Business

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નેપાળી વ્યક્તિએ કર્યું ગેરવર્તન, ક્રૂ મેમ્બર સહિત યાત્રીઓને પણ માર્યું

નવી દિલ્હી: ટાટા ગ્રૂપની (TATA Group) એરલાઈન્સ એર ઈન્ડિયા (Air India) સાથેનો વિવાદ અટકે તેમ લાગતું નથી. હાલના દિવસોમાં ફ્લાઈટમાં (Flight) મુસાફરો સાથે અભદ્ર વર્તનની ઘટનાઓ વધી રહી છે. એર ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 8 જુલાઈના રોજ ટોરોન્ટોથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં નેપાળના (Nepal) એક નાગરિકે હંગામો મચાવ્યો હતો. આ વ્યક્તિએ માત્ર એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર પર જ હુમલો કર્યો ન હતો, પરંતુ તેના સહ-યાત્રીઓ પર પણ હુમલો કર્યો હતો. આ સિવાય આ મુસાફરે ટોયલેટનો દરવાજો પણ તોડી નાખ્યો હતો. પેસેન્જર દિલ્હી એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તેને સુરક્ષા એજન્સીઓને સોંપવામાં આવ્યો હતો.

એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 8મી જુલાઈ 2023 ના રોજ ટોરોન્ટો-દિલ્હીનું સંચાલન કરતી ફ્લાઈટ AI188 ના એક મુસાફરે ફ્લાઈટ દરમિયાન ક્રૂ મેમ્બરો અને સહ-યાત્રીઓ પર આક્રમક હુમલો કર્યો હતો. આ નેપાળી નાગરિકે શૌચાલયમાં શૌચ કર્યું તેમજ ધૂમ્રપાન કર્યું અને શૌચાલયને નુકસાન પહોંચાડ્યું હતું. જ્યારે ક્રૂ મેમ્બરોએ આ કૃત્ય સામે વાંધો ઉઠાવ્યો ત્યારે તેણે તેમના પર પણ હુમલો કર્યો. બચાવમાં આવેલા સહ-યાત્રીઓ પણ તેના ક્રોધનો શિકાર બન્યા અને હુમલામાં તેમને નાની-મોટી ઈજાઓ થઈ.”

મળતી માહિતી મુજબ ક્રૂ દ્વારા પેસેન્જરને ઘણી વખત ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ મુસાફરનો ગુસ્સો સતત વધી રહ્યો હતો. ખૂબ જ મુશ્કેલીથી ક્રૂ મેમ્બરોએ તેના પર કાબૂ મેળવ્યો અને આખરે તેને તેની સીટ પર પાછો મોકલી દીધો. જો કે હજુ સુધી પોલીસ કે મુસાફર તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી. પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે મુસાફરને નિયમનકારી જરૂરિયાત મુજબ આગળની કાર્યવાહી માટે સુરક્ષા એજન્સીઓને સોંપવામાં આવ્યો હતો અને આ બાબતની જાણ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ને કરવામાં આવી છે.

હાલના દિવસોમાં ફ્લાઈટમાં મુસાફરો સાથે અભદ્ર વર્તનની ઘટનાઓ વધી રહી છે. 24 જૂનના રોજ મુંબઈથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક પુરુષ પેસેન્જર સાથે “ઘૃણાસ્પદ રીતે” વર્તન કરવાની ઘટના બની હતી. આ મામલો એર ઈન્ડિયાની મુંબઈ-દિલ્હી ફ્લાઈટનો છે. આ ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે કથિત રીતે શૌચ કર્યું અને પ્લેનમાં પેશાબ કર્યો. જે બાદ પેસેન્જરની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી મુસાફર આફ્રિકામાં રસોઈયા તરીકે કામ કરે છે.

Most Popular

To Top