SURAT

સુરત: બેન્કમાં ખુલ્લામાં રૂપિયા બે લાખ લઈને ચાલવાનું આધેડ મહિલાને ભારે પડ્યું

સુરત (Surat) : ઘોડદોડ રોડ પર આવેલા સુર્યકિરણ એપાર્ટમેન્ટમાં આવેલી બેંક ઓફ બરોડામાંથી (BOB) 2 લાખ લઇને નીકળેલી આધેડ મહિલાને (Women) બે ગઠિયાઓ છેતરી (Fraud) ગયા હતા. જેમાં બંને ગઠિયાઓએ બેંક ઓફ બરોડામાંથી ડુપ્લિકેટ નોટો (Duplicate Notes) અપાય છે તેમ જણાવીને મહિલાની થેલી ચેક કરવા માંગી હતી, ત્યારબાદ મહિલાને વાતોમાં ભરમાવી મહિલાની થેલીમાં પડેલા બે લાખ રૂપિયાની ડુપ્લિકેટ નોટો હોવાનુ જણાવી મહિલાને બેંકમાં આ મામલે જાણ કરવા જણાવ્યુ હતુ. મહિલા જેવી જાણ કરવા ગઇ ત્યારે થેલીમાં બે લાખની રકમમાંથી 84000 રૂપિયા ઓછા હતા. આ મામલે બેંક સત્તાધીશો દ્વારા ચેક કરવામાં આવતા ગઠિયાઓ દ્વારા મહિલા સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની વિગતો બહાર આવી હતી.

  • ઘોડદોડ રોડ સૂર્યકિરણ એપાર્ટમેન્ટમાં આવેલી બેન્ક ઓફ બરોડાની બહાર બની ઘટના
  • વાતોમાં ભરમાવી બે ગઠીયા મહિલાની થેલીમાંથી 84000 લઇ ગયા
  • મહિલાની થેલીમાં પડેલા બે લાખની નોટો ડુપ્લિકેટ નોટો હોવાનુ જણાવી છેતરપિંડી કરી નાણા કાઢી લીધા

બેંકમાં ખુલ્લામાં નાંણા લઇને ચાલવાનું આધેડ મહિલાને ભારે પડી ગયુ હતું. શિકારની શોધમાં નીકળેલા ચીટરો આધેડ મહિલાને આબાદ છેતરી હતી. આ મામલે ખટોદરા પોલીસ મથકમાં બાનુબેન અંસાર શેખ (ઉ. વર્ષ 54 રહે, આંબેડકર નગર, રસૂલાબાદ)એ પોલીસ ફરિયાદ આપી જણાવ્યું હતુ કે તેઓ મિલન મંડળમાં કામ કરે છે જે મહિલાઓને સાંકળતુ ગ્રુપ છે. આ મંડળના બે લાખ રૂપિયા બીઓબી, સૂર્યકિરણમાંથી લઇને તેઓ નીકળ્યા હતા.

તે દરમિયાન બેંકમાં અંદાજે 30 થી 35 વર્ષની ઉંમરના ઉભેલા બે ઇસમોએ તેઓને જણાવ્યું હતુ કે હાલમાં ડુપ્લિકેટ નોટો બહુ નીકળે છે. તેથી તમે સાવચેત રહેજો. મહિલા આ બે ચીટરોની વાતમાં આવી ગઇ હતી. મહિલાએ આ બે ચીટરોની સામે નાણાં કાઢીને આ ચીટરોને ચેક કરવા જણાવ્યુ હતું. તેમાં ડુપ્લિકેટ નોટ હોવાનું ચીટરોએ જણાવ્યુ હતું. તેથી બેકમાં ફરીથી બાનુબેન નોટો બતાવવા ગયા ત્યારે 2 લાખમાંથી 84000 જેટલી રકમ ઓછી ગઇ હતી. તેથી મહિલા સાથે છેતરપિંડી થઇ હોવાનુ બેંક સત્તાધીશોને ખબર પડી હતી. દરમિયાન સીસીટીવી કેમેરામાં ચકાસણી કરતા મહિલા બે ગઠિયાઓ સાથે વાત કરી રહી હોવાના પુરાવા મળ્યા હતા. આ પુરાવાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top