Limkheda

અમદાવાદ-ઇન્દોર હાઈવે પર અકસ્માતમાં બે જીવતા ભૂંજાયા

લીમખેડાના પાણીયા સ્ટેન્ડ પાસે કેમિકલ અને પ્લાયવુડ ભરેલા બે આઈસર ટ્રક ધડાકાભેર અથડાઈ, ડ્રાઈવર અને ક્લીનરનું મોત

લીમખેડા: અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. લીમખેડાના પાણીયા બસ સ્ટેન્ડ નજીક 2 આઇસર ટ્રક ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં બાદ ટ્રકમાં આગ લાગતા બે લોકોમાં જીવતા ભૂંજાઈ ગયા હતા. અકસ્માતના લીધે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો.”
ગોધરા તરફથી આવતી કેમિકલ ટ્રકની જોરદાર ટક્કર
મળતી માહિતી મુજબ, ગોધરા તરફથી પૂરઝડપે આવી રહેલી કેમિકલ ભરેલી આઈસર ટ્રકે હાઈવેની સાઈડમાં ઉભેલી ટ્રકને પાછળથી જોરદાર ધડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માત બાદ કેમિકલના જ્વલનશીલ પદાર્થને કારણે ક્ષણવારમાં જ ભયાનક બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં બંને વાહનો આગની લપેટમાં આવી ગયા હતા.”

કેબિનમાં ડ્રાઇવર-ક્લીનરનું કરૂણ મોત
આગની જ્વાળામાં કેમિકલ ભરેલા ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો. અને કેબિનમાં ફસાઈ ગયા હતા અને જોતજોતામાં આગમાં જીવતા ભૂંજાયા હતા. જેના કારણે ઘટનાસ્થળે જ બંનેના મોત નીપજ્યા હતા.બીજી તરફ, પાછળથી વાગેલી ટક્કર અને આગના કારણે બીજી ટ્રકમાં રહેલો પ્લાયવુડનો જથ્થો પણ બળીને ખાખ થઈ ગયો હતો, જોકે તે ટ્રકના મુખ્ય ભાગને વધુ નુકસાન પહોંચ્યું ન હતું.
સ્થાનિકો અને સરપંચ દોડી આવ્યા
વહેલી સવારે બનેલી આ ગમખ્વાર ઘટનાના પગલે અકસ્માતનો ધડાકો સાંભળીને આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા. અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો કર્યા હતા. લીમખેડા અને દેવગઢ બારિયા ફાયરવિભાગની ટીમે પણ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. લીમખેડા પોલીસ સ્ટેશનના પી.આઈ. સંદીપ વસાવા અને મામલતદાર અનિલ વસાવા પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા”

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા
પોલીસે ક્રેનની મદદથી ટ્રકને સીધી કરાવી કેબિનમાં ફસાયેલા બંને મૃતદેહોને બહાર કાઢી પંચનામું કર્યું હતું. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માતના કારણે હાઇવે પર સર્જાયેલા ટ્રાફિક જામને પણ પોલીસે જહેમતપૂર્વક હળવો કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
રિપોર્ટર: દિનેશ શાહ , લીમખેડા

Most Popular

To Top