National

કાપડ ઉદ્યોગ પર આ તારીખથી એકસમાન 12 ટકા GST લાગુ પડશે, સુરતના વીવર્સ, પ્રોસેસર્સને આ નુકસાન થશે

સુરત: કેન્દ્રના નાણામંત્રાલય (Finance Ministry) દ્વારા એક નોટિફિકેશન પ્રસિદ્ધ કરી ટેક્સટાઇલમાં (Textile) ચેપ્ટર 54 અને 55 હેઠળ જીએસટીના (GST) તમામ સ્લેબ રદ કરી મેઇન મેઇડ ફાયબર (MMF) આધારીત ઇન્ડસ્ટ્રી પર એકસમાન 12 ટકા ટેક્સ વસુલાતની જાહેરાત કરાતા શહેરના વિવિંગ ઉદ્યોગ (Weaving Industry) અને ટેક્સટાઇલ ટ્રેડીંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા ટ્રેડર્સોમાં (Traders) રોષ ફેલાયો છે. 1 જાન્યુઆરી 2022થી મેઇન મેઇડ ફાઇબર પર 12 ટકા, એમએમએફ યાર્ન પર 12 ટકા અને તમામ પ્રકારના એમએમએફ ફેબ્રિક્સ પર 12 ટકાનો જીએસટી લાગુ થશે. તમામ પ્રકારના ગારમેન્ટ (Garment) પર પણ 12 ટકાનો સ્લેબ લાગુ કરવામાં આવ્યો છે. સુરતની પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને (Processing Industry) પણ પ્રોસેસિંગ અને પ્રિન્ટિંગ પર 12 ટકા જોબચાર્જ પર લાગુ થશે એટલે કે તમામ પ્રકારના જોબચાર્જ પર પણ 12 ટકાનો જીએસટી દર લાગુ રહેશે. એક માત્ર વિવિંગ અને સાઇઝિંગના જોબચાર્જનો દર 5 ટકા રાખવામાં આવ્યો છે. જયારે કેમિકલ (Chemical) પર જીએસટીનો દર 18 ટકા યથાવત રાખવામાં આવ્યો છે. આ તમામ આંકડાઓના કેલ્કયુકેશન પછી સૌથી પહેલા વિરોધ ફોગવાએ કર્યો છે.

  • સરકારમાં રજૂઆત કરાશે નહીં માને તો વિવર્સ અને ટ્રેડર્સ ભેગા મળી 2017 જેવું આંદોલન છેડશે
  • વિવર્સની વર્ષે જામ થતી 650 કરોડની ક્રેડિટ તો જશે જ પણ 1100 કરોડની વર્કિંગ કેપિટલ સાથેનું નુકશાન થશે
  • ચેમ્બર અને ફોગવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્ર લખી ટેક્સટાઇલમાં એકસમાન 12 ટકા જીએસટી દર સામે વિરોધ નોંધાવ્યો

ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ચેતવણી આપી છે કે સરકારના નિર્ણયથી સુરત, ઉમરગામ અને અમદાવાદનો વણાટ ઉદ્યોગ મરી પરવારશે જીએસટી લાગુ થયું ત્યારે જ સરકારને ટેક્સટાઇલમાં 5 અને 12 ટકાનો સ્લેબ રાખવા રજૂઆત કરી હતી. પરંતુ હવે વિવિંગ, પ્રોસેસિંગ, સ્પિનિંગ અને ટ્રેડીંગ તમામ ગતિવિધિ પર 12 ટકાનો એકસમાન જીએસટી દર લાગુ કરતા સુરતના 7 લાખ પાવરલૂમ મશીનો ચલાવતા વિવર્સોને અગાઉ 650 કરોડનું આઇટીસી ક્રેડિટનું (ITC) નુકશાન થયું હતું. હવે વર્કિંગ કેપીટલ સાથે વર્ષે માત્ર સુરતના વિવિંગ ઉદ્યોગને 1100 કરોડનું નુકશાન થશે.

આ સ્થિતિમાં પાવરલૂમ એકમો ચલાવવા મુશ્કેલી સર્જાશે અને લાખોની સંખ્યામાં પરંપ્રાંતિય કામદારો બેરોજગાર થશે. સરકારે ટેક્સટાઇલની વેલ્યુચેઇનના જુદા જુદા સેગ્મેન્ટને વિશ્વાસમાં લીધા વિના ઉદ્યોગની કમર તોડી નાંખતો જે નિર્ણય લીધો છે તે વિવિંગ ઇન્ડસ્ટ્રી અને ફોગવાને માન્ય નથી. જો આ મામલામાં ગુજરાત સરકાર મધ્યસ્થિ નહીં કરે તો વિવર્સ અને ટ્રેડર્સને ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે. અગાઉ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં જીએસટીનો દર 18-12, 5-5 હતો તેમાં ફેરફાર કરીને 18-12-12-12 કરવામાં આવ્યો છે જયારે ગારમેન્ટ પર 5 ટકાનો દર વધારીને 12 ટકા કરી દેવામાં આવ્યો છે.

વર્ષે 1440 કરોડનું કપડુ બનાવી સુરતનો વિવિંગ ઉદ્યોગ 18 લાખ લોકોને રોજગારી આપે છે: અશોક જીરાવાળા

ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું હતું કે દેશના ગરીબ અને મધ્યમ વર્ગ માટે એમએમએફ ફાઇબરમાંથી સિન્થેટીક સાડીઓ સુરત બનાવે છે જેમાં તેનો ફાળો 40 ટકા જેટલો છે. વર્ષે 1440 કરોડનું કપડુ બનાવી સુરતનો વિવિંગ ઉદ્યોગ 18 લાખ લોકોને રોજગારી આપે છે. સરકારના જીએસટી દર વધારવાના નિર્ણયથી ગરીબોનું પહેરણ મોંઘુ થશે સાડીની કિંમતમાં સીધો 50 રૂપિયા સુધીનો વધારો થઇ શકે છે. સુરતના વિવિંગ ઉદ્યોગમાં પેમેન્ટની સીસ્ટમ 90 થી 120 દિવસની છે પરંતુ 1 જાન્યુઆરીથી નવા નિયમ પ્રમાણે દરેક મહિનાની 20 તારીખે જીએસટી ભરવો પડશે. આવી સ્થિતિમાં પાર્ટીઓના ઉઠમણામાં વિવર્સનું પેમેન્ટ ડુબી જશે સાથે ભરપાઇ કરેલી ટેક્સની રકમ પણ ડૂબશે. સરકારના નિર્ણયથી ફરી દાણચોરી અને કાચાનો વેપાર વધશે વિવિંગ ઉદ્યોગ ઠપ થશે તો ચીન, બાંગ્લાદેશ અને વિયેટનામને તેનો લાભ મળશે. ફોગવાએ મુખ્યમંત્રીને 13 મુદ્દાનો પત્ર લખી ઝદપથી નિર્ણય લેવા માંગ કરી છે.

12 ટકા જીએસટી દરથી કાપડના નાના વેપારીઓનો મરો થશે: મનોજ અગ્રવાલ

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે ટેક્સટાઇલમાં 12 ટકા જીએસટી દર લાગુ કરવાનો નિર્ણય સુરતના 70 હજાર કાપડના વેપારીઓ અને તેમની સાથે કામ કરતા વિવર્સો અને તેમની સાથે કામ કરતા લાખો ટેક્સટાઇલ લેબર માટે ઘાતક સાબિત થશે. ખાસ કરીને નાના વેપારીઓ 12 ટકા જેટલી ભારે ડયૂટી ભરી શકશે નહીં. કારણ કે 12 ટકા ડયૂટી ભરવા જેટલો નફો નાના વેપારીઓનો હોતો નથી. આ મામલે સ્થાનિક સાંસદો, ટેક્સટાઇલ મંત્રી અને નાણામંત્રીને રજૂઆત કરાશે. કારણ કે આ નિર્ણયથી સૌથી વધુ નુકશાન કાપડના વેપારીઓને થશે જે અગાઉ 5 ટકા ડયૂટી ભરતા હતા તેમને હવે સીધી હવે 12 ટકા ડયૂટી ભરવી પડશે ટ્રેડીંગમાં એટલું માર્જિન હોતું નથી કે વેપારી 12 ટકા ડયૂટી ભરી શકે.

પ્રોસેસિંગ અને પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રી પર 12 ટકાના જીએસટી સ્લેબથી કરોડોની ક્રેડિટ બાદ મળશે: કમલવિજય તુલસીયાન

પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીના અગ્રણી કમલવિજય તુલસીયાને જણાવ્યું હતું કે પ્રોસેસિંગ અને પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રી પર 12 ટકા જીએસટી દર લાગુ થશે આ ઇન્ડસ્ટ્રીને જીએસટી ક્રેડિટમાં લાભ થશે. જીએસટીની ક્રેડિટ રીલીઝ થતા લિક્વિડમની માર્કેટમાં ફરશે. પ્રોસેસર્સ પાસે લિક્વિડીટી વધશે જીએસટી રીફંડની માથાકુટ પણ ઓછી થશે સરકારમાં જમા થયેલી ક્રેડિટ બાદ મળશે. રીફંડની પ્રક્રિયા સરળ બની હોવાથી કાપડ ઉદ્યોગમાં નાણાકિય તરલતા જોવા મળી શકે છે. પ્રોસેસર્સ પાસે મોટી લિક્વિડીટી ઉભી થશે તો આ ઇન્ડસ્ટ્રી મંદીમાંથી બહાર આવશે. પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.

જેકાર્ડ મશીન ઇન્સ્ટોલ કરનારાઓને લાભ થશે

સુરતમાં જે વિવર્સે ટેક્નોલોજી અપગ્રેડેશન ફંડ હેઠળ જેકાર્ડ મશીનરી 50 લાખથી 1 કરોડની વસાવી છે અને 12 ટકા જીએસટી ભરી છે તેમની કરોડોની ક્રેડિટ સરકારમાં જામ છે. તે ક્રેડિટ હવે પાસઓન થઇ શકશે. અથવા તો બાદ મળશે એક રીતે વિવિંગના સેક્ટરને લાભ મળશે પરંતુ ફોગવાનું કહેવું છે કે ક્રેડિટ વપરાય ગયા પછી તેમને પણ ડયૂટી તો ભરવાની રહેશે. વિવિંગ ઇન્ડસ્ટ્રીમાં હાઇસ્પિડ મશીનની સંખ્યા માત્ર 7 થી 10 ટકા છે અને વર્કિંગ કેપીટલનું નુકશાન બધાને એકસમાન થશે.

વણાટ ઉદ્યોગને બચાવવા માટે જીએસટી દર યથાવત રાખવા ચેમ્બરની ગુજરાતના મુખ્યમંત્રી અને નાણાં મંત્રીને રજૂઆત

ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા તા. ૧૮ નવેમ્બર, ર૦ર૧ના રોજ નોટિફિકેશન નં. ૧૪/ર૦ર૧ સેન્ટ્રલ ટેકસ (ટેક્સ રેટ) બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની વેલ્યુ ચેઇનના જીએસટી ટેકસ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં અગાઉ જીએસટી ટેક્સ સ્લેબ અનુક્રમે ૧૮, ૧ર, પ અને પ ટકા એમ હતો. જેમાં ફેરફાર કરીને જીએસટી ટેકસ સ્લેબ અનુક્રમે ૧૮, ૧ર, ૧ર અને ૧ર ટકા કરવામાં આવ્યો છે. એટલે કે કાપડ અને ગારમેન્ટ ઉપર અગાઉ જે પ ટકા જીએસટી દર હતો તેને કેન્દ્ર સરકાર દ્વારા વધારીને ૧ર ટકા કરી દેવામાં આવ્યો છે. જેને પાછો ખેંચી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં જીએસટી ટેકસ દર યથાવત રાખવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાણાં મંત્રી કનુભાઇ દેસાઇને લેખિતમાં રજૂઆત પાઠવવામાં આવી છે. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, ભારતના કુલ વણાટ એકમોમાંથી ૩૩ ટકા એકમો એકમાત્ર સુરતમાં સ્થપાયેલા છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર– સુરતના આંકડા મુજબ, સુરતમાં ર૧ હજાર જેટલા વણાટ એકમોમાં ૭ લાખથી વધુ પાવરલૂમ મશીનરી છે. જ્યારે એમ.એમ.એફ. ટેક્સટાઇલનું ૬૦ ટકા ઉત્પાદન પણ એકમાત્ર સુરતમાં થાય છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કાપડ ઉપર વધારવામાં આવેલા જીએસટી દરના નિર્ણયની વિપરીત અને માઠી અસર સમગ્ર વણાટ ઉદ્યોગ ઉપર વર્તાશે.

Most Popular

To Top