National

21 વર્ષ બાદ પણ મુંબઈ ભૂલ્યું નથી એ દિવસ! 26 જુલાઈની એ કાળી રાત, જ્યારે મુંબઈ વરસાદમાં નહીં, વિનાશમાં ડૂબી ગયું હતું

26 જુલાઈ… આ તારીખ સાંભળતા જ આજે પણ મુંબઈગરાઓના રૂંવાડા ઉભા થઈ જાય છે. વર્ષો વીતી ગયા હોવા છતાં 26 જુલાઈ, 2005નો એ કાળો દિવસ આજે પણ લોકોના મનમાંથી ભૂંસાયો નથી. એ દિવસે એવું લાગતું હતું કે જાણે આકાશમાંથી માત્ર વરસાદ નહીં, પરંતુ વિનાશ વરસી રહ્યો હોય. માત્ર થોડા કલાકોમાં પડેલા રેકોર્ડબ્રેક વરસાદે દેશની આર્થિક રાજધાની મુંબઈને સંપૂર્ણપણે ઠપ કરી દીધી હતી. રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હતા, ટ્રેનો બંધ થઈ ગઈ હતી, એરપોર્ટ પર પાણી ફરી વળ્યા હતા અને લાખો લોકો કલાકો સુધી જ્યાં હતા ત્યાં જ ફસાઈ ગયા હતા.

26 જુલાઈની સવાર સામાન્ય દિવસ જેવી જ હતી. મુંબઈમાં ચોમાસાના દિવસોમાં જેવો હળવો વરસાદ પડતો હોય છે, એવો વરસાદ સવારથી ચાલુ હતો. રોજની જેમ લાખો લોકો બસ, લોકલ ટ્રેન અને પોતાના વાહનોમાં ઓફિસ, સ્કૂલ અને કોલેજ માટે નીકળી ગયા હતા. કોઈને પણ અંદાજ નહોતો કે થોડા કલાકોમાં આખું શહેર એક ભયાનક આપત્તિનો સામનો કરશે. બપોરે લગભગ 2 વાગ્યા પછી વરસાદે અચાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ધોધમાર વરસાદ સતત વરસતો રહ્યો અને માત્ર 24 કલાકમાં મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં આશરે 944 મિમી વરસાદ નોંધાયો. આ માત્ર મુંબઈ જ નહીં, પરંતુ ભારતના ઈતિહાસમાં નોંધાયેલા સૌથી વધુ એક દિવસના વરસાદના આંકડાઓમાંનો એક હતો. સામાન્ય રીતે 150 મિમી વરસાદથી મુશ્કેલીઓ ઊભી થતી મુંબઈ માટે 944 મિમી વરસાદ વિનાશ સમાન સાબિત થયો.

આશ્ચર્યજનક વાત એ હતી કે તે સમયે હવામાન વિભાગે આવા અતિભારે વરસાદની કોઈ આગાહી કે ચેતવણી જાહેર કરી નહોતી. જેના કારણે લોકો સંપૂર્ણપણે બેફિકર હતા. બીજી તરફ, શહેરની ડ્રેનેજ વ્યવસ્થા પણ વરસાદનો સામનો કરવા માટે તૈયાર નહોતી. બીએમસી દ્વારા ગટર સફાઈ કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ હકીકતમાં વરસાદ પડતાં જ ગટરો ઉભરાઈ ગઈ હતી. પાણીના નિકાલની વ્યવસ્થા ખોરવાઈ જતાં થોડા જ કલાકોમાં રસ્તાઓ પર 10થી 15 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા.

પૂરની સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે હજારો કાર, બસ અને અન્ય વાહનો રસ્તા વચ્ચે જ બંધ પડી ગયા હતા. ઘણા લોકો પોતાના વાહનોમાં જ કલાકો સુધી ફસાયેલા રહ્યા. અનેક સ્થળોએ લોકો કારમાંથી બહાર પણ નીકળી શક્યા નહોતા. બીજા દિવસે પાણી ઓસર્યા બાદ અનેક કારોમાંથી મૃતદેહો મળી આવ્યા હતા. ઓટો-લોક સિસ્ટમને કારણે ઘણા લોકો કારના દરવાજા ખોલી બહાર આવી શક્યા નહોતા અને પાણી ભરાઈ જવાથી તેમનું મોત નીપજ્યું હતું.

મુંબઈની ઓળખ સમાન લોકલ ટ્રેન સેવા પણ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. પશ્ચિમ અને મધ્ય રેલ્વેના મોટા ભાગના ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. હજારો મુસાફરો ટ્રેનોમાં જ ફસાઈ ગયા હતા. 26 જુલાઈથી 28 જુલાઈ સુધી લોકલ ટ્રેન સેવા લગભગ સંપૂર્ણપણે બંધ રહી હતી. અનેક લોકોએ પોતાના ઘર સુધી પહોંચવા માટે 20થી 30 કિલોમીટર સુધી પગપાળા ચાલવું પડ્યું હતું. મુંબઈ એરપોર્ટ પણ આ આપત્તિથી બચી શક્યું નહોતું. એરપોર્ટના રનવે પર પાણી ભરાઈ જતાં લગભગ 30 કલાક સુધી તમામ ફ્લાઇટ કામગીરી બંધ રાખવી પડી હતી. મુંબઈના ઈતિહાસમાં કદાચ આ પહેલી એવી ઘટના હતી જ્યારે ભારે વરસાદના કારણે એરપોર્ટ સંપૂર્ણપણે બંધ કરવું પડ્યું હતું.

પૂરની સૌથી વધુ અસર કુર્લા, કલિના, સાયન, ધારાવી, બાંદ્રા, અંધેરી, અસલ્ફા, જરીમારી, ગોરેગાંવ, માલાડ અને મીઠી નદીના કિનારાના વિસ્તારોમાં જોવા મળી હતી. મીઠી નદીમાં આવેલા પૂર અને તેની આસપાસના અતિક્રમણને કારણે પાણી ઝડપથી શહેરમાં ફરી વળ્યું હતું. અસલ્ફા વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટનામાં અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં હજારો પરિવારો બેઘર બન્યા હતા.

સત્તાવાર આંકડા મુજબ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં એક હજારથી વધુ લોકોના મોત થયા હતા. માત્ર મુંબઈ શહેર અને ઉપનગરોમાં જ સેંકડો લોકોએ જીવ ગુમાવ્યો હતો. કેટલાક લોકો પૂરના પાણીમાં તણાઈ ગયા, કેટલાકના મોત વીજ કરંટ લાગવાથી થયા, જ્યારે દિવાલ ધરાશાયી થવી અને ભૂસ્ખલન જેવી ઘટનાઓમાં પણ અનેક લોકો જીવ ગુમાવી બેઠા. આ ભયાનક આપત્તિ વચ્ચે મુંબઈની માનવતા પણ જોવા મળી હતી. હજારો લોકોએ અજાણ્યા લોકોને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો. મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારા અને સામાજિક સંસ્થાઓએ ભોજન, પાણી અને રહેવાની વ્યવસ્થા કરી હતી. સામાન્ય નાગરિકો રસ્તાઓ પર ઊભા રહી લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં મદદ કરી રહ્યા હતા. અનેક સ્વયંસેવકોએ દિવસ-રાત બચાવ કામગીરીમાં ભાગ લીધો હતો.

આ દુર્ઘટનાએ મુંબઈના વિકાસ મોડલ, ડ્રેનેજ સિસ્ટમ અને આપત્તિ વ્યવસ્થાપન સામે ગંભીર સવાલો ઊભા કર્યા હતા. ત્યારબાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી, ડ્રેનેજ સિસ્ટમમાં સુધારા કરવામાં આવ્યા અને હવામાનની આગાહી તથા આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો શરૂ થયા. જોકે દર વર્ષે ચોમાસામાં જ્યારે મુંબઈમાં ભારે વરસાદ પડે છે ત્યારે 26 જુલાઈ 2005ની યાદો ફરી તાજી થઈ જાય છે. 21 વર્ષ વીતી ગયા હોવા છતાં મુંબઈ માટે 26 જુલાઈ માત્ર કેલેન્ડરની એક તારીખ નથી. આ દિવસ હજારો પરિવારોના દુઃખ, સંઘર્ષ અને અસંખ્ય લોકોની બહાદુરીની યાદ અપાવે છે. આ દિવસ એ પણ શીખવે છે કે કુદરતી આપત્તિ સામે માત્ર આધુનિક શહેર હોવું પૂરતું નથી, પરંતુ મજબૂત આયોજન, અસરકારક વ્યવસ્થા અને સમયસર ચેતવણી પણ એટલી જ જરૂરી છે.

Most Popular

To Top