National

બાઈક પર 4 વર્ષથી નાના બાળકને પહેરાવવું પડશે હેલ્મેટ, સ્પીડ પણ આટલી જ રાખી શકશો, જાણો નિયમમાં શું થયા ફેરફાર

નવી દિલ્હી: બાઈક કે મોપેડ પર તમે 4 વર્ષની ઉંમર કરતા નાના બાળકને લઈને જઈ રહ્યાં છો તો તમારે હવે આ નિયમોનું ધ્યાન રાખવું પડશે. સરકાર દ્વારા બાઈકની સ્પીડ સહિતના કેટલાંક નિયમોમાં આમૂલ ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમો અંગેનું જાહેરનામું ટૂંક સમયમાં બહાર પડે તેવી શક્યતા છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે આ નિયમો લાગુ પડ્યા બાદ બાળકોની સુરક્ષા વધી જશે.

બાળ મુસાફરો માટે સલામતીના પગલાઓ રજૂ કરતા માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે એક નવી દરખાસ્ત મૂકી છે જે સૂચવે છે કે જો મોટર સાયકલ પર ૪ વર્ષ કરતા નાના બાળકને સાથે બેસાડ્યું હોય તો કલાકના ૪૦ કિમી કરતા વધુ ઝડપે હાંકી શકાશે નહીં.

આ સૂચિત જાહેરનામામાં મંત્રાલયે એવી પણ દરખાસ્ત મૂકી છે કે ચાલકે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે મોટર સાયકલ પર બેસાડેલા ૯ માસ કરતા મોટા અને ૪ વર્ષથી નાના બાળકને ફરજિયાતપણે ક્રેશ હેલ્મેટ પહેરાવવામાં આવે. મંત્રાલયનું આ સૂચિત જાહેરનામુ સૂચવે છે કે જો ૪ વર્ષ સુધીની વય ધરાવતા બાળકને સાથે બેસાડવામાં આવ્યું હોય તો મોટર સાયકલની ઝડપ કલાકના ૪૦ કિમી કરતા વધુ થવી જોઇએ નહીં.

વધુમાં એમ પણ જણાવ્યું છે કે મોટર સાયકલ પર ચાર વર્ષથી નાના બાળકને ડ્રાઇવર સાથે બાંધતો સલામતી પટો પણ ઉપયોગમાં લેવામાં આવે. બાળકને પહેરવવામાં આવનાર આ પટો એડજસ્ટેબલ હોવો જોઇએ, જેમાં બાળકના ઉપરના ધડનો ભાગ ડ્રાઇવર સાથે બંધાયેલો રહે તે રીતની વ્યવસ્થા હોવી જોઇએ. આ સલામતી પટો વજનમાં હલકો, એડજસ્ટ કરી શકાય તેવો, વૉટરપ્રૂફ અને મજબૂત હોવો જોઇએ એ મુજબ આ સૂચિત જાહેરનામુ જણાવે છે.

ટુ-વ્હીલરોનો ઉપયોગ નીચલા અને મધ્યમ વર્ગના કુટુંબોમાં મુસાફરી માટે વ્યાપક થાય છે ત્યારે આ નવો નિયમ જો કડક રીતે અમલમાં મૂકવામાં આવે તો તેનાથી અકસ્માતોની સંખ્યા ઘટાડવામાં સ્વાભાવિક મદદ મળશે એમ ઇન્ટરનેશન રોડ ફેડરેશનના પ્રેસિડેન્ટ એમિરેટ્સ કે. કે. કપિલાએ કહ્યું હતું.

Most Popular

To Top