National

દિલ્હીની હવામાં વધતા પ્રદૂષણ વચ્ચે કેજરીવાલ સરકાર ઓડ-ઈવનનો નિયમ લાગૂ કરશે

નવી દિલ્હી(NewDelhi) : રાજધાની દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ (AirPollution) વચ્ચે કેજરીવાલ સરકારે (KejriwalGovernment) ફરી એકવાર ઓડ-ઈવન સિસ્ટમ (OddEven) અમલમાં મુકવાનો નિર્ણય લીધો છે. આ ઓડ-ઈવન સિસ્ટમ 13 થી 20 નવેમ્બર સુધી લાગુ રહેશે.

સરકારના નિર્ણય અનુસાર દિલ્હીમાં BS 3 પેટ્રોલ અને BS 4 ડીઝલ કાર પર પ્રતિબંધ ચાલુ રહેશે અને આ સમયગાળા દરમિયાન નવું કોઈ બાંધકામ કરી શકાશે નહીં. આ સિવાય હવે 6ઠ્ઠી, 7મી, 8મી, 9મી અને 11મા ધોરણ માટે દિલ્હીની સ્કૂલોમાં ફિઝિકલ ક્લાસ 10 નવેમ્બર સુધી બંધ રહેશે.

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને 13 થી 20 નવેમ્બર સુધી એક સપ્તાહ માટે ઓડ-ઇવન વ્હીકલ સિસ્ટમ લાગુ રહેશે. આ સપ્તાહ દરમિયાન પ્રદૂષણની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.

ઓડ-ઇવન સિસ્ટમ અમલી હશે તે દરમિયાન નંબર 1, 3, 5, 7 અને 9 (જેમાં આ નંબરો છેલ્લી હરોળમાં છે) વાળા વાહનો બેકી દિવસોમાં દોડશે. તે સિવાયના દિવસોએ એવા વાહનો ચાલશે જેનો નંબર 0, 2, 4, 6 અને 8 સાથે સમાપ્ત થાય છે.

પરિવહન મંત્રી ગોપાલ રાયે કહ્યું કે આ માટે આવતીકાલે એટલે કે 7મી નવેમ્બરે પરિવહન વિભાગ અને દિલ્હી પોલીસ સહિતના સંબંધિત વિભાગોની બેઠક યોજાશે. ગોપાલ રાયે કહ્યું કે સમીક્ષા કર્યા બાદ તેને આગળનો નિર્ણય લેવામાં આવશે.

વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં દિલ્હી મોખરે
દિલ્હી વિશ્વમાં સૌથી પ્રદૂષિત (Pollution) શહેરોમાં પ્રથમ સ્થાને છે. ભારતના મેટ્રોપોલિટન શહેરોમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે ત્યારે સ્વિસ ગ્રૂપના (Swiss Group) આ આંકડાઓએ સૌને ચોંકાવી દીધા છે. સ્વિસ ગ્રૂપ IQ Airના રિયલ-ટાઇમ ડેટા અનુસાર વિશ્વના પાંચ સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં ત્રણ શહેરો ભારતના છે. જેમાં દિલ્હી ટોચ પર છે જ્યારે કોલકાતા ત્રીજા અને મુંબઈ પાંચમા ક્રમે છે.

દેશની રાજધાની દિલ્હી આ દિવસોમાં ભારે વાયુ પ્રદૂષણ સામે ઝઝૂમી રહી છે અને ગેસ ચેમ્બર બની ગઈ છે. સ્વિસ ગ્રૂપ IQ Air એ એક ડેટા જાહેર કર્યો છે જે મુજબ દિલ્હીની સાથે કોલકાતા અને મુંબઈ વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં સામેલ છે. નવી દિલ્હી આ યાદીમાં ટોચ પર છે અને અહીંનો AQI સવારે 7.30 વાગ્યે 483 નોંધાયો હતો. આ પછી પાકિસ્તાનનું લાહોર શહેર છે જ્યાં સવારે AQI 371 નોંધાયું હતું. IQ Airના રવિવારે 5 નવેમ્બર સવારે 8 વાગ્યાના ડેટા અનુસાર દિલ્હીની વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 492 નોંધાયો હતો. કોલકાતામાં AQI 204 અને મુંબઈમાં AQI 168 હતો. આઈક્યુ એર ડેટા અનુસાર બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં AQI 189 હતો અને પાકિસ્તાનના કરાચીમાં 162 નોંધાયો હતો.

Most Popular

To Top