Comments

કાશ્મીરમાંથી લશ્કર હટાવાશે , યોગ્ય નિર્ણય

જમ્મુ કાશ્મીર માટે કેન્દ્ર સરકારે સારા સમાચાર આપ્યા છે. ક. ૩૭૦ દૂર કર્યા બાદ ત્રણ વર્ષે હવે ખીણમાંથી લશ્કરને પાછા લાવવાનું નક્કી થયું છે. એનો અર્થ એ થાય છે કે, બહુ જલદી કાશ્મીરમાં ચૂંટણીઓ આવી રહી છે. સરકાર એ માટે તૈયાર છે અને એ પાછળ કેન્દ્ર સરકારના કેટલાક હેતુ છે. એક સૌથી મોટું કારણ છે, જી ૨૦. જેની મેજબાની ભારતને આ વર્ષે મળી છે અને એની બેઠકો જુદાં જુદાં રાજ્યોમાં મળી રહી છે. દિલ્હીમાં વિદેશ મંત્રીઓની બેઠક થવાની છે અને કેટલીક બેઠક જમ્મુ કાશ્મીરમાં પણ થશે અને એ કારણે આંતરરાષ્ટ્રીય તખ્તા પર ભારત પોતાનો દબદબો બનાવી શકે છે અને એમાંનું એક પગલું જમ્મુ કાશ્મીરમાં સેનાની વાપસી છે.

ક. ૩૭૦ દૂર કરવાનું હિંમતભર્યું પગલું લેવાયા બાદ ખીણમાં આંતકી ઘટનાઓમાં ખાસ્સો ઘટાડો થયો છે. ૨૦૦૦માં આતંકી ઘટનાઓમાં ૧૩૮૫ લોકો માર્યા ગયાં હતાં અને ૨૦૨૨માં એ આંકડો ઘટી ૧૫૧ થઈ ગયો છે અને ૨૦૨૩માં માત્ર છ લોકો મૃત્યુ પામ્યાં છે. આતંકી ઘટનાની વાત કરીએ તો ૨૦૧૯માં ૨૮૩ ઘટના બની હતી એ પછી આતંકીઓ ઉગ્ર થયા, પણ એમની સામે કડક પગલાં લેવાયાં અને એનું પરિણામ મળ્યું છે. ૨૦૨૨માં ૨૫૩ ઘટના બની. અનેક આતંકીઓ પકડાયા છે અને માર્યા ગયા છે.

મહત્ત્વની વાત એ છે કે, આતંકને જેર કરવા માટે સરકારે તૈનાતી વધારી. અત્યારે એક લાખ, ત્રણ હજાર સેનાકર્મી તૈનાત છે. એમાં ૮૦,૦૦૦ સરહદે છે અને બાકી ૫૦,૦૦૦ આતંકવિરોધી અભિયાનમાં લાગેલા છે. સરકાર બહુ જલદી સેના વાપસ લેવા માંગે છે. એ માટે બે થી ત્રણ વર્ષ લાગી શકે છે અને સેનાની જગ્યા અર્ધલશ્કરી દળ અને પોલીસ લઈ શકે છે. કોઈ પણ રાજ્ય સેનાને હવાલે લાંબા સમય સુધી ના રહી શકે અને ભારત લોકશાહી દેશ છે. કાશ્મીરમાં ચૂંટાયેલી સરકાર ના આવે ત્યાં સુધી સ્થિતિ સામાન્ય થઈ નથી એવી જ છાપ પડે. સરકાર એ દૂર કરવા માંગે છે. નવું સીમાંકન પણ થઈ ચૂક્યું છે. જી ૨૦ની મેજબાની સેના વાપસીનું કારણ બની શકે છે. ભારત દુનિયાને દેખાડી શકે છે કે, એમણે ખીણમાં આતંકનો ખાતમો કર્યો છે.

શરદ પવારની સલાહ ઉધ્ધવે માનવી રહી
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલનો દોર પૂરો થવાનું નામ લેતો નથી. ચૂંટણી પંચે એકનાથ શિંદેના જૂથને શિવસેનાનું નિશાન આપ્યું છે અને આ ઉધ્ધવ ઠાકરેની શિવસેના માટે ફટકા સમાન છે. એનાથી ઠાકરે વિચલિત થઈ ગયા છે અને સુપ્રીમ કોર્ટ ગયા છે પણ ત્યાંથી સ્ટે મળ્યો નથી. ચૂંટણી પંચનો નિર્ણય કેટલાક સવાલ પેદા કરે છે, પણ હવે આ મુદે કાનૂની લડાઈ ચાલશે. શિવસેનાના ચિહ્નની ચોરી થઈ છે એવા બખાળા કાઢવાને બદલે શિવસેનાએ શરદ પવારની સલાહ માની લેવા જેવી છે. ચિહ્ન માટે લડાઈ કરવામાં સમય ગુમાવવા કરતાં પક્ષને મજબૂત બનાવવાની વાત વધુ મહત્ત્વની છે. શિવસેનામાં જે રીતે ભંગાણ પડ્યું છે એ પાછળ ભાજપ અને પૈસાનો ખેલ તો છે જ, પણ શિવસેનામાં પણ અસંતોષ હતો. એ પાછળનાં કારણો તપાસી લેવાં જોઈએ. પ્રતીકથી કોઈ પક્ષની ઓળખ મજબૂત થાય એ જરૂરી નથી.

કોંગ્રેસ સહિતના અનેક પક્ષોનાં ચૂંટણીચિહ્ન રદ થયાં છે, બદલાય છે એમ છતાં એ પક્ષોનો વ્યાપ વધ્યો છે. સત્તા મળી છે. શિવ સેનાએ સ્થાનિક ચૂંટણીઓ આવે છે એના પર ધ્યાન આપવાની જરૂર છે. બાળાસાહેબ ઠાકરે નથી એ વાત સ્વીકારીને ઉધ્ધવે આગળ વધવું પડશે. ભાજપે શિવસેનાનો જે પાયો છે એમાં લૂણો લગાડ્યો છે. આગળ જય ભાજપ અહીં એકલા હાથે ચૂંટણી જીતી શકે એવી પેરવીમાં છે અને એ સામે શિવસેનાએ પોતાનો આધાર ટકાવી રાખવાનો છે. એના હિન્દુત્વની છબી મોળી પડી છે. શરદ પવારે રાજકીય ગુરુ ભલે રહ્યા પણ શિવસેનાની જે મૂળ ઓળખ છે એ નહીં જળવાય તો શિવસેનાનું અસ્તિત્વ ટકાવવાનું અસંભવ બની જશે.

બિહારમાં ફરી ઉથલપાથલ
બિહારનું રાજકારણ પ્રવાહી રહ્યું છે અને એના કેન્દ્રમાં નીતીશકુમાર રહ્યા છે. એમની એનડીએમાં જવું અને બહાર નીકળી જવું અને લાલુ યાદવ પુત્ર સાથે હાથ મિલાવી સત્તા ટકાવી રાખવાની નીતિએ એમની આબરૂમાં ગાબડાં પડ્યાં છે. હોળી બાદ નીતીશ મુખ્યમંત્રી પદ છોડશે અને રાષ્ટ્રીય રાજકારણમાં પગરણ કરશે અને તેજસ્વી યાદવ એમનું સ્થાન લેશે. આ વ્યૂહ કેટલો સફળ થશે એ કહેવું મુશ્કેલ છે કારણ કે, જેડીયુને એક ઝાટકો લાગ્યો છે. ઉપેન્દ્ર કુશવાહ સાથ છોડી ગયા છે.

એમના પક્ષ રાષ્ટ્રીય લોક જનતા દળ હવે એનડીએ સાથે હાથ મિલાવી શકે છે પણ એ પહેલાં એમણે જે એલાન કર્યું છે એ નીતીશ અને તેજસ્વી માટે સમસ્યા સર્જી શકે છે. નીતીશની સમાધાન યાત્રા સામે કુશવાહ વિરાસત બચાવો નમનયાત્રા શરૂ કરવાના છે અને બે તબક્કામાં યોજાનારી આ યાત્રા ૨૧ દિવસમાં ૧૮ જિલ્લામાં ફરવાની છે. કુશવાહ ભાજપ સાથે હાથ મિલાવે તો જેડીયુને નુકસાન થઈ શકે છે. નીતીશ કુમારની સમસ્યાઓમાં વધારો થઇ રહ્યો છે અને રાષ્ટ્રીય રાજકારણમાં જવાના એમના અબળખાને હજુ વિપક્ષ દ્વારા સમર્થન મળ્યું નથી. નીતીશનો યુગ શું પૂરો થવા જઈ રહ્યો છે?
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top