NEET-UG પરીક્ષામાં ગેરરીતિઓ, પેપર લીક વિવાદ અને દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) તથા વિદ્યાર્થી આંદોલનના વધતા દબાણ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને લખેલો રાજીનામાનો પત્ર સોશિયલ મીડિયા પર શેર કરી રાજીનામું આપવા પાછળનું ભાવુક અને સ્પષ્ટ કારણ રજૂ કર્યું છે.
રાજીનામાના પત્રની મુખ્ય બાબતો
- ચાર દાયકાનું સમર્પણ: ધર્મેન્દ્ર પ્રધાને લખ્યું કે, “છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી હું વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ સુધારા માટે સમર્પિત રહ્યો છું. મારું હંમેશાં માનવું રહ્યું છે કે એક મજબૂત, સમાવેશી અને દૂરદર્શી શિક્ષણ વ્યવસ્થા જ દેશના વિકાસનો આધારસ્તંભ છે.”
- 3 મે અને 21 જૂનની પરીક્ષાનો ઉલ્લેખ: તેમણે જણાવ્યું કે 3 મે 2026 ના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદો આવતાની સાથે જ સરકારે ત્વરિત કાર્યવાહી કરીને સીબીઆઈ (CBI) ને તપાસ સોંપી હતી. 20 લાખથી વધુ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર, રાજ્યો અને સ્થાનિક વહીવટીતંત્રના સહયોગથી 21 જૂન 2026 ના રોજ ફરીથી પરીક્ષા સફળતાપૂર્વક લેવાઈ હતી અને આગામી વર્ષથી આ પરીક્ષા સંપૂર્ણપણે CBT (Computer-Based Test) મોડમાં યોજવાની જાહેરાત કરાઈ હતી.
- ગેરમાર્ગે દોરવાના પ્રયાસોથી દુઃખ: તેમણે ઉમેર્યું કે 16 જુલાઈએ જાહેર થયેલા પરિણામોમાં ગરીબ અને વંચિત પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ સફળતા મેળવી હતી. પરંતુ કેટલાક જવાબદાર પદો પર બેઠેલા લોકો અને વિપક્ષે વિદ્યાર્થીઓને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો, જેનાથી તેમને ઊંડું દુઃખ પહોંચ્યું છે.
રાજીનામું આપવાનું મુખ્ય કારણ
પત્રમાં રાજીનામાનું મુખ્ય કારણ સ્પષ્ટ કરતાં તેમણે લખ્યું:
“છેલ્લા 10 દિવસની ઘટનાઓએ મને અત્યંત વ્યથિત કર્યો છે. આ નિર્ણય મારા વ્યક્તિગત સન્માનનો નથી, પરંતુ દેશના કરોડો યુવાનોના ભવિષ્યનો પ્રશ્ન છે. હું નથી ઇચ્છતો કે દેશના યુવાનો ઊર્જા અને ભવિષ્ય કાનૂની ગૂંચવણો કે રાજકીય સંઘર્ષમાં હોમાય અથવા તેમનું ધ્યાન અભ્યાસથી ભટકે.”
પત્રના અંતે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મંત્રીમંડળના સાથીઓ અને શિક્ષણ મંત્રાલયના કર્મચારીઓનો આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું કે તેઓ ભવિષ્યમાં પણ ભારત માતા, ઓડિશાની જનતા અને દેશના યુવાનોની સેવા માટે પૂર્ણ નિષ્ઠાથી કાર્યરત રહેશે.
આંદોલન અને રાજકીય સ્થિતિ
- CJP સાથે ત્રીજા તબક્કાની બેઠક પહેલા નિર્ણય: આ રાજીનામું કેન્દ્ર સરકાર અને CJP ના પ્રતિનિધિઓ વચ્ચે શનિવારે યોજાનારી ત્રીજા રાઉન્ડની વાટાઘાટો પહેલા આવ્યું છે. CJP એ શુક્રવારે જ સ્પષ્ટ કરી દીધું હતું કે શિક્ષણ મંત્રીનું રાજીનામું ‘નોન-નેગોશિયેબલ’ છે.
- જંતર-મંતર પર વિજયનો જશ્ન: રાજીનામાના સમાચાર બહાર આવતા જંતર-મંતર પર એકઠા થયેલા વિદ્યાર્થીઓ અને આંદોલનકારીઓએ ઢોલ-નગારા સાથે ઉત્સવ મનાવ્યો હતો.