SURAT

પાણીપુરી ખાધા બાદ 11 વર્ષની બાળકીનું અચાનક મોત થયું, સુરતના આ વિસ્તારની ઘટના

સુરત : સુરતમાં મંગળવારે હૃદયદ્રાવક ઘટના બની હતી. અહીં 11 વર્ષીય છોકરીનું મોત નિપજ્યું હતું. બાળકી પાણી પુરી ખાઈને ઘરે પરત ફરી રહી હતી ત્યારે સોસાયટીના નાકા પર જ એવી ઘટના બની કે તેનું રસ્તામાં જ મોત નિપજ્યું હતું. 11 વર્ષની દીકરીના એકાએક મોતથી પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા.

  • ગોડાદરામાં સાડીથી ભરેલો ટેમ્પો પલટી બાળકી પર પડતા મોત
  • વતનથી બે મહિના પહેલા સુરત ફરવા આવેલી બાળકી પાણીપુરી ખાવા ગઈ હતી, પરત ફરતા સોસાયટીના ગેટ પાસે જ બનેલી ઘટના

ગોડાદરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર ગોડાદરામાં મંગળવારે સાંજે એક હ્રદયદ્રાવક ઘટનામાં સાડીઓથી ભરેલો ટેમ્પો પલટી ગયો હતો. તેજ સમયે ત્યાંથી પસાર થતી 11 વર્ષની બાળકી પર પડતા તેનું મોત નિપજ્યું હતું. મૂળ બિહારના વતની ધર્મેન્દ્રભાઈ શ્રીરામેશ્વર શાહ હાલમાં ગોડાદરામાં પ્રિયંકા સોસાયટી-1માં પરિવાર સાથે રહે છે. ટેક્સટાઈલ માર્કેટમાં મજુરીનું કામ કરતા ધર્મેન્દ્રભાઈના પરિવારમાં પત્ની ઉપરાંત ત્રણ સંતાન છે. તેમાં સોથી મોટી દીકરી રીતીકા વતન રહી ત્યાં જ ધોરણ પાંચમાં અભ્યાસ કરતી હતી. છેલ્લા બે મહિનાથી તે સુરત ફરવા માટે આવી હતી.

મંગળવારે સાંજે પાંચેક વાગ્યે રીતીકા ઘરેથી થોડા અંતરે પાણીપુરી ખાવા માટે ગઈ હતી. તે પાણીપુરી ખાઈને પરત ઘરે જવા નીકળી હતી. ત્યારે સોસાયટીના ગેટમાં પ્રવેશી તેજ સમયે સાડીથી ભરેલો એક ટેમ્પો સોસાયટીમાં પ્રવેશતો હતો. ત્યાં ટેમ્પોમાં વધારે સાડી હોવાથી ટેમ્પો પલટી રીતીકા પર પડ્યો હતો. અને દબાઇ જતા રીતીકા ત્યાં જ બેભાન થઈ ગઈ હતી. તેને સારવાર માટે પૂણા પાટિયાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. રીતીકાને ત્યાંથી સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. ત્યાં ડોક્ટરે રીતીકાને મૃત જાહેર કરી હતી. મળતી માહિતી મુજબ ટેમ્પો પર કોઈ નંબર ન હતો. ધર્મેન્દ્રભાઈએ ટેમ્પોના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધાવ્યા બાદ પણ પોલીસે આરોપીને પકડ્યો નથી.

Most Popular

To Top