SURAT

કામરેજ સુગર ફેક્ટરી નજીક થયો ગમખ્વાર અકસ્માત, એકનું કમકમાટી ભર્યું મોત

સુરત: કામરેજ સુગર ફેક્ટરી (Sugar Factory) નજીક આજે એટલે કે ગુરુવારે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત (Accident) થયો હતો. જેમાં રોડની બાજુમાં પાર્ક કરેલા કન્ટેનરની (Container) પાછળ આઇસર ટેમ્પો (Eicher Tempo) ઘુસી જતા આઇસર ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ નવાગામ ફાયરની ટીમ ઘટન સ્થળે પહોંચી હતી. તેમજ એક કલાકની જહેમત બાદ આઇસરની કેબિન કાપી ડ્રાઇવરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

મળતી માહિતી મુજબ કામરેજ સુગર ફેક્ટરી નજીક રોડની બાજુએ પાર્ક એક કન્ટેનર ટ્રકની પાછળ આઇસર ટેમ્પો ઘુસી ગયો હતો. જેમાં ડ્રાઇવરનું કેબિનમાં કચડાઇ જવાને કારણે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ગુરુવારે વહેલી સવારે બનેલી આ ઘટના બાદ ફાયરના જવાનો ઘટના સ્થળે ધસી ગયા હતા અને મૃતદેહને બહાર કાઢ્યો હતો. ફાયર ઑફિસર વિજય ટંડેલે જણાવ્યું હતું કે અકસ્માત ખૂબ જ ગંભીર હતો.

વધુમાં ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના લગભગ સવારે 6 વાગ્યા પહેલાની હતી. કામરેજથી પોલીસનો કોલ મળતા જ નવાગામની ફાયર વિભાગની ટીમ રવાના થઇ ગઇ હતી. ત્યાર બાદ ઘટના સ્થળે પહોંચતા આઇસર ટેમ્પો કન્ટેનર ટ્રક પાછળ ઘુસી ગયો હોવાની માહિતી મળી હતી. જેમાં આઇસર ટેમ્પાનો ડ્રાઇવરનો મૃતદેહ કેબિનમાં ફસાઇ ગયો હતો. ફાયરના જવાનોએ મૃતદેહને એક કલાકની ભારે મહેનત બાદ મહામુસીબતે બહાર કાઢ્યો હતો.

ફાયર ઓફિસર વિજય ટંડેલએ જણાવ્યુ હતું કે ઘટના સ્થળે પહોંચ્યા બાદ અકસ્માત ગંભીર હોવાનું જણાઇ આવ્યું હતું. ત્યાર બાદ કેબિનને કાપવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ ટેમ્પોન કેબિનને ક્રેઇનની મદદથી છૂટું કરી ડ્રાઇવરને બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે ડ્રાઇવર મૃત હોવાનું જાણવા મળ્યું હતું.

ડ્રાઇવરની ઓળખ સાગર ભૈયાલાલ પાલ તરીકે થઇ છે. તેમજ તેમની ઉંમર 35 વર્ષ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જ્યારે કન્ટેનરના ડ્રાઈવરનું નામ આલોક સિંગ હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક ડ્રાઇવરના અવધૂત પાલને ઘટનાની જાણ કરતા તેમણે કહ્યું કે હાલ હું રસ્તામાં છું. મને કંપનીમાંથી એક્સિડેન્ટની જાણ કરવામાં આવી છે. સાગર મારો ભાઈ છે. સાગર આજે સવારે અમદાવાદથી સમાન ભરીને મુંબઈ જતો હતો. અકસ્માતને લઈ મને કંઈ જ ખબર નથી. ઉપરાંત સાગર ત્રણ બાળકોનો પિતા અને યુપીનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તેમજ પરિવાર વતનમાં રહેતું હોવાનું ભાઈએ જણાવ્યું છે.

Most Popular

To Top