Gujarat

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે જ માનવ મહેરામણ ઉભરાયું

અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) એસપી રિંગ રોડ પર ઓગણજ નજીક પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ આજથી લોકો માટે ખુલ્લો મુકાયો હતો. આજે પહેલા જ દિવસે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જાણે કે માનવોનો મહાસાગર હોય તેવું દ્રશ્ય લાગતું હતું. ગઈકાલે વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી દ્વારા આ મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જ્યારે આજે પ્રથમ દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ઇન્ટરનેશનલ કન્વેન્શન ફોર બેટર લિવિંગનો પ્રારંભ થયો હતો.

અમદાવાદના એસપી રિંગ રોડ ઉપર ઓગણજ અને સાયન્સ સિટી વચ્ચે ઊભા કરવામાં આવેલા પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં આજે પ્રથમ દિવસે જ લાખોની સંખ્યામાં માનવ મહેરામણ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ઉમટી પડ્યું હતું આ મહોત્સવ 15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી 2023 સુધી ચાલનાર છે. એક મહિના સુધી ચાલનારા આ શતાબ્દી મહોત્સવમાં દરરોજ બપોરે 2 વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી જુદા જુદા અનેકવિધ આધ્યાત્મિક, સાંસ્કૃતિક તેમજ સામાજીક કાર્યક્રમો યોજાશે.

આ શતાબ્દી મહોત્સવમાં ઊભી કરાયેલી પ્રમુખસ્વામી મહારાજ નગરીમાં ભારતીય સંસ્કૃતિની પરંપરાઓની કલાકૃતિ તૈયાર કરવામાં આવી છે. પ્રમુખસ્વામી નગરના પ્રવેશદ્વારોને પણ અલગ જ રીતે પ્રેરણાત્મક ભાવનાથી તૈયાર કરવામાં આવ્યા છે. આવતીકાલે 16મી ડિસેમ્બરના રોજ સાંસ્કૃતિક દિવસની ઉજવણી કરાશે. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરિસંવાદ યોજાશે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં બાળનગરીએ આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું છે.

અહીં બાળકોને સંસ્કારોનું સિંચન થાય તેમ જ સંતો, મહંતોના આચાર વિચાર અને પવિત્ર પ્રેરણાઓ બાળકોને મળે તે માટે વિવિધ કલાકૃતિઓ, જીવન કાર્ય અને પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક જીવનનો સંદેશ, સાંસ્કૃતિક મૂલ્યોના વિવિધ માધ્યમો પ્રસ્તુતિ દ્વારા રજૂ કરાયા છે. આ બાળ નગરીની ખાસ વાત એ છે કે તેનું સંચાલન પણ બાળકો દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. બાળ નગરમાં આવતા તમામ ભૂલકાઓને આ નગરી વિશે માર્ગદર્શન અને ગાઈડ પણ 13 વર્ષનો નાનકડો બાળક જ આપે છે. સંસ્કારોનું સિંચન અને જીવનમાં શિક્ષણના મહત્વ અંગે સંદેશો પણ આપવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top