Business

‘મેક ઇન ઇન્ડિયા’ને વેગ આપશે નવું ટેક્સ બિલ, ઈલેક્ટ્રોનિક્સ, ડેટા સેન્ટર અને ડાયમંડ સેક્ટરને લાભ

કેન્દ્ર સરકારે દેશમાં રોકાણ વધારવા, ઉત્પાદન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા અને ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ તેમજ ડેટા હબ તરીકે વિકસાવવાના હેતુથી ‘ધ ટેક્સેશન એન્ડ અધર લૉઝ સુધારા બિલ, 2026’ લોકસભામાં રજૂ કર્યું છે. સરકારના જણાવ્યા મુજબ આ બિલનો મુખ્ય ઉદ્દેશ ટેક્સ નિયમોને વધુ સરળ, પારદર્શક અને રોકાણકારોને અનુકૂળ બનાવવાનો છે. નવા સુધારાઓથી ઇલેક્ટ્રોનિક્સ, ડેટા સેન્ટર, ડાયમંડ ટ્રેડ, ફંડ મેનેજમેન્ટ અને બિઝનેસ ટ્રસ્ટ જેવા અનેક ક્ષેત્રોને સીધો લાભ મળવાની અપેક્ષા છે.

સરકારે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. અત્યાર સુધી વિદેશી કંપનીઓને કસ્ટમ બોન્ડેડ વેરહાઉસમાં ઇલેક્ટ્રોનિક્સના પાર્ટ્સ રાખવા બદલ 2 ટકા પ્રેઝમ્પ્ટિવ ટેક્સ ચૂકવવો પડતો હતો. આ નિયમને કારણે ઘણી વખત ટેક્સ સંબંધિત વિવાદો ઉભા થતા હતા. નવા બિલમાં આ 2 ટકાનો ટેક્સ સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવ્યો છે. હવે આ પ્રકારની પ્રવૃત્તિને આગામી 15 વર્ષ સુધી ટેક્સમાંથી છૂટ આપવામાં આવશે. સરકારનું માનવું છે કે આ પગલાથી ભારત મોબાઇલ, લેપટોપ અને સર્વર મેન્યુફેક્ચરિંગમાં વૈશ્વિક કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનશે.

આ ઉપરાંત, ભારતીય કંપનીઓને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટે મશીનરી ઉપલબ્ધ કરાવતી વિદેશી કંપનીઓને મળતી ટેક્સ છૂટની મુદત પણ વધારવામાં આવી છે. અગાઉ આ છૂટ 5 વર્ષ માટે હતી, જેને હવે વધારીને 15 વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 2040-41 સુધી કરવામાં આવી છે. તેનાથી વિદેશી રોકાણ વધશે અને નવી ટેકનોલોજી ભારતમાં આવવાની સંભાવના વધી શકે છે.

રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REITs) અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (InvITs)માં રોકાણ કરનારા નાના રોકાણકારોને પણ આ બિલમાં રાહત આપવામાં આવી છે. અગાઉ કેટલીક પરિસ્થિતિમાં રોકાણકારોને મળતું ડિવિડન્ડ ટેક્સ-ફ્રી રહેતું નહોતું. હવે નવા સુધારા બાદ યુનિટ ધારકોને મળતું ડિવિડન્ડ ફરીથી ટેક્સ મુક્ત કરવામાં આવશે. સરકારના જણાવ્યા મુજબ આ ફેરફારનો લાભ સીધો નાના રોકાણકારોને મળશે.

ડેટા સેન્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પણ નિયમોમાં સરળતા લાવવામાં આવી છે. હવે વિદેશી ક્લાઉડ કંપનીઓ અને ભારતીય ડેટા સેન્ટર ઓપરેટરોને અલગ-અલગ સરકારી મંજૂરી લેવાની જરૂર રહેશે નહીં. સાથે જ ભારતીય કંપનીઓ લીઝ પર લેવામાં આવેલી જમીન અથવા બિલ્ડિંગમાં પણ ડેટા સેન્ટર શરૂ કરી શકશે. સરકારનું માનવું છે કે આથી ભારતમાં મોટા પાયે AI Data Cities વિકસાવવાનું સરળ બનશે અને વૈશ્વિક ટેક કંપનીઓ વધુ રોકાણ કરશે.

સુરત અને મુંબઈના ડાયમંડ ઉદ્યોગને પણ નવા બિલથી મોટો લાભ મળવાની શક્યતા છે. સ્પેશિયલ નોટિફાઇડ ઝોન (SNZ)માં કાચા હીરાના પ્રદર્શન ઉપરાંત તેની ખરીદી અને વેચાણને પણ આગામી 15 વર્ષ સુધી ટેક્સમાંથી છૂટ આપવામાં આવશે. આ લાભ માત્ર વિદેશી માઇનિંગ કંપનીઓને જ નહીં, પરંતુ બ્રોકર્સ, સાઇટ હોલ્ડર્સ, એગ્રીગેટર્સ અને ઓક્શન હાઉસ જેવી સંસ્થાઓને પણ મળશે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી વૈશ્વિક હીરા વેપારમાં ભારતની ભાગીદારી વધુ મજબૂત બનશે અને સુરત તથા મુંબઈ આંતરરાષ્ટ્રીય ડાયમંડ ટ્રેડ હબ તરીકે વિકસશે.

વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા માટે ફંડ મેનેજમેન્ટ ક્ષેત્રમાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. અત્યાર સુધી વિદેશી ફંડ્સ માટે અનેક ટેક્સ સંબંધિત શરતો હોવાને કારણે ઘણા ફંડ મેનેજર્સ ભારતમાં કામગીરી શરૂ કરવામાં સંકોચ અનુભવતા હતા. હવે આવી શરતોની સંખ્યા 13માંથી ઘટાડીને માત્ર 5 કરવામાં આવી છે. આ ઉપરાંત કાગળિયાની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી છે, જેથી વિદેશી ફંડ મેનેજર્સ ગિફ્ટ સિટી અથવા ભારતના અન્ય શહેરોમાંથી સરળતાથી પોતાની કામગીરી ચલાવી શકે. સરકારનું માનવું છે કે આ તમામ સુધારાઓથી દેશમાં વૈદેશિક મૂડીરોકાણ વધશે, રોજગારીની નવી તકો ઉભી થશે, ઉત્પાદન ક્ષેત્રને વેગ મળશે અને ભારત વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ, ડેટા અને રોકાણ કેન્દ્ર તરીકે વધુ મજબૂત સ્થાન મેળવશે.

Most Popular

To Top