પાણી જીવનની સૌથી મૂળભૂત જરૂરિયાત છે. પૃથ્વી પર પાણીનો જથ્થો અઢળક છે, પરંતુ પીવા અને માનવ વપરાશ માટે યોગ્ય મીઠું પાણી મર્યાદિત છે. વરસાદનું પાણી નદી કે તળાવમાં સંગ્રહાય ત્યારે તેની ગુણવત્તામાં ફેરફાર થાય છે, જ્યારે ઝાડનાં મૂળ અને છિદ્રાળુ જમીનમાંથી પસાર થઈ આ પાણી ભૂગર્ભમાં પહોંચે છે ત્યારે માટીના બંધારણમાં રહેલા સોડિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન અને કેલ્શિયમ જેવા ખનિજ ક્ષારો તેમાં ભળે છે. આ ક્ષારો નરી આંખે દેખાતા નથી, પરંતુ પાણીના સ્વાદથી તેમનું અસ્તિત્વ અનુભવાય છે. શરીર પોતાની રીતે આવા પાણી સાથે તાલમેળ સાધવાનો પ્રયાસ કરે છે. કિડની લોહીમાંથી વધારાના ક્ષારોને અલગ કરી પેશાબ દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે. પરંતુ પાણીમાં ક્ષારોનું પ્રમાણ વધારે હોય ત્યારે કિડની પર વધારાનો બોજ પડે છે અને લાંબા ગાળે શરીર પર તેની વિપરીત અસર થઈ શકે છે. ખાસ કરીને ફ્લોરાઈડ અને નાઈટ્રેટ જેવા તત્ત્વોની વધુ માત્રા આરોગ્ય માટે ચિંતાજનક બની શકે છે. સમગ્ર અર્થતંત્ર અને સમાજનું અસ્તિત્વ પાણી સાથે જોડાયેલું છે.
ગુજરાતની સ્થિતિ આ સંદર્ભે વધુ ગંભીર છે. રાજ્યનો આશરે 1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો છે. અનેક વિસ્તારોમાં દરિયાઈ ખારાશ ભૂગર્ભજળ સુધી પહોંચી રહી છે. દર ત્રીજા વર્ષે ઓછા વરસાદની સ્થિતિ સર્જાતી હોવાને કારણે પાણીની સમસ્યા વધુ તીવ્ર બને છે. ખાસ કરીને એપ્રિલથી જૂન સુધીના નેવું દિવસ ગામડાં અને શહેરો બંને માટે પાણીની કસોટી બની રહે છે. ગ્રામ વિસ્તારોમાં પાણી માટે ઝઘડા, ચોરી અને સંઘર્ષની ઘટનાઓ સામે આવે છે. આ સ્થિતિમાં નદી-તળાવના કાંઠે બોર કરી ભૂગર્ભજળ મેળવવાના પ્રયાસો થાય છે, પરંતુ ભૂગર્ભજળનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે.
સવાલ એ છે કે ભૂગર્ભજળને સતત ઉલેચીને આપણે કેટલો સમય ટકી શકીશું? ધરતીના પેટાળને પાણીના અનંત ભંડાર તરીકે જોવાની માનસિકતા હવે બદલવી પડશે. ભૂગર્ભજળના અતિશય શોષણને બદલે આપણી નજર દરિયાના અઢળક ખારા પાણી તરફ વાળવાનો સમય આવી ગયો છે. પૃથ્વી પરના કુલ પાણીમાંથી પીવાલાયક મીઠા પાણીનો હિસ્સો અત્યંત ઓછો છે. બીજી તરફ દરિયાના પાણીનો જથ્થો વિશાળ છે. તેથી મીઠા પાણીની શોધમાં ભૂગર્ભજળને વધુ ને વધુ ઊંડું ઉલેચવા કરતાં ખારા પાણીને મીઠું કરવાની ટેકનોલોજી પર વધુ ભાર મૂકવો સમયની માગ છે.
આ દિશામાં ઈલેક્ટ્રોડાયાલિસિસ મેમ્બ્રેઈન જેવી ડી-સેલિનેશન પદ્ધતિ ઉપયોગી બની શકે છે. આ પદ્ધતિમાં મેમ્બ્રેઈન દ્વારા પાણીમાં રહેલા ધન અને ઋણ ક્ષારોને અલગ કરવામાં આવે છે. સોડિયમ અને કેલ્શિયમ જેવા ધન ક્ષારો તેમજ ક્લોરાઈડ અને સલ્ફેટ જેવા ઋણ ક્ષારોને વીજપ્રવાહની મદદથી પાણીમાંથી અલગ કરી બહાર કાઢી શકાય છે. પરિણામે ખારા પાણીને પીવા અને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવી શકાય છે. આ ટેકનોલોજીની ખાસિયત એ છે કે નાના પાયે પણ તેનો ઉપયોગ શક્ય બને તો ગામડાં, સોસાયટીઓ, દૂધ મંડળીઓ અને ગ્રામ પંચાયતો માટે તે ઉપયોગી સાબિત થઈ શકે. એકમની સ્થાપનામાં શરૂઆતનું રોકાણ જરૂરી છે, પરંતુ સામૂહિક રીતે ખર્ચ વહેંચવામાં આવે તો આ પ્રકારના પ્લાન્ટનો લાભ અનેક પરિવારોને મળી શકે.
સોલાર પેનલ અથવા જનરેટર સાથે તેને જોડવાથી વીજળીની અછત ધરાવતા વિસ્તારોમાં પણ તેનો ઉપયોગ શક્ય બની શકે. આવી ટેકનોલોજી માત્ર પાણીની સમસ્યાનો ઉકેલ નથી, પરંતુ રોજગારીનું સાધન પણ બની શકે છે. યુવકો બેંક લોન અથવા સરકારી સહાયથી નાના ડી-સેલિનેશન પ્લાન્ટ સ્થાપી પાણી ઉત્પાદન અને વિતરણનો વ્યવસાય શરૂ કરી શકે. જો આ ટેકનોલોજીનો ઉપયોગ ડ્રિપ ઈરિગેશન સાથે કરવામાં આવે તો ખારાશવાળા વિસ્તારોમાં યોગ્ય વનસ્પતિ અને ખેતીના વિકલ્પો પણ વિકસાવી શકાય. વિશ્વના અનેક દેશો દરિયાના પાણીને મીઠું બનાવી તેનો ઉપયોગ કરી રહ્યા છે. ઇઝરાયલ, નેધરલેન્ડ અને મધ્યપૂર્વના દેશોમાં ડી-સેલિનેશનનો વ્યાપક ઉપયોગ થાય છે.
ભારતમાં પણ જામનગર જેવા વિસ્તારોમાં દરિયાના પાણીને મીઠું કરવાની વ્યવસ્થા વિકસાવવામાં આવી છે. એટલે ટેકનોલોજી આપણી પહોંચની બહાર નથી; જરૂર છે તેને વધુ સસ્તી, સરળ અને ગ્રામ્ય વિસ્તારો માટે ઉપયોગી બનાવવાની. પાણીજન્ય રોગોનો પ્રશ્ન પણ એટલો જ ગંભીર છે. અસુરક્ષિત પાણીથી કોલેરા, કમળો અને ટાઈફોઈડ જેવા રોગો ફેલાય છે. બીજી તરફ ભૂગર્ભજળમાં ફ્લોરાઈડની વધુ માત્રા હોય તેવા વિસ્તારોમાં ફ્લોરોસિસ જેવી સમસ્યા જોવા મળે છે. એટલે માત્ર પાણી ઉપલબ્ધ કરાવવું પૂરતું નથી; શુદ્ધ અને સુરક્ષિત પાણી પહોંચાડવું પણ એટલું જ જરૂરી છે.
૧૯૬૦ના દાયકામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જ્હોન એફ. કેનેડીએ વિજ્ઞાન અને રાષ્ટ્રીય વિકાસની વાત કરતાં શુદ્ધ પાણીની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. ભારતરત્ન ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે પણ અમદાવાદમાં કહ્યું હતું કે અવકાશમાં સેટેલાઇટ મોકલવો સહેલો છે, પરંતુ ઘરે-ઘરે શુદ્ધ પાણી પહોંચાડવું વધુ કપરું કામ છે. આ બંને વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. ગુજરાત માટે હવે પાણીની નીતિમાં મૂળભૂત ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. વરસાદી પાણીના સંગ્રહ, ભૂગર્ભજળના સંરક્ષણ અને નદી-તળાવોના પુનર્જીવન સાથે દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાની ટેકનોલોજીને પણ પાણીના કાયમી વિકલ્પ તરીકે સ્વીકારવી પડશે.
સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ભાભા એટમિક રિસર્ચ સેન્ટર અને અન્ય સંશોધન સંસ્થાઓએ વધુ સસ્તી અને ઊર્જા-કાર્યક્ષમ ડી-સેલિનેશન ટેકનોલોજી વિકસાવવા આગળ આવવું જોઈએ. મીઠા પાણીની શોધમાં ધરતીના પેટાળને ખાલી કરતાં રહેવા કરતાં દરિયાના ખારા પાણીનો ઉપયોગ શીખવો વધુ સમજદારીભર્યો માર્ગ છે. પાણીની અછત સામે લડવાનું ભવિષ્ય માત્ર વરસાદ પર આધારિત રહી શકે નહીં. ખારું પાણી જ જ્યારે સૌથી મોટા જથ્થામાં ઉપલબ્ધ છે, ત્યારે તેને પીવા અને વાપરવાયોગ્ય બનાવવાની દિશામાં ગંભીરતાથી આગળ વધવું પડશે. આવું થશે તો ‘ઘર ઘર જળ, દર ઘર નળ’ માત્ર સૂત્ર નહીં રહે, પરંતુ ગુજરાતના દરેક ઘરની વાસ્તવિકતા બની શકશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.