National

કારગિલ વિજય દિવસ: 18 હજાર ફૂટની ઊંચાઈએ લખાયેલી ભારતીય સેનાના પરાક્રમની 84 દિવસની અમર ગાથા

ભારતીય ઇતિહાસમાં 26 જુલાઈનો દિવસ સેનાના અદમ્ય સાહસ, શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનના પ્રતિક તરીકે નોંધાયેલો છે. 1999ના કારગિલ યુદ્ધને આજે 27 વર્ષ પૂરા થયા છે. માઈનસ 30 થી 40 ડિગ્રી સેલ્સિયસ જેવા વિષમ તાપમાન અને 18 હજાર ફૂટની ઊંચાઈ પર લડાયેલા આ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરોને ખદેડીને ભારતનો તિરંગો લહેરાવ્યો હતો.

શિયાળાની તક ઝડપી પાકિસ્તાને કરી હતી ઘૂસણખોરી

કારગિલ અને દ્રાસ જેવા વિસ્તારોમાં શિયાળા દરમિયાન અતિશય બરફવર્ષા અને હાડ થીજવતી ઠંડીને કારણે ભારતીય ચોકીઓ ખાલી કરવામાં આવતી હતી. પાકિસ્તાની સેનાએ આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને આતંકવાદીઓના વેશમાં ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી હતી. તેમનો મુખ્ય હેતુ લેહ-શ્રીનગર હાઇવે પર કબજો કરીને લેહને ભારતથી અલગ કરવાનો હતો.

84 દિવસ ચાલેલા યુદ્ધની સમયરેખા

આ યુદ્ધની શરૂઆતથી લઈને ભારતની ભવ્ય જીત સુધીના 84 દિવસનો ઘટનાક્રમ:

3 મે, 1999: સ્થાનિક લોકો દ્વારા ભારતીય સેનાને સૌથી પહેલા ઘૂસણખોરીની જાણકારી મળી.

5 મે, 1999: સેનાની પેટ્રોલિંગ પાર્ટી તપાસ માટે પહોંચી ત્યારે ઘૂસણખોરોએ 5 ભારતીય જવાનોની બર્બરતાપૂર્વક હત્યા કરી.

9 મે, 1999: કારગિલ જીલ્લામાં ભારતીય સેનાનો ગોળા-બારૂદ ડેપો ઉડાવી દેવાયો.

10 મે, 1999: દ્રાસ, કાકસર અને બટાલિક સેક્ટરમાં 600 થી 800 જેટલા ઘૂસણખોરો હોવાનું સામે આવ્યું.

26 મે, 1999: ભારતીય વાયુસેનાએ હવાઈ હુમલા શરૂ કર્યા.

27 મે, 1999: પાકિસ્તાને ભારતનું ફાઇટર પ્લેન તોડી પાડ્યું. ફ્લાઇટ લેફ્ટનન્ટ કે. નચિકેતાને યુદ્ધબંધી બનાવાયા અને સ્ક્વોડ્રન લીડર અજય અહૂજા શહીદ થયા.

31 મે, 1999: વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કાશ્મીરમાં યુદ્ધ જેવી સ્થિતિની જાહેરાત કરી.

4 જુલાઈ, 1999: 11 કલાકની સતત લડાઈ બાદ ભારતીય સેનાએ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની ટાઇગર હિલ્સ પર તિરંગો લહેરાવ્યો.

5 જુલાઈ, 1999: ભારતીય સેનાએ દ્રાસ સેક્ટર પર સંપૂર્ણ કબજો મેળવ્યો.

7 જુલાઈ, 1999: બટાલિક સેક્ટરની ઝુબર પહાડી પર પુનઃ કબજો મેળવાયો. આ ઓપરેશન દરમિયાન કેપ્ટન વિક્રમ બત્રા શહીદ થયા.

11 જુલાઈ, 1999: બટાલિક સેક્ટરની લગભગ તમામ પહાડીઓ ભારતીય સેનાએ પરત મેળવી લીધી.

12 જુલાઈ, 1999: હાર માની ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે શાંતિ વાટાઘાટોની રજૂઆત કરી.

14 જુલાઈ, 1999: ભારતીય સેનાએ તમામ પાકિસ્તાની ઘૂસણખોરોને ભારતીય સીમામાંથી સંપૂર્ણપણે ખદેડી મૂક્યા.

26 જુલાઈ, 1999: ભારતે સત્તાવાર રીતે કારગિલ યુદ્ધમાં વિજયની જાહેરાત કરી.

Most Popular

To Top