Columns

પશુ હોસ્ટેલથી શહેરમાં રખડતાં ઢોરોની સમસ્યા હલ થઈ શકે તેમ છે

ગુજરાતમાં રખડતાં ઢોરોની સંખ્યા વધીને ૨.૯ લાખ પર પહોંચી ગઈ છે. પશુ વસતિ ગણતરીના આંકડાઓ મુજબ ગુજરાતમાં કુલ ૨.૭૧ કરોડ પશુઓ છે, જેમાંની ૩૬.૮૦ ટકા ગોવંશ છે, ૩૮.૨૮ ટકા ભેંસો છે, ૧૮.૨૮ ટકા બકરાં છે અને ૬.૩૦ ટકા ઘેટાં છે. ગુજરાતમાં છેલ્લાં સાત વર્ષમાં રખડતાં ઢોરોની સંખ્યામાં ૫૦,૦૦૦ ની વૃદ્ધિ જોવા મળી છે. રાજ્યના દરેક નાગરિકને કોરોના વેક્સિન આપવા માટે પોતાની તમામ તાકાત અજમાવતું વહીવટી તંત્ર રખડતાં ઢોરોની સંખ્યા પર નિયંત્રણ રાખવામાં નિષ્ફળ ગયું છે.

ગુજરાત હાઈ કોર્ટની વારંવારની ટકોર છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને બીજાં શહેરોની નગરપાલિકાઓ રખડતાં ઢોરો બાબતમાં કોઈ નીતિ બનાવવામાં નિષ્ફળ ગઈ છે. થોડા વખત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રખડતાં ઢોરોની સમસ્યા હલ કરવા રાજ્યમાં કામ કરી રહેલી જીવદયા સંસ્થાઓના હોદ્દેદારોની બેઠક બોલાવી હતી. તેમાં ગુજરાત સરકારને સૂચન કરવામાં આવ્યું હતું કે જો કોઈ રજીસ્ટર્ડ સંસ્થા રખડતાં ઢોરોની કાળજી લેવા તૈયાર હોય તો સરકાર દ્વારા તેને મૂડી અને જમીન મળી રહેવાં જોઈએ.

એક બાજુ રખડતાં ઢોરોની સમસ્યા વણસી રહી છે તો બીજી બાજુ રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા શહેરનાં લોકોને દૂધ મળી રહે તે માટે શહેરની સરહદની નજીક પશુ હોસ્ટેલની યોજનાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સાબરકાંઠા જિલ્લાના આકોદરા ગામે ૯૦૦ પશુની એનિમલ હોસ્ટેલનું ઉદ્ઘાટન ૨૦૧૧ માં કરવામાં આવ્યું હતું. આ હોસ્ટેલમાં ગામના તમામ પશુને રાખવામાં આવે છે. આ હોસ્ટેલનું સંચાલન કરવાની જવાબદારી સ્થાનિક સહકારી મંડળીને સોંપવામાં આવી છે. આ હોસ્ટેલમાં ગોબર બેન્ક પણ રાખવામાં આવી છે. તેમાં જે ગોબર એકઠું કરવામાં આવશે તેનો ઉપયોગ ગોબર ગેસ અને વીજળી પેદા કરવામાં આવે છે. આ પ્રકારની પશુ હોસ્ટેલ દરેક શહેરની બહાર રખડતાં પશુઓ માટે શરૂ કરવી જોઈએ.

આકોદરા ગામનાં ૨૧૫ પરિવારો પૈકી ૨૦૫ પરિવારો પશુપાલન કરે છે. તેમના ઘરે ગાય કે ભેંસ હતી. ઘરની ગૃહિણીઓ દૈનિક સરેરાશ ચાર કલાક પશુની સારસંભાળ પાછળ વ્યતીત કરતી હતી. હવે ગામના બધા પશુઓ એનિમલ હોસ્ટેલમાં રાખવામાં આવે છે. ૯૦૦ પશુને રાખવા માટે ૩૬ શેડ બાંધવામાં આવ્યા છે. ઘાસચારા માટે ૧૨૫ એકર જમીનનો વિકાસ કરવામાં આવ્યો છે. તેમાં વાર્ષિક ૩,૦૦૦ મેટ્રિક ટન ઘાસચારો પેદા થાય છે. પશુને પાણી પાવા માટે એક લાખ લિટરની ટાંકી પણ બાંધવામાં આવી છે. ૨૫૦ ચોરસ મીટરના વિસ્તારમાં બાયો ગેસનો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. તેમાં વર્ષે એક હજાર મેટ્રિક ટન જેટલું જૈવિક ખાતર તૈયાર કરવામાં આવે છે.  આકોદરામાં પશુ હોસ્ટેલ શરૂ થઈ તે પછી દૂધના ઉત્પાદનમાં પણ ખાસ્સો વધારો થયો છે.

જો શહેરોમાં રખડતાં ઢોરોની સમસ્યા હલ કરવી હોય તો ક્યા પ્રકારની કેટલ હોસ્ટેલ શહેરની બહાર ઊભી કરવી જોઈએ, તેનું ઉદાહરણ તેલંગાણા રાજ્યે પૂરું પાડ્યું છે. તેલંગાણાના સિદ્દિપેટ શહેરની સરહદ પર આવેલા પોન્નાલા ગામમાં બે કરોડ રૂપિયાના ખર્ચે કેટલ હોસ્ટેલ શરૂ કરવામાં આવી છે, જેમાં ૧૬૦ ગાયો અને ૧૬૦ વાછરડાંને રાખવાની સગવડ છે. આ કેટલ હોસ્ટેલ માટે એક કરોડ રૂપિયાનું દાન કોર્પોરેટ સેક્ટર તરફથી તેમના સીએસઆર ફંડમાંથી આપવામાં આવ્યું હતું તો બીજા એક કરોડ રૂપિયા મનરેગા યોજનામાંથી ફાળવવામાં આવ્યા હતા. આ કેટલ હોસ્ટેલમાં માંદાં પશુની સારવાર માટે હોસ્પિટલ છે અને ગાયની સુવાવડ માટે અલગ શેડ પણ છે. તેમાં ગોબર ગેસ પ્લાન્ટ, કોમ્યુનિટી હોલ, હવાડા, સ્ટોર રૂમ, મિલ્ક કલેક્શન સેન્ટર વગેરે સવલતો પણ છે.

ભારતનાં જેટલાં ગામડાંઓમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ છે તેમના સહયોગથી પણ રખડતાં ઢોરોની સમસ્યા હલ થઈ શકે છે. દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં ગોવંશની કતલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને કારણે ગોવંશની કતલ ઓછી થઈ ગઈ છે. કોઈ પણ ગાય દૂધ આપતી બંધ થાય કે બળદ નકામો થઈ જાય ત્યારે તેનું ભરણપોષણ કરવાનું કઠિન હોવાથી ગોપાલક તેને રસ્તા પર રખડતાં મૂકી દે છે. આજકાલ ખેતીવાડી પણ યાંત્રિક થઈ ગઈ હોવાથી બળદની જરૂર રહી નથી. તેને કારણે ખસી કર્યા વગરના વાછરડાંને પણ લોકો રસ્તે રખડતાં મૂકી દે છે. આ કારણે રખડતાં પશુની વસતિ વધી રહી છે. જો પશુના દૂધની જેમ પશુના છાણની પણ કિંમત ઉપજતી હોય તો પશુપાલકો પશુ દૂધ આપતું બંધ થાય તે પછી પણ તેનું ભરણપોષણ કરશે. આ માટે ડેરી ઉદ્યોગની સહાયથી ગામે ગામે ગોબર સહકારી મંડળીઓની સ્થાપના કરવી જરૂરી બની ગઈ છે.

સહકારી કે ખાનગી ક્ષેત્રની ડેરીઓ દ્વારા ગામે ગામ દૂધનું કલેક્શન કરવા સહકારી મંડળીઓની સ્થાપના કરવામાં આવી છે. કોઈ પણ પશુપાલક દૂધ લઈને આ મંડળીમાં આપે ત્યારે તેને ફેટના ટકા મુજબ રૂપિયા ચૂકવી દેવામાં આવે છે. આ સહકારી મંડળીઓને દૂધની જેમ ગોબરની ખરીદી કરવાની કામગીરી પણ સોંપવી જોઈએ. કોઈ પણ પશુપાલક દૂધ ભરવા આવે ત્યારે ગોબર પણ સાથે લાવી શકે છે. આ ગોબરનું વજન કરીને સહકારી મંડળીએ તેના રોકડા રૂપિયા આપી દેવા જોઈએ.

જો ગોબરનો ભાવ કિલોના દસ રૂપિયા હોય તો એક ગાયના ગોબરના દૈનિક સો રૂપિયા ઉપજી શકે છે. જો વસૂકી ગયેલી ગાયમાંથી પશુપાલકને સો રૂપિયાની આવક થતી હોય તો તે પોતાનાં ઢોર રખડતાં મૂકવાને બદલે ઘરમાં જ બાંધી રાખશે. ગામનાં ગરીબો પણ ગોબર ભેગું કરીને પોતાનું ગુજરાન ચલાવી શકશે. આ રીતે નાનાં શહેરોમાં રખડતાં ઢોરોની સમસ્યા હલ થઈ શકે છે. દૂધ સહકારી મંડળી દ્વારા જે ગોબરની ખરીદી કરવામાં આવી હોય તેને ડેરીમાં પહોંચતું કરી શકે છે.

દરેક ડેરીમાં જેમ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ હોય છે તેમ જૈવિક ખાતરનો વિરાટ પ્લાન્ટ પણ રાખવો જોઈએ. ગામડાં તેમ જ શહેરોમાંથી ભેગું કરવામાં આવેલા ગોબરનું તેમાં ખાતર બનાવવું જોઈએ. આ જૈવિક ખાતરનું વેચાણ પણ ડેરીના આઉટલેટો પરથી કરવું જોઈએ. ડેરીઓ દ્વારા જેમ દૂધ ઉપરાંત દહીં, ઘી, છાસ, માખણ, બાસુદી, પેંડા, શ્રીખંડ, ચીઝ, પનીર વગેરેનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવે છે તેમ જૈવિક ખાતરનું ઉત્પાદન અને વેચાણ કરવું જોઈએ. સરકાર દ્વારા જૈવિક ખાતર ખરીદનારા કિસાનોને પ્રોત્સાહનના રૂપમાં સબસિડી આપવી જોઈએ. જો આ યોજનાનો અમલ શહેરોમાં કરવામાં આવશે તો રખડતાં પશુને લોકો સાચવતાં થઈ જશે.

આજના કાળમાં કૃષિ યાંત્રિક થઈ ગઈ હોવાથી કરોડો પશુઓ નકામાં થઈ ગયાં છે. રખડતાં પશુઓની સમસ્યા પાછળ ખરું કારણ આ છે. તેનું નિવારણ કરવા માટે સરકારે બેન્કોને આદેશ કરવો જોઈએ કે તેમણે કિસાનોને ટ્રેક્ટરની ખરીદી માટે લોન આપવાનું બંધ કરવું જોઈએ. જો કિસાનો ટ્રેક્ટર ખરીદતા બંધ થશે તો તેમણે ખેતર ખેડવા માટે અને ટ્રાન્સપોર્ટ માટે ફરજિયાત બળદનો ઉપયોગ કરવો પડશે. તો બળદો કતલખાને જતાં બંધ થશે અને પશુપાલકો રસ્તા પર બળદને રઝળતા મૂકવાનું પણ બંધ કરશે. યુરિયા વગેરે કેમિકલ ફર્ટિલાઇઝર ઉદ્યોગને આપવામાં આવતી તમામ રાહતો બંધ કરવામાં આવશે તો જ કિસાનો જૈવિક ખાતરનો ઉપયોગ કરતા થશે. સરકાર ઉદ્યોગોને બદલે કિસાનોનું અને પશુઓનું હિત જોતી થશે ત્યારે જ આ સમસ્યા હલ થઈ શકશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top