SURAT

સુરતમાં મેટ્રો ટ્રેન શરૂ થયા બાદ શું થશે તે જાણવા કરાયેલા સરવેમાં થયો ચોંકાવનારો ખુલાસો

સુરત: સુરત (Surat) શહેર એ મિની ભારત તરીકે ઓળખાય છે. દેશભરના લોકો રોજગારી માટે સુરત શહેરમાં આવીને વસવાટ કરી રહ્યાં છે અને રોજીરોટી મેળવી રહ્યાં છે. સુરત શહેરમાં વધતી જતી વસ્તીને કારણે ટ્રાફિકની સમસ્યા પણ વિકરાળ બની રહી છે. ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તંત્ર દ્વારા પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશનની (Mass Transportation) વધુ ને વધુ સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.

  • શહેરમાં મેટ્રો શરૂ થતા વર્ષ 2024 માં રોડ પરના ટ્રાફિકમાં રોજના 50,000 વાહનો ઘટવાનો અંદાજ
  • રસ્તા પર વાહનોની સંખ્યા ઘટતા જીવલેણ અકસ્માતો પણ ઘટશે
  • વાહનોની સંખ્યા ઘટવાથી શહેરમાં વાર્ષિક 39 હજાર ટન કાર્બનની માત્રા ઘટી શકે છે

સુરત મનપા (SMC) દ્વારા વર્ષ 2007 થી શહેરમાં સિટી બસની (City Bus) શરૂઆત કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ તબક્કાવાર બીઆરટીએસ (BRTS) અને ઇલેક્ટ્રિક બસો (E Bus) પણ શરૂ કરવામાં આવી છે. અને હવે ભવિષ્યમાં શહેરમાં વધનારી ટ્રાફિકની (Traffic) સમસ્યાને ધ્યાને રાખી સુરત મેટ્રો પ્રોજેક્ટ (Surat Metro) લાગુ કરાયો છે જેની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે. સુરત મેટ્રોની કામગીરી શરૂ કરવા પહેલા જ સર્વે કરાયો હતો અને સર્વે પ્રમાણે જો વર્ષ 2024 સુધીમાં મેટ્રો શહેરમાં દોડતી થઈ જશે તો જીએમઆરસીના (GMRC) સર્વે મુજબ, વર્ષ 2024 માં શહેરના રસ્તાઓ પર દરરોજ 50,000 જેટલા વાહનો ઘટશે.

સુરત શહેર એ બ્રીજ સિટી, ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, સ્માર્ટ સિટીની સાથે સાથે હવે મેટ્રો સિટી તરીકે પણ ઓળખાશે. સુરત શહેરમાં મેટ્રોની કામગીરી પુરઝડપમાં ચાલી રહી છે. સુરતમાં બે ફેઝમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે. ભવિષ્યની વસતીને ધ્યાને રાખીને મેટ્રો એ શહેરની જરૂરિયાત છે. કારણ કે, શહેરમાં વધતી જતી વસ્તીને કારણે રોડ પર વાહનો પણ વધી રહ્યાં છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મોટા રોડ તેમજ વધુમાં વધુ બ્રિજ તો બનાવવામાં આવી જ રહ્યા છે. પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને માસ ટ્રાન્સપોર્ટેશન પણ મજબૂત કરવું જરૂરી છે. આંકડા પ્રમાણે શહેરમાં વર્ષ 2017 માં કુલ 30 લાખ જેટલા વાહનો નોંધાયા હતા અને આવનારા 10 વર્ષમાં શહેરમાં વાહનોની સંખ્યા 63 લાખ જેટલી થવાનું અનુમાન છે. વાહનોની સંખ્યા ઘટાડવા શહેરીજનો પણ માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે તે ખુબ જરૂરી છે. શહેરમાં 12 હજાર કરોડના ખર્ચે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ સાકાર કરવામાં આવી રહ્યો છે. જેમાં ભવિષ્યમાં દરરોજ 10 થી 15 ટકા વસ્તી મેટ્રોની મુસાફરીનો લાભ લેશે તેવું અનુમાન છે. જેથી શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવી શકશે.

સર્વે મુજબ મેટ્રો મુસાફરોના વાર્ષિક 5 થી 7 કરોડ કલાકની બચત થવાનું અનુમાન
હાલ શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા અંતર્ગત સિટીબસ, બીઆરટીએસ અને ઈલેક્ટ્રીક બસો દોડાવવામાં આવી રહી છે. પરંતુ શહેરમાં જે રીતે વસતી વધી રહી છે તે જોતા મેટ્રો એ શહેરની જરૂરિયાત છે. જેના પગલે તંત્ર દ્વારા 12,000 કરોડના ખર્ચે મેટ્રો પ્રોજેક્ટ સાકાર કરવામાં આવી રહ્યો છે. જેની કામગીરી જોરોશોરોમાં ચાલી રહી છે. મેટ્રોમાં મુસાફરી કરનારા મુસાફરોનો કેટલો સમય બચશે જે અંગે જીએમઆરસી દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. જે મુજબ, વર્ષ 2024 થી 2028 સુધીમાં મેટ્રોના મુસાફરોનો વાર્ષિક 5 થી 7 કરોડ કલાકનો સમય બચશે.

વાર્ષિક 39 થી 56 હજાર ટન કાર્બનની માત્રા ઘટશે
શહેરમાં વાહનોની સંખ્યા ઘટવાથી કાર્બન ડાયોક્સાઈડની માત્રામાં પણ ઘટાડો થશે. એટલે કે તેની સીધી અસર પર્યાવરણ પર જોવા મળશે. પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઈડની માત્રા ઘટતા જ પ્રદુષણ ઘટશે. વર્ષ 2024 માં 39હજાર ટન, 2025 માં 44 હજાર ટન, 2026 માં 50 હજાર ટન, 2027 માં 53 હજાર ટન અને 2028 માં 56 હજાર ટન કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઘટશે.

Most Popular

To Top