃ એશિયન ગેમ્સમાં (Asian Games) ભારત અને ઈરાન (India And Iran) વચ્ચે રમાયેલી કબડ્ડી (Kabaddi) સ્પર્ધા જીતી ભારતીય ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ મેચ ભારત અને ઈરાન વચ્ચે રમાઈ હતી. મેચના અંતે પોઈન્ટને લઈને મેટ પર ભારે વિવાદ થયો હતો. મેચ લગભગ પોણા કલાકે બંધ થઈ ગઈ હતી પરંતુ અંતે ભારતીય ટીમે મેચ જીતીને ગોલ્ડ જીત્યો હતો.

આ પહેલા મેચમાં ભારે વિવાદ થયો હતો. મેચ સમાપ્ત થવામાં માત્ર 65 સેકન્ડ બાકી હતી. મેચનો સ્કોર 28-28 હતો. આ સમયે ભારતીય ટીમનો કેપ્ટન પવન સેહરાવત રેઇડ કરવા જાય છે. તે ડુ એન્ડ ડાઇ રેડ હતું. મતલબ કે આમાં પવનને ગમે તે ભોગે પોઈન્ટ મેળવવાનો હતો. પવન ઈરાની ડિફેન્ડરને સ્પર્શ કરવાના પ્રયાસમાં લોબીમાં ગયો તેમના પછી મેટ પર હાજર 4 ઈરાની ખેલાડીઓ પણ લોબીમાં આવ્યા.

આ બાબતે ભારતીય કબડ્ડી ટીમે દાવો કર્યો હતો કે જો પવન સેહરાવત કોઈપણ ખેલાડીને સ્પર્શ કર્યા વિના લોબીમાં ગયો હતો તો તે આઉટ થઈ ગયો હતો પરંતુ તેની સાથે ઈરાનના ચારેય ડિફેન્ડર પણ બહાર થઈ ગયા છે. રેફરીએ પહેલા બંને ટીમોને 1-1 પોઈન્ટ આપ્યા હતા. આ પછી ભારતે વિરોધ શરૂ કર્યો. ત્યારબાદ રેફરીએ ભારતને ત્રણ પોઈન્ટ અને ઈરાનને એક પોઈન્ટ આપ્યો હતો. આ પછી ઈરાને વિરોધ કર્યો અને ઘણી ચર્ચા બાદ રેફરીએ 1-1થી નિર્ણય લીધો હતો. ભારતે વિવાદોથી ભરેલી ફાઈનલ મેચમાં ઈરાનને હરાવ્યું અને આ મેચ 33-29થી જીતી હતી.

ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો
ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો છે અને 19મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી છે. ફાઈનલ મેચમાં ભારતનો મુકાબલો અફઘાનિસ્તાન ટીમ સાથે હતો. અફઘાન ટીમના દાવ દરમિયાન વરસાદ પડતાં નિર્ધારિત સમયમાં રમત ફરી શરૂ થઈ શકી ન હતી. આ પછી ભારતની સારી રેન્કિંગને કારણે ગોલ્ડ આપવાનો નિર્ણય મેચ અધિકારીઓએ લીધો હતો. જ્યારે અફઘાનિસ્તાનની ટીમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ ગોલ્ડ મેડલ મેચમાં સતત વરસાદનો પડછાયો જોવા મળ્યો હતો. જેના કારણે મેચ લગભગ 1 કલાકના વિલંબથી શરૂ થઈ હતી. ભારતીય ટીમના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અફઘાન ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી જેમાં તેણે પોતાની પ્રથમ 3 વિકેટ માત્ર 12ના સ્કોર પર ગુમાવી દીધી હતી. અહીંથી શાહિદુલ્લા કમલે એક છેડેથી ઇનિંગ્સને સંભાળીને રનની ગતિ વધારવાનો પ્રયાસ કર્યો હતો.

અફઘાનિસ્તાનની ટીમે 18.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા હતા ત્યારે વરસાદના કારણે મેચ રોકવી પડી હતી. જો કે મેચ ફરી શરૂ થઈ શકી ન હતી અને ભારતીય ટીમને તેની સારી રેન્કિંગ મુજબ ગોલ્ડ મેડલ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ ફાઈનલ મેચમાં શ્રીલંકાની ટીમને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Most Popular

To Top