Sports

વિનેશ ફોગાટને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો, વર્લ્ડ ચેમ્પિયનશિપની ટ્રાયલમાં નહીં લઈ શકે ભાગ

ભારતીય સ્ટાર મહિલા પહેલવાન વિનેશ ફોગાટના આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં પુનરાગમનના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે 2026ની સીનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે યોજાનારી સિલેક્શન ટ્રાયલમાં ભાગ લેવાની મંજૂરી આપવા અંગે વિનેશે માગેલી વચગાળાની રાહત ફગાવી દીધી છે. આ નિર્ણય બાદ 14 સપ્ટેમ્બરે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં યોજાનારી ટ્રાયલમાં વિનેશ ભાગ લઈ શકશે નહીં. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ગુરુવારે મોડી રાત્રે આ મામલે આદેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) દ્વારા નક્કી કરવામાં આવેલા પાત્રતાના માપદંડમાં કોઈ એક ખેલાડીને વ્યક્તિગત રીતે છૂટ આપી શકાય નહીં. 7 સપ્ટેમ્બર, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા સર્ક્યુલરમાં જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે, તે તમામ ખેલાડીઓ માટે સમાન રીતે લાગુ પડે છે.

વિનેશે કોર્ટમાં સીધી રીતે વર્લ્ડ ચેમ્પિયનશિપની ટીમમાં સ્થાન આપવાની માગ કરી નહોતી. તેમની માગ માત્ર એટલી હતી કે તેમને સિલેક્શન ટ્રાયલમાં ભાગ લેવાની તક આપવામાં આવે અને ત્યાર બાદ પોતાના પ્રદર્શનના આધારે ટીમમાં સ્થાન મેળવવાનો મોકો મળે. WFIના 7 સપ્ટેમ્બરના સર્ક્યુલર મુજબ સીનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની સિલેક્શન ટ્રાયલ માટે છ ઓલિમ્પિક વજન વર્ગમાં ચોક્કસ સ્પર્ધાઓમાં મેડલ જીતનારા ખેલાડીઓ, નેશનલ કોચિંગ કેમ્પનો ભાગ રહેલા કુસ્તીબાજો અને 2026 અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદ થયેલા પહેલવાનોને પાત્ર ગણવામાં આવ્યા છે.

વિનેશનું કહેવું હતું કે જુલાઈ 2025માં માતા બન્યા બાદ તેઓ માતૃત્વ અને ત્યારબાદની રિકવરીના કારણે જરૂરી ક્વોલિફાઈંગ સ્પર્ધાઓમાં ભાગ લઈ શક્યા નહોતા. પરિણામે WFI દ્વારા નક્કી કરાયેલા માપદંડો હેઠળ તેઓ ટ્રાયલ માટે પાત્ર બની શક્યા નથી. વિનેશે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે માતા બન્યા બાદ તેમણે ફરીથી સઘન તાલીમ શરૂ કરી છે અને પોતાની ફિટનેસ તથા ક્ષમતા સાબિત કરવા તૈયાર છે. તેમણે 30 મેના રોજ યોજાયેલા એશિયન ગેમ્સના સિલેક્શન ટ્રાયલ્સનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ટ્રાયલમાં તેમણે 53 કિલોગ્રામ વજન વર્ગમાં ભાગ લીધો હતો અને સેમિફાઇનલ સુધી પહોંચ્યા હતા.

વિનેશની દલીલ હતી કે તેમને સીધી રીતે ટીમમાં પસંદ કરવાની જરૂર નથી, પરંતુ માત્ર ટ્રાયલમાં ઉતરવાની તક આપવામાં આવે તો તેઓ પોતાની ક્ષમતા સાબિત કરી શકે છે. જોકે હાઈકોર્ટે હાલ આ માગ સ્વીકારી નથી. કોર્ટે WFIની નીતિને અંતિમ રીતે યોગ્ય કે ખોટી જાહેર કરી નથી. અદાલતે સ્પષ્ટ કર્યું કે અરજીમાં ઉઠાવવામાં આવેલા નીતિ સંબંધિત મોટા પ્રશ્નો પર હજુ વિગતવાર સુનાવણી થવાની બાકી છે. એટલે આ ચુકાદાને WFIની સમગ્ર પસંદગી નીતિ અંગે અંતિમ નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો નથી. કોર્ટે એ પણ નોંધ્યું કે મહિલા ખેલાડીઓ માટે ગર્ભાવસ્થા, બાળકના જન્મ અને ત્યારબાદની શારીરિક રિકવરી જેવા સંજોગોને પસંદગીની નીતિમાં ધ્યાનમાં લેવાની જરૂરિયાત અંગે મહત્વપૂર્ણ પ્રશ્નો ઊભા થાય છે. જોકે, હાલની સ્થિતિમાં માત્ર વિનેશને જ ટ્રાયલમાં ભાગ લેવાની છૂટ આપવામાં આવે તો સમાન પરિસ્થિતિ ધરાવતા અન્ય ખેલાડીઓ સાથે અસમાનતા ઊભી થઈ શકે છે.

કોર્ટની સામે આ પણ એક મહત્વનો પ્રશ્ન હતો કે જો કોઈ એક ખેલાડીને નિયમોમાંથી વચગાળાની રાહત આપવામાં આવે તો અન્ય એવા ખેલાડીઓ, જેમણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો નથી, તેમની સાથે કેવી રીતે સમાનતા જાળવી શકાય. આ કારણસર અદાલતે હાલ વિનેશને ટ્રાયલમાં ભાગ લેવાની વચગાળાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. વિનેશ ફોગાટની કાનૂની લડાઈ માત્ર 14 સપ્ટેમ્બરની સિલેક્શન ટ્રાયલ સુધી સીમિત નથી. તેમણે મહિલા ખેલાડીઓ માટે મેટરનિટી પોલિસી બનાવવાની પણ માગ કરી છે. તેમનું કહેવું છે કે ગર્ભાવસ્થા અને પ્રસૂતિ બાદ રમતના મેદાનમાં પરત ફરતી મહિલા ખેલાડીઓ માટે પસંદગી પ્રક્રિયામાં યોગ્ય અને પારદર્શક વ્યવસ્થા હોવી જોઈએ.

આ ઉપરાંત વિનેશે WFI દ્વારા મે અને જૂન મહિનામાં આપવામાં આવેલી બે કારણદર્શક નોટિસ અને તેમની સામે શરૂ કરવામાં આવેલી શિસ્તભંગની કાર્યવાહીને પણ પડકારી છે. બીજી તરફ WFIનું કહેવું છે કે વિનેશને સંબંધિત પેનલ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવી હતી. આ મામલો હવે મહિલા ખેલાડીઓના અધિકારો, મેટરનિટી બાદ સ્પોર્ટ્સમાં કમબેક અને પસંદગી પ્રક્રિયામાં સમાનતાના મુદ્દા સાથે પણ જોડાઈ ગયો છે. ખાસ કરીને મહિલા ખેલાડીઓ માટે માતા બન્યા બાદ ફરીથી ઉચ્ચ સ્તરની સ્પર્ધામાં પરત ફરતી વખતે કયા નિયમો લાગુ થવા જોઈએ તે અંગે આ કેસ મહત્વપૂર્ણ બની શકે છે.

2026ની સીનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં 24 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન યોજાવાની છે. દિલ્હી હાઈકોર્ટના હાલના આદેશને કારણે વિનેશ 14 સપ્ટેમ્બરની પસંદગી ટ્રાયલમાં ભાગ લઈ શકશે નહીં અને તેના પરિણામે આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેમની ભાગીદારીનો રસ્તો પણ હાલ બંધ થઈ ગયો છે. જોકે, મહિલા ખેલાડીઓ માટે મેટરનિટી પોલિસી અને WFIની શિસ્તભંગની કાર્યવાહી સામે વિનેશની કાનૂની લડાઈ હજુ ચાલુ રહેશે. આ મામલે આગળની સુનાવણીમાં અદાલત WFIની નીતિ અને મહિલા ખેલાડીઓ માટેની પસંદગી પ્રક્રિયા અંગેના મોટા પ્રશ્નો પર વધુ વિગતવાર વિચાર કરી શકે છે.

Most Popular

To Top