Comments

કર્ણાટક પછી મધ્યપ્રદેશ : કોન્ગ્રેસના પાસા પોબાર થશે?

મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં ચૂંટણી છે અને ભાજપ – કોંગ્રેસે બંનેએ રણશિંગું ફૂંકી દીધું છે. નરેન્દ્ર મોદી અહીં સતત પ્રવાસ કરી રહ્યા છે અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સતત મફતની રેવડી કહી શકાય એવી લોકપ્રિય યોજના જાહેર કરી રહ્યા છે અને કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીને અહીં મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. એમની કેટલીક સભાઓમાં સંખ્યા બહુ સારી થઇ હતી અને એમાં ય એમના એક ટવીટે તો તહેલકો મચાવી દીધો છે.

મધ્યપ્રદેશ સરકારના ભ્રષ્ટાચાર મુદે્ આ ટવીટ થયા બાદ ભાજપ બહુ અકળાયો છે અને રાહુલ બાદ પ્રિયંકા સામે એક પછી એક ફરિયાદો નોંધાઈ રહી છે. કોંગ્રેસ અહીં કર્ણાટકવાળી કરવા માગે છે. કર્ણાટકમાં કોંગ્રેસને સંપૂર્ણ બહુમતી મળી એનું એક મુખ્ય કારણ ભાજપ સરકારમાં ૪૦ ટકા ભ્રષ્ટાચારનો મુદો્ હતો. સરકારી ઠેકેદારોએ ખુલ્લેઆમ કહ્યું હતું કે, અહીં કોઈ પણ કામ માટે ૪૦ ટકા કમિશન આપવું પડે છે અને આ મુદો્ કોંગ્રેસે બરાબર ચગાવ્યો હતો અને અંતમાં એમને ફાયદો થયો હતો.

મધ્યપ્રદેશમાં વાત આગળ વધી છે. પ્રિયંકા ગાંધીએ આક્ષેપ કર્યો કે, અહીં સરકારી ઠેકેદારોને ૫૦ ટકા કમિશન આપવું પડે છે, પછી જ ચુકવણું થાય છે. એમણે એક ઠેકેદાર દ્વારા લખાયેલા કાગળને ક્વોટ કરેલો અને એમ પણ કહેવાયું કે, હાઈકોર્ટના જજને પણ આ કાગળ મોકલવામાં આવ્યો છે. મોટા ભાગની સભાઓમાં કોંગ્રેસ આ મુદા્ને આગળ ધરે છે અને ભાજપ બહુ અકળાયો છે. શિવરાજ સરકાર કહે છે , આ કાગળ વિષે તપાસ કરી તો એ માણસ જ બોગસ નીકળ્યો છે. આક્ષેપ બોગસ છે અને કાગળ પણ નકલી. આટલેથી વાત અટકી નથી.

હવે પ્રિયંકા ગાંધી , કોન્ગ્રેસના મુખ્યમંત્રીપદના ઉમેદવાર કમલનાથ અને એમપી કોન્ગ્રેસના પ્રમુખ અરુણ યાદવ સામે એક પછી એક ફરિયાદ થઇ રહી છે. સૌથી પ્રથમ એમપીનાં મેડીકલ શિક્ષણના મંત્રી વિશ્વાસ સારંગે ફરિયાદ કરી અને એ પછી અન્ય ભાજપીઓ દ્વારા. અત્યાર સુધીમાં ૪૧ ફરિયાદો થઈ છે. આ બધી ફરિયાદો બદનક્ષીની છે અને પોલીસે હવે એ મુદે તપાસ હાથ ધરી છે અને પ્રિયંકા અને અન્ય કોંગી નેતાઓને ઘેરવાની કોશિશ થઇ રહી છે. શક્ય છે કે, રાહુલ ગાંધી સામે મોદી સરનેમ મુદે્ બારેક ફરિયાદો થઇ અને પછી શું થયું એ આપણે જાણીએ છીએ.

પ્રિયંકા કોઈ ધારાસભ્ય કે સાંસદ નથી પણ ભાજપ પ્રિયંકાને અત્યારથી જ સબક શીખવાડવા માગે છે અને જો પેલો પત્ર નકલી હોય તો પ્રિયંકાની ધરપકડથી માંડી કાનૂની લડાઈ થઇ શકે છે. અલબત્ત એવું થયું તો પ્રિયંકાને સહાનુભૂતિનો લાભ મળી શકે છે જેમ અત્યારે રાહુલને મળી રહ્યો છે. પણ ભાજપે પણ વિચારીને ફરિયાદોનો દાવ ખેલ્યો હશે. કોંગ્રેસ કહે છે કે, ફરિયાદોથી પ્રિયંકા ડરવાના નથી એ ભ્રષ્ટાચારનો મુદો્ સતત ઉઠાવતા રહેશે. રાહુલ ગાંધી મધ્યપ્રદેશના પ્રવાસે આવે ત્યારે આ મુદો્ ઉઠાવશે કે કેમ એ જોવાનું છે. શું કર્ણાટકની જેમ કોંગ્રેસને અહીં સફળતા મળશે? કહેવું થોડું વહેલું છે પણ આ રાજ્યમાં ચૂંટણી રસપ્રદ બનવાની એ નક્કી.

પવાર પરિવાર : હજુ અણધાર્યું થઈ શકે?
મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપે એનસીપીનાં ઊભા ફાડિયા કર્યા બાદ હજુ ય આ રાજકીય નાટકનો અંત આવ્યો હોય એમ લાગતું નથી. તાજેતરમાં એક બિઝનેસમેનને ત્યાં શરદ પવાર અને ભત્રીજા અજીત પાવર વચ્ચે બેઠક થઇ અને એ પછી અફવાઓનો દોર શરૂ થયો છે. કોન્ગ્રેસના નેતાએ એમ કહ્યું કે, શરદ પવારને અને એમની પુત્રી સહિત કેટલાકને મંત્રીપદની ઓફર થઇ છે. જો કે, શરદ પવારે જણાવ્યું કે, આ બેઠકમાં એવી કોઈ ચર્ચા થઇ નથી. પવાર પુત્રી સુપ્રિયાએ પણ નનૈયો ભણ્યો. પવાર કહે છે કે, ભાજપ સાથે જોડાવાનો કોઈ પ્રશ્ન જ નથી. હું મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ફરી રહ્યો છું અને મને બહુ સારો લોકપ્રતિભાવ મળી રહ્યો છે અને ‘ઇન્ડિયા’ની આ માસના અંતમાં બેઠક થઇ રહી છે એની તૈયારી ચાલે છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ મુદે્ ભાજપ મૌન છે. આ મૌન પાછળ શું કોઈ ભેદ છે? બાકી ઉદ્ધવ શિવ સેનાના સંજય રાઉતની વાત વાજબી છે કે, અજીત પવારની એવી તાકાત નથી કે એ શરદ પવારને કૈંક ઓફર કરી શકે. આ પહેલાં લોકમાન્ય તિલક એવોર્ડ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અપાયો ત્યારે એ કાર્યક્રમમાં પણ શરદ પવાર હાજર હતા અને ત્યારે પણ સાથી પક્ષોમાં ચણભણાટ થયો જ હતો. શરદ પવાર ચતુર રાજકારણી છે અને એ ક્યારે શું પાસો ફેંકે એ કોઈ કહી શકતું નથી. પણ પડદા પાછળ કૈંક તો ચાલી રહ્યું છે, મહારાષ્ટ્રના રાજકારણમાં હજુ ય કોઈ નવો વળાંક આવવો બાકી છે?

‘ઇન્ડિયા’માં ફાચર પડશે?
દિલ્હીમાં કોંગ્રેસ લોકસભાની સાતેય બેઠક એકલા હાથે લડશે એવી જાહેરાત દિલ્હી કોંગ્રેસે કર્યા બાદ ‘ઇન્ડિયા’માં દરાર પડવાની શરૂઆત થઇ ચૂકી છે એવી ટીકાઓ શરૂ થાય એ સ્વાભાવિક છે. આપે કહ્યું છે કે, આવું જ હોય તો મુંબઈમાં મળનારી ‘ઇન્ડિયા’ની બેઠકમાં સામેલ થવાનો કોઈ અર્થ રહેતો નથી. જો આવું રહ્યું તો ‘ઇન્ડિયા’નો પાયો ઢીલો પડશે. કેટલાંક અન્ય રાજ્યોમાં પણ સમસ્યા તો આવી જ છે.

બિહારમાં રાહુલ ગાંધીએ કેબીએન્તના વિસ્તાર માટે સૂચન કર્યું પણ એવું પગલું લેવાયું નથી અને નીતીશકુમાર વાજપેયીની પુણ્યતિથિએ દિલ્હી આવ્યા અને વાજપેયીના સ્મારકે ગયા એ મુદો્ પણ ચર્ચામાં છે. નીતીશને ‘ઇન્ડિયા’ના સંયોજક બનાવવાની જાહેરાત થઈ શકે છે. એ પહેલાં આવા વિવાદો વિપક્ષી એકતા માટે ઘાતક છે.   
કૌશિક મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top