Gujarat

ગુજરાત તરફ આવી રહ્યું છે ‘તેજ’ વાવાઝોડું, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાત: અરબ મહાસાગરમાં (Arabian Sea) છેલ્લા ઘણા વર્ષોથી ક્લાઇમેટ ચેન્જના (Climate Change) કારણે અવારનવાર વાવાઝોડા (Storm) સર્જાઇ રહ્યા છે. ત્યારે ફરી ગુજરાતના (Gujarat) હવામાન વિભાગે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં ચોમાસા (Monsoon) બાદનું પ્રથમ વાવાઝોડું સર્જાઇ રહ્યું છે. અને હાલ આ સિસ્ટમ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે. આવનારા 24 કલાકમાં તે વાવાઝોડું બની અરબી સમુદ્રમાં આગળ વધશે. આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થયા બાદ તેનું નામ ‘તેજ’ રાખવામાં આવશે અને આ નામ ભારત તરફથી આપવામાં આવ્યું છે.

‘તેજ’ વાવાઝોડું ગુજરાત તરફ આવશે કે કેમ?
હવામાન વિભાગે આ વાવાઝોડું કઈ તરફ જશે તેનો સંભવિત માર્ગ નક્કી કરતો નકશો જાહેર કર્યો છે. આ સિસ્ટમ વાવાઝોડું બન્યા બાદ અરબી સમુદ્રમાં ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે. એટલે કે ભારતના દરિયાકિનારાથી દૂર જશે. 24 કે 25 ઑક્ટોબરની આસપાસ તે ઓમાન અને યમનના દરિયાકિનારા પાસે પહોંચે તેવી શક્યતા છે. અને તે ઓમાનની નજીકથી વળાંક લઈને ગુજરાત પાસે પાકિસ્તાન સુધી પહોંચે તેવી પણ શક્યતા છે. હાલમાં હવામાનનાં વિવિધ મૉડલ આ સિસ્ટમ વળાંક લેશે કે નહીં તેના પર એકમત નથી.

અરબી સમુદ્રમાં સર્જાતાં વાવાઝોડાંનો રસ્તો નક્કી કરવો મુશ્કેલ હોય છે. અને એક વખત નક્કી થયા બાદ પણ વાવાઝોડું વળાંક લેતું હોય છે. હાલની સ્થિતિ મુજબ ગુજરાત પર કોઈ સીધો ખતરો દેખાતો નથી. પરંતુ ચોમાસા પહેલાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડું પણ પહેલાં ઓમાન તરફ જાય તેવું લાગતું હતું. જે પછીથી વળાંક લઈને ગુજરાત પર ત્રાટક્યું હતું. હાલમા હવામાન વિભાગનું કહેવું છે કે તે ઓમાન તરફ જશે. ઓમાનની પાસે પહોંચતા જ વાવાઝોડું થોડું વળાંક લેતું દેખાય છે.

અરબી સમુદ્રમાં વારંવાર સર્જાય રહેલા વાવાઝોડા
એક અહેવાલ મુજબ તાજેતરના એક સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે, અરબી સમુદ્રમાં વાવાઝોડાની સંખ્યા વધી રહી છે અને તેનું મુખ્ય કારણ દરિયાની જળસપાટીનું વધી રહેલું તાપમાન છે. 2022માં ચોમાસા બાદ અરબી સમુદ્રમાં એક પણ વાવાઝોડું સર્જાયું ન હતું, જ્યારે વર્ષ 2019માં અરબી સમુદ્રમાં પાંચ વાવાઝોડાં સર્જાયાં હતાં. તેમાંથી ચાર હિક્કા, કયાર, મહા અને પવન નામનાં વાવાઝોડાં ચોમાસા બાદ સર્જાયાં હતાં. ભારતમાં દર વર્ષે ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ કુલ મળીને ચારથી પાંચ વાવાઝોડાં સર્જાતાં હોય છે. સામાન્ય રીતે બંગાળની ખાડીમાં અરબી સમુદ્ર કરતાં વધારે વાવાઝોડાં સર્જાય છે.

Most Popular

To Top