અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 81મા સત્રમાં ઈરાનને લઈને અત્યંત કડક નિવેદન આપ્યા બાદ હવે ઈરાની સેનાએ પણ અમેરિકાને સીધી ચેતવણી આપી છે. ઈરાનના સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફ અને ખતમ અલ-અનબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરે મંગળવારે સંયુક્ત નિવેદન જાહેર કરીને કહ્યું કે જો અમેરિકા અથવા ઇઝરાયેલ તરફથી ઈરાન પર કોઈ હુમલો કરવામાં આવશે તો તેનો જવાબ અગાઉ કરતા પણ વધુ કડક, વિનાશક અને અણધાર્યો હોઈ શકે છે.
ઈરાની સૈન્ય કમાન્ડે ટ્રમ્પના UNGA ભાષણને ‘પ્રચાર’ ગણાવ્યું અને જણાવ્યું કે અમેરિકાની ધમકીઓથી ઈરાનની સૈન્ય નીતિ કે તેની ક્ષમતાના આકલનમાં કોઈ ફેરફાર થવાનો નથી. ઈરાનનું કહેવું છે કે તેની સશસ્ત્ર સેના કોઈપણ પ્રકારની આક્રમક કાર્યવાહીનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ઈરાની સૈન્યએ અમેરિકાના આર્થિક દબાણ અને પ્રતિબંધોનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે આવા પગલાંથી ઈરાન પોતાના વલણમાં ફેરફાર કરશે નહીં.આ સમગ્ર વિવાદની શરૂઆત ટ્રમ્પના સંયુક્ત રાષ્ટ્રમાં કરાયેલા નિવેદનથી થઈ હતી. ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન પાસે સમજુતી કરવાનો રસ્તો છે, પરંતુ જો કોઈ કરાર નહીં થાય તો અમેરિકા વધુ કડક સૈન્ય કાર્યવાહી કરી શકે છે. તેમણે ઈરાન પર પરમાણુ હથિયાર મેળવવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
ઈરાન લાંબા સમયથી આવા આરોપોને નકારી રહ્યું છે. ટ્રમ્પે વિશ્વના દેશોને ઈરાન પર આર્થિક દબાણ વધારવામાં અમેરિકાને સાથ આપવા પણ અપીલ કરી હતી.જોકે, એક તરફ બંને દેશો વચ્ચે આકરી નિવેદરબાજી ચાલી રહી છે, તો બીજી તરફ રાજદ્વારી સ્તરે વાતચીતના પ્રયાસો પણ ચાલુ છે. ન્યૂયોર્કમાં અમેરિકન અધિકારીઓ અને ઈરાની પ્રતિનિધિઓ વચ્ચે આશરે ત્રણ કલાક સુધી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. અમેરિકન પક્ષ તરફથી સ્ટીવ વિટકોફ અને જારેડ કુશનર, જ્યારે ઈરાન તરફથી વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી બેઠકમાં સામેલ થયા હતા. ટ્રમ્પે આ બેઠકને સારી ગણાવી હતી.ઈરાન તરફથી હોર્મુઝ જળમાર્ગ ખોલવા સહિત કેટલીક શરતો અંગે ચર્ચા થયાની માહિતી પણ સામે આવી છે. ઈરાની પક્ષે નૌકાદળની નાકાબંધી દૂર કરવા, ફ્રીઝ કરાયેલા ઈરાની નાણાં છોડવા અને તમામ મોરચે યુદ્ધ સમાપ્ત કરવાની માંગ કરી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. હવે સમગ્ર વિશ્વની નજર ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનના UNGA ભાષણ અને અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલી રાજદ્વારી વાતચીત પર છે.