બોલિવૂડ અભિનેત્રી મલ્લિકા શેરાવત ટૂંક સમયમાં રિયાલિટી શો ‘ધ ટ્રેટર્સ 2’માં જોવા મળશે. 13 ઓગસ્ટે શોના પ્રીમિયર પહેલાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં મલ્લિકા હોલિવૂડ અભિનેતા ટોમ ક્રૂઝ સાથેની પોતાની વાતચીત અને તેમના પર આવેલા ક્રશ અંગે વાત કરતી જોવા મળે છે. વીડિયોમાં કોમેડિયન આદિત્ય કુલશ્રેષ્ઠ ઉર્ફે કુલ્લુ મલ્લિકા શેરાવતને પૂછે છે કે શું તેમને ક્યારેય કોઈ વ્યક્તિ પર ક્રશ થયો છે કે પછી હંમેશા લોકો જ તેમના પર ફિદા થાય છે.
‘આજકાલ ટોમ ક્રૂઝને મારા પર ક્રશ છે’
આ સવાલના જવાબમાં મલ્લિકા શેરાવતે કહ્યું કે બધાને તેમના પર જ ક્રશ થાય છે અને હાલ ટોમ ક્રૂઝને પણ તેમના પર ક્રશ છે. તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું કે જો તેમની પાસે ફોન હોત તો તેઓ ટોમ ક્રૂઝ સાથે જોડાયેલા વીડિયો બતાવી શકત. ત્યારબાદ કુલ્લુ અને અભિષેક મલ્હાને મલ્લિકાને પૂછ્યું કે ટોમ ક્રૂઝ તેમને કેવા વીડિયો મોકલે છે અને શું તેમાં તસવીરો હોય છે.
મલ્લિકા શેરાવતે જવાબ આપ્યો કે આ વીડિયો નહીં, પરંતુ જ્યારે તેઓ બંને સાથે પાર્ટી કરી રહ્યા હતા ત્યારે લેવામાં આવેલી તસવીરો છે અને તે ખૂબ જ શાનદાર છે.
સોશિયલ મીડિયા પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયા
મલ્લિકા શેરાવતનો આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક યુઝર્સે તેમની વાતને મજાક ગણાવી છે, જ્યારે કેટલાક લોકોએ મલ્લિકા સાચું બોલી રહ્યા હોવાની શક્યતા વ્યક્ત કરી છે.
એક યુઝરે લખ્યું કે વાત સાંભળવામાં મજાક જેવી લાગે છે, પરંતુ મલ્લિકા કદાચ સાચું કહી રહી છે. અન્ય એક યુઝરે હસતાં પ્રતિક્રિયા આપી હતી. એક યુઝરે તો મલ્લિકાની સરખામણી ઉર્વશી રૌતેલા સાથે પણ કરી હતી.
શરૂઆતમાં રિયાલિટી શો કરવા તૈયાર નહોતાં
મલ્લિકા શેરાવતે અગાઉ ટાઈમ્સ એન્ટરટેઈનમેન્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં તેઓ ‘ધ ટ્રેટર્સ’નો ભાગ બનવા માટે તૈયાર નહોતાં. તેમણે કહ્યું હતું કે તેઓ કોઈ રિયાલિટી શો કરવા માંગતા નહોતાં અને અભિનેત્રી તરીકે તેમને તેમાં ખાસ રસ પણ નહોતો. જોકે, તેમની મેનેજર અંકિતા એન્થનીએ તેમને પહેલા શોની પહેલી સીઝન જોવા માટે સમજાવ્યા હતા. પહેલી સીઝન જોયા બાદ મલ્લિકા શેરાવતને શો પસંદ આવ્યો અને ત્યારબાદ તેમણે તેમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો.
શું છે ‘ધ ટ્રેટર્સ’ની રમત?
‘ધ ટ્રેટર્સ’માં તમામ સ્પર્ધકો એક જ જગ્યાએ રહે છે, પરંતુ તેમને ગુપ્ત રીતે 2 જૂથમાં વહેંચવામાં આવે છે. એક જૂથ ટ્રેટર્સનું અને બીજું ઈનોસન્ટ ખેલાડીઓનું હોય છે. ટ્રેટર્સનું કામ પોતાની ઓળખ છુપાવીને અન્ય ખેલાડીઓને રમતમાંથી બહાર કરવાનો હોય છે. બીજી તરફ ઈનોસન્ટ ખેલાડીઓ ચર્ચા, વ્યૂહરચના અને ગઠબંધન દ્વારા ટ્રેટર્સને ઓળખવાનો પ્રયાસ કરે છે. આ રમતમાં વિશ્વાસ, છેતરપિંડી, દિમાગી રમત અને વ્યૂહરચના મહત્વની ભૂમિકા ભજવે છે. શોની પહેલી સીઝનના વિજેતા ઉર્ફી જાવેદ અને નિકિતા લૂથર રહ્યા હતા.
21 સ્પર્ધકો સાથે પરત ફરી રહી છે બીજી સીઝન
કરણ જોહરની હોસ્ટિંગમાં ‘ધ ટ્રેટર્સ 2’ શો વધુ મોટા સ્તરે પરત ફરી રહ્યો છે. આ સીઝનમાં કુલ 21 સ્પર્ધકો જોવા મળશે. શોમાં સ્પર્ધકો વચ્ચે મિત્રતા, ગઠબંધન, વ્યૂહરચના અને એકબીજા પર વિશ્વાસ-અવિશ્વાસની રમત જોવા મળશે.
‘ધ ટ્રેટર્સ 2’માં કોણ-કોણ જોવા મળશે?
શોના કન્ફર્મ સ્પર્ધકોમાં મલ્લિકા શેરાવત, મુનવ્વર ફારૂકી, શ્વેતા તિવારી, રિયા ચક્રવર્તી, અભિષેક મલ્હાન, ક્રિસ્ટલ ડિસૂઝા, પારુલ ગુલાટી, દિલીપ તાહિલ, શાહનીલ ગિલ, શાલિની પાસી, રણવીર બરાડ, આદિત્ય કુલશ્રેષ્ઠ, હરમન બાવેજા, પ્રિશ, રિદા થારાના, સૌંદસ મૌફાકિર અને રેપર ઈક્કાનો સમાવેશ થાય છે. ‘ધ ટ્રેટર્સ 2’નો પ્રીમિયર 13 ઓગસ્ટે પ્રાઇમ વીડિયો પર થશે.