SURAT

સુરતના હોસ્ટેલમાંથી 10 વર્ષનો બાળક ભાગ્યો, રસ્તા પર રડ્યો છતાં કોઈએ મદદ ન કરી, આખરે..

સુરત(Surat): નાની ઉંમરમાં બાળકોને માતા-પિતાથી દૂર રહેવું ગમતું હોતું નથી. તેમ છતાં કોઈ કારણોસર માતા-પિતા બાળકોને હોસ્ટેલમાં મુકે તો ઘણી વાર બાળકો અવિચારી પગલું ભરતા હોય છે. આવી જ ઘટના સુરતમાં બની છે. અહીં એક હોસ્ટલમાં રહેતો 10 વર્ષનો બાળક કોઈને કશું પણ કહ્યા વિના ભાગી છૂટ્યો હતો. બાળક ગુમ થયો હોવાની જાણ થતાં હોસ્ટેલ સંચાલકો, બાળકની માતા અને પોલીસ દોડતી થઈ ગઈ હતી. આખરે એક રિક્ષાચાલકના લીધે બાળક મળી આવ્યો હતો.

આ કેસની વિગત એવી છે કે સુરતના ઉમરા વિસ્તારમાં પુનમ વાત્સલ્ય નામની સંસ્થા આવેલી છે. આ સંસ્થા ગરીબ અને સિંગલ માતા પિતા હોય તેવા બાળકોનો સહારો બને છે. સંસ્થા દ્વારા આવા બાળકોને રહેવા-જમવા સહિત ઉચ્ચ શિક્ષણ સહિતની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવે છે.

આ સંસ્થામાં દ્વારા કડોદરા ખાતે રહેતા શ્રમજીવી અને ગરીબ વર્ગના બંને બાળકોને આશરો આપવામાં આવ્યો છે. કડોદરાની એક સોસાયટીમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની ભગવાનદિન શાહુને સંતાનમાં એક 7 વર્ષનો દીકરો રાજ અને 10 વર્ષનો દીકરો શિવા છે. વર્ષ 2017માં ભગવાન દિન શાહુનું મોત થયું હતું. તેથી બંને બાળકોની સંપૂર્ણ જવાબદારી માતા સરોજ કુમારી પર આવી પડી હતી. મજૂરી કરી સરોજ કુમારી બાળકોનું ભરણપોષણ કરતી હતી.

દરમિયાન સરોજકુમારીએ બંને બાળકોને સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા પૂનમ વાત્સલ્ય નામની સામાજિક સંસ્થામાં મુકવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ આ બંને બાળકોને અહીં આવેલી સંસ્થામાં મૂકવામાં આવતા રહેવા જમવા સહિત શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવતી હતી. થોડા સમય પહેલાં માતા બંને બાળકોને વતન લઈ ગઈ હતી અને તા. 29 ફેબ્રુઆરીએ પાછી મુકી ગઈ હતી.

જ્યારે માતા સરોજ કુમારીએ બંને બાળકોને પૂનમ વાત્સલ્ય સંસ્થામાં મૂકી ઘરે જવા રવાના થઈ રહી હતી ત્યારે મોટો દીકરો સંસ્થામાં કોઈને પણ કહ્યા વિના બહાર નીકળી માતાના પાછળ દોડી ગયો હતો. પરંતુ માતા રીક્ષામાં બેસી રવાના થઈ ગઈ હોઈ તે માતા સુધી પહોંચી શક્યો નહોતો. જોકે, તે ચાલતો રહ્યો હતો. જોત જોતામાં આ બાળક સંસ્થાથી ઘણી દૂર સુધી પહોંચી ગયું હતું. દરમિયાન સંસ્થામાં બાળકની ગેરહાજરી મળી આવતા સંસ્થા દ્વારા શોધખોળ શરૂ કરાઈ હતી, પરંતુ કોઈ ભાળ ન મળતા તેણી માતા અને પોલીસને જાણ કરાઈ હતી.

ઉમરા પોલીસે પીપલોદ થી લઇ એસવીએનઆઇટી કોલેજ સુધીના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા છતાં બાળકની ભાળ મળી નહોતી. બીજી તરફ બાળક ગુમ થવાના કારણે માતા સરોજ કુમારીની ચિંતા પણ ખૂબ જ વધી હતી. દરમિયાન સરોજ કુમારી ઉપર એક ઓટો રીક્ષા ચાલક નો કોલ આવ્યો હતો. જે ઓટો રીક્ષા ચાલકે તેણીનો બાળક પોતાની પાસે ઊભો હોવાની વાત જણાવી હતી.

તેથી ઉમરા પોલીસે માતાને જોડે રાખી તાત્કાલિક સુરતના સહારા દરવાજા ખાતે પહોંચી હતી. જ્યાં ઓટોરિક્ષા ચાલક સંદીપ તિવારીએ બાળકનો કબ્જો સોંપ્યો હતો. રિક્ષા ચાલક સંદીપ તિવારી આ બાળક અને પરિવાર માટે એક દેવદૂત બનીને સામે આવ્યો હતો.

બાળક ફૂટપાથ પર ઊંઘી ગયો હતો
માતાની પાછળ દોડેલો બાળક માતાને શોધવા ચાલતો રહ્યો હતો. તે રસ્તો ભટકી ગયો હતો અને ફરતા ફરતા સહારા દરવાજા નજીક પહોંચી ગયો હતો. માતાને ફોન કરવા કેટલાક રિક્ષાવાળાઓ પાસે મોબાઈલ માંગ્યો હતો, પરંતુ કોઈએ આપ્યો નહોતો. માતાને મળવાની આશા છોડી બેઠેલો બાળક રડતાં રડતાં થાકીને ફૂટપાથ પર જ ઊંઘી ગયો હતો. સવારે 11:00 વાગ્યા ની આસપાસ સંદીપ તિવારી નામના મળી આવેલ ઓટો રીક્ષા ચાલકને આંખમાં આંસુ લઈ રડતા રડતા જણાવતા અંતે ઓટોરિક્ષા ચાલકે બાળક પાસેથી મોબાઇલ નંબર લઈ માતાને જાણ કરતા પોલીસ અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

Most Popular

To Top