Science & Technology

મોટું અપડેટ: ભારતમાં 6G ઈન્ટરનેટ સેવા શરૂ કરવા માટે તૈયારી શરૂ, આ નિર્ણય લેવાયો

નવી દિલ્હી: ભારતમાં (India) 6G લાવવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે. સોમવારે ટેલિકોમ મંત્રી (Telecom minister) એશ્વિની વૈષ્ણવે 6Gને લઈને નવા એલાઈન્સની (Alignment) શરૂઆત કરી છે. આ એલાઈન્સ માટે નેશનલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ અને સાયન્સ ઓર્ગેનાઈઝેશન પણ કામ કરશે. ભારત નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજી લાવવા માટે સમયસર સારી તૈયારી કરવા માંગે છે. જેથી અન્ય દેશોમાંથી આવતી ટેક્નોલોજી પરની નિર્ભરતા ઓછી કરી શકાય.

  • માર્ચમાં પીએમ મોદીએ 6G વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યું હતું
  • ભારતીય ડિજિટલ અર્થતંત્ર વર્ષ 2025 સુધીમાં 1 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે

6G એલાયન્સ આગામી દાયકામાં ઉભરતી ટેલિકોમ ટેક્નોલોજી અને પ્લેટફોર્મના વિવિધ પાસાઓ પર વિચાર-વિમર્શ કરશે અને 2030 સુધીમાં ભારતને 6G ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગમાં ફ્રન્ટ લાઇન યોગદાનકર્તા બનવા સક્ષમ બનાવશે.

માર્ચ મહિનામાં પીએમ મોદીએ 6જી વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યું હતું. આ સાથે 6G ટેસ્ટ બેડની પણ જાહેરાત કરવામાં આવી હતી. જાણકારી મુજબ કોઈપણ ટેક્નોલોજીનું ટેસ્ટ બેડમાં લોન્ચિંગ પહેલા પરીક્ષણ કરવામાં આવે છે. આ એક પ્રકારનું ટ્રાયલ છે જે લોન્ચિંગ પહેલા કરવામાં આવે છે.

2030 સુધીમાં 6G લાવવાનો પ્રયાસ
ભારત 6G એલાયન્સ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વિઝનને પૂર્ણ કરવાનો ઈરાદો રાખે છે. 6G ભારતમાં 2030 સુધીમાં લાવવાનું છે, જેથી ભારત વિશ્વના અન્ય દેશો સાથે સાથો સાથ ઉભુ રહી શકે. ભારતીય ડિજિટલ અર્થતંત્ર 2025 સુધીમાં US $1 ટ્રિલિયન સુધી પહોંચી જશે.

ભારત પાસે 6G માટે 127 પેટન્ટ
30 જૂનના રોજ ટેલિકોમ રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે ટ્વિટ કર્યું હતું કે ટેલિકોમ વિભાગની PLI અને ટેલિકોમ ટેક્નોલોજી ડેવલપમેન્ટ ફંડ (TTDF) યોજનાઓ દ્વારા, સંપૂર્ણ સ્વદેશી ટેલિકોમ ટેક્નોલોજી અને ઉત્પાદક વિકાસ થઈ રહ્યો છે. ભારતીય નાગરિકો પોસાય તેવા ભાવે નવીનતમ ટેલિકોમ સુવિધાઓ મેળવી શકશે. દેવુસિંહ ચૌહાણ ઉપરાંત ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે માર્ચ મહિના દરમિયાન જણાવ્યું હતું કે ભારત પાસે 6G માટે 127 પેટન્ટ છે. આ સાથે ભારતને 6G સેક્ટરમાં ઝડપથી આગળ વધવાની તક મળશે.

Most Popular

To Top