Editorial

ગુલામ નબી આઝાદના રાજીનામાથી કોંગ્રેસને વધુ ફરક પડે તેમ નથી

આખરે ગુલામનબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. ગુલામ નબી આઝાદ ગમે ત્યારે કોંગ્રેસ છોડશે અથવા છોડવી પડશે તેવી સંભાવના હતી જ. સવાલ માત્ર સમયનો હતો. ગુલામ નબી આઝાદે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું મુકતી વખતે રાહુલ ગાંધી, સોનીયા ગાંધી અને કોંગ્રેસ પર અનેક પ્રહારો કર્યા. જાણે કોઈ વિપક્ષ આક્ષેપ કરે તેવા આક્ષેપો ગુલામ નબી આઝાદ દ્વારા કરવામાં આવ્યા. આઝાદે આક્ષેપ કર્યો કે કોંગ્રેસમાં હવે રાહુલ ગાંધી જ તમામ નિર્ણયો લે છે. કોંગ્રેસનું પતન થઈ રહ્યું છે. હવે કોંગ્રેસને જોડવાની વાતો કરવાની જરૂરીયાત છે. તેવું થતું નથી. ગુલામ નબી આઝાદે ત્યાં સુધી કહી દીધું કે રાહુલ ગાંધી 39 રાજ્યોની ચૂંટણી અને 2 લોકસભાની ચૂંટણી હાર્યા છે.

જે ઉંમરે ભાજપ પોતાના નેતાઓને માર્ગદર્શક મંડળમાં મોકલી આપે છે તે ઉંમરે ગુલામ નબી આઝાદને હજુ પણ સક્રિય રાજનીતિમાં રહેવું હતું અને એવી રીતે રહેવું હતું કે કોંગ્રેસના તમામ નિર્ણયો તેમને જ પૂછીને લેવામાં આવે. રાહુલ ગાંધીએ જ્યારથી સ્વતંત્ર નિર્ણયો લેવા માંડ્યા ત્યારથી કોંગ્રેસના જૂના નેતાઓ નારાજ થવા લાગ્યા. ત્યાં સુધી કે રાહુલ ગાંધીને બતાવી દેવા માટે આ નેતાઓ દ્વારા એવા પ્રયાસો કરવામાં આવ્યા કે કોંગ્રેસ હારે.

જ્યાં સુધી કોંગ્રેસમાં અહેમદ પટેલ કાર્યરત હતા ત્યાં સુધી કોંગ્રેસના આ જૂના નેતાઓ તેમની સાથે જોડાયેલા રહ્યા હતા. અહેમદ પટેલે તમામને સમજાવીને રાખ્યા હતા. પરંતુ અહેમદ પટેલના નિધન બાદ આ નેતાઓને એવું લાગ્યું કે કોઈ તેમનો બેલી રહ્યો નથી. રાહુલ ગાંધીએ આ જૂના નેતાઓને પૂછવાનું બંધ કરી દીધું હતું અને સરવાળે આ જૂના નેતાઓએ ભેગા થઈને જી-23 ગ્રુપની રચના કરી હતી. જી-23 ગ્રુપ દ્વારા જોકે, કોંગ્રેસને મજબૂત કરવાને બદલે પોતાનું વર્ચસ્વ જળવાયેલું રહે તે માટે કોંગ્રેસને તોડવાની જ પ્રવૃત્તિ શરૂ રાખી હતી.

કોંગ્રેસના જ ટોચના નેતાઓ માટે આક્ષેપો કરવાથી માંડીને પક્ષવિરોધી પ્રવૃત્તિને કારણે તે સમયે જ એવું મનાતું હતું કે, આ તમામ નેતાઓને હવે કોંગ્રેસમાં જૂનું સ્થાન મળશે નહીં. ગુલામ નબી આઝાદે તો કોંગ્રેસ હાઈકમાન્ડને દબાવવા માટે પોતાના ગણાતા 20 આગેવાનોના કોંગ્રેસમાંથી રાજીનામા પણ અપાવી દીધા હતા. આઝાદને એવું હતું કે હાઈકમાન્ડ ઝૂકી જશે પરંતુ સોનીયા ગાંધીએ તમામના રાજીનામા મંજૂર કરી દીધા.

જી-23 ગ્રુપમાંથી અગાઉ કપિલ સિબ્બલ કોંગ્રેસ છોડીને સમાજવાદી પાર્ટીને પકડી ચૂક્યા છે. જી-23માં જોડાવવાને કારણે ગુલામ નબી આઝાદને કોંગ્રેસ દ્વારા રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા નહોતા. જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં થનારી ચૂંટણીમાં પણ ગુલામ નબી આઝાદને કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા પ્રચાર સમિતીની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, ગુલામ નબી આઝાદની ઈચ્છા એવી હતી કે તેમને જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે રજૂ કરવામાં આવે.

આ કારણે જ આઝાદે થોડા સમય પહેલા પ્રચાર સમિતીના કન્વીનર તરીકે રાજીનામું આપી દીધું હતું. ત્યારથી એવું મનાતું હતું કે આઝાદ ગમે ત્યારે કોંગ્રેસ છોડશે. અધુરામાં પુરૂં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે તે સમયે રાજ્યસભામાં ગુલામ નબી આઝાદના વખાણ કર્યા હતા અને કેન્દ્ર સરકારે તેમને 2022માં પદ્મભૂષણના ખિતાબથી નવાઝ્યા હતા. આઝાદનો જે રીતે ભાજપ તરફી ઝુકાવ દેખાતો હતો તેણે કોંગ્રેસ હાઈકમાન્ડની નારાજગી વધારી જ હતી.

ગુલામ નબી આઝાદે રાહુલ ગાંધી પર ચૂંટણીઓ હારવાનો આરોપ મુક્યો પરંતુ જો જોવામાં આવે તો ગુલામ નબી આઝાદ વર્ષોથી રાજ્યસભામાંથી ચૂંટાઈને જ કેન્દ્રમાં મંત્રીના પદ સુધી પહોંચ્યા છે. એક કાર્યકરને મળે તેના કરતાં અનેકગણું આઝાદને કોંગ્રેસ પાસેથી મળ્યું છે, પરંતુ ગુલામ નબી આઝાદે તેને બદલે કોંગ્રેસ પર આક્ષેપો જ કર્યા છે. 1973માં માત્ર 24 વર્ષની વયે કોંગ્રેસમાં જોડાયેલા ગુલામ નબી આઝાદને કોંગ્રેસે 1975માં તો જમ્મુ-કાશ્મીર યુવક કોંગ્રેસના પ્રમુખ બનાવી દીધા હતા. 1980માં આઝાદ યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા.

કોંગ્રેસે તેમને 1980માં મહારાષ્ટ્ના વાશિમથી લોકસભાના સભ્ય બનાવીને લોકસભામાં મોકલ્યા હતા. 1982માં તેમને કેન્દ્રમાં ડેપ્યુટી મિનિસ્ટર પણ બનાવવામાં આવ્યા હતા. આટલું જ નહીં 1984માં પણ આઝાદ ચૂંટાઈને લોકસભામાં ફરી આવ્યા હતા. 1996થી શરૂ કરીને છેક 2006 સુધી આઝાદ નરસિંહ રાવની સરકારમાં પણ કેન્દ્રીય મંત્રી બન્યા હતા અને મનમોહનસિંહની સરકારમાં પણ કેન્દ્રીય મંત્રી બન્યા હતા. 2005માં કોંગ્રેસે ગુલામ નબી આઝાદને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી પણ બનાવ્યા હતા. અને બાકી હતું કે છેલ્લે તેમને રાજ્યસભામાં વિપક્ષના નેતા પણ બનાવ્યા હતા.

કોંગ્રેસે ગુલામ નબી આઝાદને આટલું આપ્યું હોવા છતાં પણ સત્તાની લાલચે તેઓ કોંગ્રેસ છોડી ગયા છે. 73 વર્ષની ઉંમરે અન્ય પક્ષોમાંથી રાજકારણીઓ નિવૃત્તિ લે છે ત્યારે ગુલામ નબી આઝાદે હજુ પણ કોંગ્રેસના માધ્યમથી વિવિધ પદ ભોગવવા હતા. ગુલામ નબી આઝાદે રાહુલ ગાંધી પર આક્ષેપો કર્યા છે પરંતુ ખરી હકીકત એ છે કે આજની તારીખે તેઓ લોકસભાની ચૂંટણીમાં સાંસદ તરીકે જીતી શકે તેમ નથી. ગુલામ નબી આઝાદના રાજીનામાથી કોંગ્રેસને કોઈ ફરક પડવાનો નથી. ખરેખર તો કોંગ્રેસ હાઈકમાન્ડની એ ભૂલ છે કે ક્યારેય કોંગ્રેસમાં ભાજપની જેમ બીજી કેડર તૈયાર કરવામાં આવી નથી.

આ કારણે જ જૂના નેતાઓ કોંગ્રેસને હજુ પણ નબળી પાડી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં નવી પાર્ટી બનાવવાની જાહેરાતથી ગુલામ નબી આઝાદ ભવિષ્યમાં જ એક રાજ્યના રાજકારણ પૂરતા સિમીત થઈ જવાના છે. બની શકે કે તેની પાર્ટી સાથે ગઠબંધન કરીને ભાજપ જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પણ લડે. ખરેખર કોંગ્રેસ હાઈકમાન્ડે હવે બીજી યુવાન કેડરના નેતાઓને આગળ લાવવાની જરૂરીયાત છે. જો કોંગ્રેસ હાઈકમાન્ડ નહી સમજે તો કોંગ્રેસ ક્યારેય બેઠી નહીં થઈ શકે તે નક્કી છે.

Most Popular

To Top