SURAT

‘આપ’નાં ગોપાલ ઈટાલીયા સુરતની આ બેઠક પરથી લડશે ચુંટણી

સુરત: આમ આદમી પાર્ટી (AAP)એ ગુજરાત (Gujarat) વિધાનસભાની ચુંટણી (Election) માટે સુરતની વધુ બે બેઠકો પરથી ઉમેદવારોની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટીનાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા (Gopal Italia) ને કતારગામ (Katargam) વિધાનસભા બેઠક પરથી ટિકિટ ફાળવવામાં આવી છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ પોતે સુરતથી ચૂંટણી લડતા આપ પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે આમ આદમી પાર્ટીનાં મહામંત્રી મનોજ સોરઠીયા (Manoj Sorathiyaને કરંજ (Karanj) વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

અરવિંદ કેજરીવાલે ટ્વીટર પર જાહેરાત કરી
આમ આદમી પાટીના રાષ્ટ્રીય સંયોજક મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્ટીટ કરીને ઉમેદવારોની જાહેરાત કરી હતી તેઓએ ટ્વીટ કરી લખ્યું હતું કે, આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સુરતની કતારગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે જ્યારે કરંજ બેઠક પરથી આપના મહામંત્રી મનોજ સોરઠિયા ચૂંટણી લડશે.

આપ પાર્ટીના 151 ઉમેદવાર જાહેર
આમ આદમી પાર્ટી અત્યાર સુધીમાં ઉમેદવારોની 11 યાદી જાહેર કરી ચુકી છે. કુલ 151 ઉમેદવારોનાં નામ જાહેર થઇ ગયા છે. મહત્વની બેઠકની જો વાત કરવામાં આવે તો સુરતની વરાછા રોડ (Varachha Road) વિધાનસભાની બેઠક પરથી અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya) ને ટિકિટ આપવામા આવી છે. જ્યારે ઓલપાડ (Olpad) બેઠક પરથી ધાર્મિક માલવીયા (Dharmik Malaviya)ને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. જ્યારે વિરમગામમાં હાર્દિક પટેલ સામે આપએ કુંવરજી ઠાકોરને ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની ચુંટણીનાં એલાન થયા પહેલાથી જ આપ પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કરવાનું શરુ કરી દીધું હતું.

ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં આપ ગુજરાતમાં ચૂંટણી લડશે
આપ પાર્ટી દ્વારા મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈશુદાન ગઢવીની જાહેરાત કરવામાં આવી હતી. જો કે તેઓની આ જાહેરાતથી પાટીદારો નારાજ થયા છે. કારણ કે આપ પાર્ટી પાટીદારોનાં જ ખભા પકડીને ઉભી થઇ છે. આપ પાર્ટીને ઊભી કરવામાં મોટો ફાળો ગોપાલ ઈટાલિયાનો હતો એવામાં મુખ્યમંત્રી તરીકે ઈશુદાન ગઢવીની જાહેરાત થઇ અને પ્રદેશ પ્રમુખ ઈટાલીયાને સરવેના નામે બાજુ પર મુકી દેવામાં આવતાં હવે આપ પાર્ટીમાં આંતરિક ડખા શરૂ થાય તો નવાઈ નહીં. ઈશુદાન ગઢવીની પસંદગીને પગલે પાટીદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે ઈશુદાન ગઢવીની પસંદગી આપને ભારે પડશે તેવું માનવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top