ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં આપેલા સંબોધન દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટિપ્પણીઓનો જવાબ આપ્યો. તેમણે કહ્યું, “અમેરિકી રાષ્ટ્રપતિએ અમને આતંકવાદી કહ્યા છે, જ્યારે અમે પોતે જ આતંકવાદનો ભોગ બન્યા છીએ.” ઈરાની રાષ્ટ્રપતિએ અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા શાળાના બાળકોનો ઉલ્લેખ કર્યો.
મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રને સંબોધિત કરતી વખતે ઈરાની રાષ્ટ્રપતિએ અમેરિકી રાષ્ટ્રપતિના ભાષણમાં કરવામાં આવેલા આરોપોનો જવાબ આપતા કહ્યું, “ગઈકાલે ટ્રમ્પે અમને આતંકવાદી કહ્યા. અમે પોતે આતંકવાદનો ભોગ બન્યા છીએ. હું એવા ઈરાનથી આવું છું જ્યાં અમારા આદરણીય સર્વોચ્ચ નેતાની કોઈપણ કાનૂની પ્રક્રિયા કે વાજબી કારણ વિના હત્યા કરવામાં આવી હતી.”
દરમિયાન જેવું પેઝેશ્કિયાને તેમનું ભાષણ શરૂ કર્યું કે તરત જ અમેરિકી પ્રતિનિધિમંડળ સભાખંડની બહાર નીકળી ગયું. જે રીતે મંગળવારે ટ્રમ્પના ભાષણ દરમિયાન ઈરાની પ્રતિનિધિમંડળ બહાર નીકળી ગયું હતું. તેમણે કહ્યું, “હું એવા ઈરાનથી આવું છું જ્યાં એક શાળા પર ખરેખર બોમ્બમારો કરવામાં આવ્યો હતો. શું તમે આ બાળકોને જુઓ છો? આ બાળકો અમેરિકી અને ઈઝરાયેલી હથિયારોનો ઉપયોગ કરીને ફેંકવામાં આવેલા બોમ્બથી માર્યા ગયા હતા. તેઓ નિર્દોષ હતા અને તેમણે કોઈ ગુનો કર્યો ન હતો.”
પોડિયમ પરથી મિનાબના બાળકો અને તેમની કબરોના ફોટા દર્શાવ્યા
તેમના ભાષણ દરમિયાન ઈરાની રાષ્ટ્રપતિએ પોડિયમ પરથી મિનાબ શાળા પર થયેલા હુમલામાં ભોગ બનેલા બાળકોના ફોટા દર્શાવ્યા. આ તસવીરો દ્વારા તેમણે સંઘર્ષમાં માર્યા ગયેલા નિર્દોષ નાગરિકો તરફ ફરી એકવાર વિશ્વનું ધ્યાન દોર્યું. વધુમાં ઈરાની નાગરિકો પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતી વખતે તેમણે તે બાળકો અને અન્ય પીડિતોની કબરોના ફોટા અને તસવીરો બતાવી. તેમના ભાષણમાં, તેમણે નાગરિકો અને સંસ્થાઓ પર થયેલા હુમલા તેમજ ઈરાની સર્વોચ્ચ નેતાની હત્યાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, “અમારા દેશ પર થયેલા કાયરતાપૂર્ણ હુમલાઓમાં અમારા નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અમે પૂરી તાકાત સાથે અમારો બચાવ કર્યો છે.”
ઈરાને છેલ્લા બે સદીઓમાં કોઈના પર હુમલો કર્યો નથી: પેઝેશ્કિયન
તેમણે કહ્યું, “અમે આતંકવાદનો ભોગ બન્યા છીએ. અમે નાગરિક લક્ષ્યો પર ક્યારેય હુમલો કર્યો નથી. અમારા દેશ પર લાદવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલાઓમાં અમારા નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અમે પૂરી તાકાતથી અમારો બચાવ કર્યો. અમેરિકા અને ઈઝરાયલે અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અમારા પર હુમલો કર્યો. તેમણે અમને નિશાન બનાવ્યા, પરંતુ અમે ઝૂક્યા નહીં. લામર્ડ એ ઈરાનનું એક નાનું શહેર છે જ્યાં ક્લસ્ટર બોમ્બ વડે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર હુમલો કરવામાં આવ્યો હતો. અમે વળતો જવાબ આપ્યો, પરંતુ અમે નાગરિક વસ્તીને નિશાન બનાવી ન હતી.”
ઈરાનના રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે તેમણે આસપાસના વિસ્તારોમાં ઘૂસણખોરી કરી અને અમારી યુનિવર્સિટીઓ, આરોગ્ય કેન્દ્રો, શાળાઓ અને હોસ્પિટલોને નિશાન બનાવી. સાત મહિના સુધી અમેરિકા અને ઈઝરાયલ દ્વારા સજ્જ કરાયેલા લોકોને તેમના ઈરાદાઓ પાર પાડતા રોકવા માટે અમારા લોકો દરરોજ રાત્રે રસ્તા પર ઉતરી આવ્યા હતા. છેલ્લા બે સદીઓમાં ઈરાને કોઈ દેશ કે પ્રદેશ પર હુમલો કર્યો નથી પરંતુ અમે હંમેશા મક્કમતાથી અમારો બચાવ કર્યો છે.”
“અમે અમારા દેશના બચાવ માટે કોઈની પરવાનગી માંગતા નથી”
પેઝેશ્કિયને કહ્યું, “તેમ છતાં હવે અમારા પર પ્રદેશમાં અસ્થિરતાનું કારણ હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. અમને આતંકવાદી તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. શાંતિપૂર્ણ પરમાણુ ટેક્નોલોજી અમારી પ્રગતિનો એક ભાગ છે. અમે ન તો માથું ઝુકાવીશું કે ન તો અમારા અધિકારો જતાં કરીશું. જ્યારે સ્વ-બચાવની વાત આવે છે ત્યારે અમે યુદ્ધથી ડરતા નથી, તેમ જ અમારા અધિકારો સુરક્ષિત કરવા માટે વાતચીતથી પણ પાછળ હટતા નથી.” તેમણે ઉમેર્યું, “અમે સ્પષ્ટપણે કહીએ છીએ: શાંતિપૂર્ણ પરમાણુ ટેક્નોલોજી પર કોઈ પ્રતિબંધ નથી. હોરમૂઝની સામુદ્રધુનીનો ઉપયોગ અમારા દેશ વિરુદ્ધ વાપરવા માટેના શસ્ત્રોના પરિવહન માટે થઈ શકતો નથી. અમે અમારા રાષ્ટ્રના બચાવ માટે કોઈની પરવાનગી માંગતા નથી.”
તેઓ નરસંહાર કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે: પેઝેશ્કિયન
તેમણે કહ્યું, “જ્યારે મેં પદ સંભાળ્યું, ત્યારે તેહરાનમાં ઈસ્માઈલ હાનિયેહની હત્યા કરવામાં આવી હતી.” ગાઝામાં 80,000થી વધુ નિર્દોષ લોકો માર્યા ગયા છે. તેઓ નરસંહાર કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. અમે વર્ચસ્વ સ્થાપિત કરવા માટે અમારી શક્તિનો ઉપયોગ કરવા માંગતા નથી, કે અન્યની અસુરક્ષાના ભોગે અમારી સુરક્ષા ઈચ્છતા નથી. ઈરાન તેના બચાવ માટે કોઈની પરવાનગી માંગશે નહીં. ઈરાનને શાંતિપૂર્ણ પરમાણુ જ્ઞાનથી વંચિત રાખવું અસ્વીકાર્ય છે. ઈરાનની સંરક્ષણ ક્ષમતાઓનો ઉદ્દેશ્ય માત્ર આક્રમકતાને રોકવાનો છે અને દેશ પોતાની સુરક્ષા માટે કોઈ પણ સત્તા પાસે પરવાનગી માંગશે નહીં. પરમાણુ ટેક્નોલોજી એ ઈરાની જનતાનો નિર્વિવાદ અધિકાર પણ છે, જેનો ઉપયોગ તબીબી ક્ષેત્ર, કૃષિ, ઉદ્યોગ અને ટકાઉ ઊર્જાના વિકાસ માટે કરવામાં આવે છે.
અમે ઈચ્છીએ છીએ કે અમારા પાડોશી દેશો મજબૂત બને: પેઝેશ્કિયન
પરમાણુ કાર્યક્રમ વિશે વિગતવાર વાત કરતા તેમણે કહ્યું, “આ એક એવો મુદ્દો છે જે યુદ્ધના મેદાનમાં નહીં પરંતુ પરસ્પર સમજૂતી દ્વારા ઉકેલી શકાય છે; એવી સમજૂતી જે ઈરાની જનતાના અધિકારો અને પરમાણુ કાર્યક્રમના શાંતિપૂર્ણ સ્વરૂપની ખાતરી આપે. ઈરાન માને છે કે પ્રાદેશિક સુરક્ષા સહકાર અને મજબૂત પાડોશી દેશો પર નિર્ભર છે. તે અસ્વીકાર્ય છે કે ઈરાન પર અન્યાયી પ્રતિબંધો લાદવામાં આવે, જ્યારે અન્ય રાષ્ટ્રો શસ્ત્રોની હેરફેર કરવા અને પ્રદેશમાં સંકટ વધારવા માટે આ જળમાર્ગનો ઉપયોગ કરે. ઈરાન તેના પાડોશી દેશોને સુરક્ષાના હરીફ તરીકે જોતું નથી; અમે ઈચ્છીએ છીએ કે અમારા પાડોશી દેશો મજબૂત બને.”