વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના જિદ્દી અને મક્કમ સ્વભાવ માટે જાણીતા છે. ગુજરાતનાં મુસ્લિમ–વિરોધી રમખાણો હોય કે દિલ્હીમાં ચાલેલું સુદીર્ઘ કિસાન આંદોલન હોય, તેઓ પોતાના રાજકીય વિરોધીઓ સામે ક્યારેય ઝૂક્યા નથી. જંતર–મંતર પર જ્યારે વિદ્યાર્થીઓનું આંદોલન શરૂ થયું ત્યારે શરૂઆતમાં મોદીએ તેની ઉપેક્ષા જ કરી હતી. તેમને લાગતું હતું કે સોનમ વાંગચુક પોતાના અનશન પૂર્ણ કરશે, ત્યારબાદ વિદ્યાર્થીઓ કંટાળીને પોતાનું આંદોલન સમેટી લેશે. પરંતુ સોનમ વાંગચુકના પારણા પછી આંદોલન વધુ ઉગ્ર બન્યું, જેની કલ્પના કોઈએ કરી નહોતી.
૨૦ જુલાઈના રોજ જંતર–મંતર પર લાઠીચાર્જ કરાવવા પાછળનો ઇરાદો વિદ્યાર્થીઓને ડરાવીને આંદોલન તોડી પાડવાનો હતો, પરંતુ તે પગલું બૂમરેંગ સાબિત થયું. જે વિદ્યાર્થી આંદોલનની શરૂઆતમાં જનતા દ્વારા ઉપેક્ષિત રહ્યું હતું, તેને અચાનક સહાનુભૂતિનો લાભ મળ્યો અને જંતર–મંતર પર હજારોની સંખ્યામાં યુવાનોનાં ટોળાં ઉમટવા લાગ્યાં. જે જન–ઝી જંતર–મંતર પર પહોંચી શકી નહોતી, તેણે સોશિયલ મીડિયામાં પ્રચારનો એવો મારો ચલાવ્યો કે મોદી પણ તેનાથી હચમચી ગયા. યુવાનોના રોષને શાંત પાડવા મોદી મધરાતે ઇન્સ્ટાગ્રામ પર આવ્યા હતા અને ‘ફ્રેન્ડ્સ’ કહીને યુવાનોનું દિલ જીતવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ પ્રયાસ નિષ્ફળ રહ્યો, કારણ કે યુવાનો દ્વારા તેમની ફ્રેન્ડ રિક્વેસ્ટને નકારી દેવામાં આવી હતી અને તેમની ઇન્સ્ટાગ્રામ રીલની સોશિયલ મીડિયામાં મજાક ઉડાવવામાં આવી હતી. બીજી તરફ સમગ્ર સોશિયલ મીડિયામાં મોદી સરકાર વિરુદ્ધનો પ્રચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયો હતો. શનિ–રવિની રજાના દિવસો હોવાથી જંતર–મંતર પર લાખો યુવાનો ભેગા થાય અને સોમવારે સંસદ તરફ કૂચ કરે તેવી આશંકા ઊભી થઈ હતી. આ ભયને ટાળવા મોદી પોતાના રાજકીય જીવનમાં પહેલી વાર ઝૂક્યા હોવાનું કહેવાય છે અને તેમણે ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવાની ફરજ પાડી હતી. મોદીની આ પીછેહઠથી ઉત્સાહિત બનેલા યુવાનોએ જંતર–મંતર પર તેની ભવ્ય ઉજવણી કરી હતી. હવે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે લોહી ચાખેલા વાઘની જેમ યુવાનો ભવિષ્યમાં જે કોઈ માગણી કરશે, તેને સ્વીકારવાની સરકાર પર ફરજ પડશે. જન–ઝીએ પુરવાર કર્યું છે કે પ્રચાર માધ્યમોના અસરકારક ઉપયોગથી સરકારને પણ ઝૂકાવી શકાય છે. લગભગ એક મહિના પહેલાં શરૂ થયેલું આ આંદોલન ૨૦ જુલાઈના રોજ હિંસક બન્યું, જ્યારે પોલીસે વિદ્યાર્થીઓને સંસદ તરફ કૂચ કરતાં અટકાવવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો. નિઃશસ્ત્ર વિદ્યાર્થીઓ પર પેલેટ ગનના ઉપયોગથી સંવેદનશીલ નાગરિકો હચમચી ઊઠ્યા હતા. આ હિંસાના દૃશ્યો ઝડપથી સોશિયલ મીડિયા અને ન્યૂઝ મીડિયામાં ફેલાઈ ગયા. પરિણામે વિદ્યાર્થીઓ પ્રત્યે વ્યાપક જાહેર સહાનુભૂતિનો માહોલ સર્જાયો. ઘણા બોલિવૂડ કલાકારોએ પણ વિદ્યાર્થીઓને પોતાનો ટેકો જાહેર કર્યો, જ્યારે પોલીસ કાર્યવાહીની વ્યાપક ટીકા થઈ. વિદ્યાર્થીઓના સમર્થનમાં વિપક્ષી સાંસદો પણ આગળ આવ્યા. તેમણે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ પાડ્યો. અઠવાડિયાના અંત સુધીમાં આ વિરોધ પટના, મુંબઈ અને કોલકાતા સહિત દેશના અનેક મોટા શહેરોમાં ફેલાઈ ગયો હતો, જેમાં હજારો યુવાનો રસ્તા પર ઊતરી આવ્યા હતા. કહેવાય છે કે મોદી શિક્ષણ મંત્રીનું રાજીનામું ન લેવાના મુદ્દે મક્કમ હતા, પરંતુ આર.એસ.એસ.નો આદેશ મળતાં તેમને પોતાની જિદ્દ છોડવાની ફરજ પડી હતી.
જંતર–મંતરની આ હારને વડા પ્રધાન મોદી અને ભારતીય જનતા પાર્ટીના રાજકીય સ્થાન માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. બાહ્ય દબાણ હેઠળ કોઈ મંત્રી રાજીનામું આપે, તે મોદીની રાજકીય કાર્યશૈલી સાથે સુસંગત માનવામાં આવતું નથી. ભાજપ ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશમાં મહત્ત્વપૂર્ણ ચૂંટણીઓનો સામનો કરશે, જ્યાં યુવાનોની રોજગારીનો મુદ્દો મોટી સંખ્યામાં યુવા મતદારો માટે ચિંતાનો વિષય છે. આવતાં વર્ષે ગુજરાત, પંજાબ અને ઉત્તરાખંડમાં પણ ચૂંટણીઓ યોજાવાની છે.
શનિવારે જ્યારે શિક્ષણ મંત્રીના રાજીનામાના સમાચાર જંતર–મંતર પહોંચ્યા, ત્યારે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. કોક્રોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસે કહ્યું કે દેશના યુવાનો જાગી ગયા છે અને તેઓ પરિવર્તન માટે લડતા રહેશે. વિશ્લેષકોના મતે, મોદી માટે વધુ ચિંતાજનક બાબત એ છે કે વિરોધીઓનો ગુસ્સો હવે માત્ર પેપર લીકના મુદ્દા પૂરતો મર્યાદિત રહ્યો નથી. આ ચળવળ જન–ઝીમાં વ્યાપક અસંતોષને પ્રતિબિંબિત કરે છે, જેમાં વધતી જતી બેરોજગારી અને દેશની ૩૭ કરોડ યુવા વસ્તી માટે સારા પગારવાળી નોકરીઓનો અભાવ પણ સામેલ છે.
યેલ યુનિવર્સિટીમાં દક્ષિણ એશિયન અભ્યાસના પ્રોફેસર સુશાંત સિંહે ફાઇનાન્સિયલ ટાઇમ્સને જણાવ્યું હતું કે મોદી હવે આ વિરોધ પ્રદર્શનોનું મુખ્ય લક્ષ્ય બની ગયા છે. આ ભીડમાં મોટી સંખ્યામાં એવા લોકો પણ હતા, જેમણે મોદીને મત આપ્યો હતો. મોદીએ તેમને અનેક વચનો આપ્યાં હતાં. હવે તેમને લાગે છે કે મોદીએ તેમનો વિશ્વાસ તોડ્યો છે અને પોતાનાં વચનો પૂરાં કર્યા નથી. અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા કરાયેલા એક અભ્યાસ મુજબ ૧૫થી ૨૫ વર્ષની વયના લગભગ ૪૦ ટકા સ્નાતકો બેરોજગાર છે. જે લોકો નોકરી કરે છે, તેમાંથી પણ માત્ર થોડા જ યુવાનો નિયમિત નોકરી ધરાવે છે અને તેનાથી પણ ઓછા લોકોને સામાજિક સુરક્ષા જેવા લાભો મળે છે.
રાજકીય સમીક્ષક નીલાંજન મુખોપાધ્યાય કહે છે કે ભાજપને હજુ સુધી યુવાનો સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે સમજાયું નથી. આ પેઢી હવે ભાજપને કઠિન પ્રશ્નો પૂછી રહી છે અને ડરવાનો સ્પષ્ટ ઇનકાર કરી રહી છે. પહેલી વાર ૧૬, ૧૭, ૧૮ અને ૧૯ વર્ષના યુવાનોમાં વડા પ્રધાન, વરિષ્ઠ પ્રધાનો અને સરકાર પ્રત્યે આટલો તીવ્ર ગુસ્સો જોવા મળ્યો છે. તેમનામાં રહેલો ડર દૂર થઈ ગયો છે અને તેઓ સોશિયલ મીડિયામાં ખુલ્લેઆમ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. મારા મત મુજબ, અગાઉ કોઈ ભારતીય વડા પ્રધાન સામે આટલો વ્યાપક જાહેર ગુસ્સો જોવા મળ્યો નથી.કટોકટી બાદ ઇન્દિરા ગાંધીની ટીકા અને મજાક થઈ હતી, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી નહોતી. યુવાનો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા કે, “જ્યારે પણ મોદી ડરે છે, ત્યારે તેઓ હિન્દુ–મુસ્લિમનો મુદ્દો આગળ ધપાવે છે.” મેં આ દૃશ્ય પહેલી વાર જોયું. યુવાનો તરફથી આ પડકાર હોવા છતાં, શું આપણે એમ માની લઈએ કે મોદી રાજકીય રીતે નબળા પડી રહ્યા છે? બે મહિના પહેલાં જ ભારતના ચોથા સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય પશ્ચિમ બંગાળમાં ભાજપે પહેલી વાર જીત મેળવી હતી.
આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૯માં યોજાવાની હોવાથી મોદી પાસે યુવાનોના ગુસ્સાને શાંત કરવા માટે હજુ પૂરતો સમય છે અને ત્યારબાદ ફરી એક વખત મતદારો સમક્ષ જવાની તક પણ છે. નીલાંજન મુખોપાધ્યાયના મતે સમય તો છે, પરંતુ સરકાર હજુ પણ આ મુદ્દે પૂરતી ગંભીર જણાતી નથી. મોદીએ ધર્મેન્દ્ર પ્રધાનના સ્થાને શિક્ષણ મંત્રી તરીકે જે વ્યક્તિની નિમણૂક કરી છે, તે સરકારની ગંભીરતા પ્રતિબિંબિત કરતી નથી. શિક્ષણ સચિવ તરીકે નિયુક્ત કરાયેલા અધિકારીની પસંદગી પણ એ જ સંદેશ આપે છે. બંને સામે અનેક ગંભીર આરોપો હોવાનું કહેવાય છે.
યેલ યુનિવર્સિટીના સુશાંત સિંહના જણાવ્યા મુજબ ભારતના આર્થિક મોડેલ વિશે અનેક પ્રશ્નો ઊભા થયા છે, જેના જવાબ આપવાની જરૂર છે. ઉચ્ચ આર્થિક વૃદ્ધિના આંકડાઓ છતાં ભારત હજુ સુધી જરૂરી રોજગારીની તકો, સામાજિક પ્રગતિ અને વ્યાપક આર્થિક વિકાસ સુનિશ્ચિત કરી શક્યું નથી. આ આંદોલન ભારતની શિક્ષણ પ્રણાલીની સ્થિતિ પ્રત્યે વધતા અસંતોષને સ્પષ્ટ રીતે ઉજાગર કરે છે. જ્યારે અંદાજે ૭ ટકાના આર્થિક વિકાસ દરે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવ્યું છે, ત્યારે દેશ હજુ પણ દર વર્ષે કાર્યબળમાં જોડાતા લાખો સ્નાતકો માટે પૂરતી રોજગારી ઊભી કરવામાં સંઘર્ષ કરી રહ્યો છે.
મદ્રાસ યુનિવર્સિટીના રાજકારણ અને જાહેર વહીવટ વિભાગના ભૂતપૂર્વ વડા તથા રાજકીય સમીક્ષક રામુ મણિવન્નને જણાવ્યું હતું કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે વિપક્ષી પક્ષો રસ્તાઓ પર દેખાતા આ અસંતોષને ચૂંટણીમાં વિજયમાં ફેરવી શકશે કે નહીં. તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં, ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ભાજપના જંગી વિજય પરથી સ્પષ્ટ થાય છે કે શાસક ભારતીય જનતા પાર્ટી હજુ પણ વિપક્ષની સરખામણીએ મજબૂત સ્થિતિમાં છે. તેમ છતાં, વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અને તેમની સામે થયેલી પોલીસ કાર્યવાહીએ સરકારની છબીને નુકસાન પહોંચાડ્યું છે. મણિવન્નનના મતે નરેન્દ્ર મોદી રાજકીય રીતે વધુ એકલવાયા બન્યા છે અને હાલમાં અત્યંત રક્ષણાત્મક સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.