National

સરકાર સાથે ત્રીજા રાઉન્ડની વાતચીત પહેલા CJPની મોટી જાહેરાત ‘રાજીનામું નહીં તો કોઈ મુલાકાત નહીં.’

NEET પેપર લીક વિવાદ અને વિદ્યાર્થી આંદોલનને લઈને કોકરોચ જનતા પાર્ટી (CJP) અને કેન્દ્ર સરકાર વચ્ચે વિરોધ પ્રદર્શન સમાપ્ત કરવા માટે અત્યાર સુધીમાં બે રાઉન્ડની સત્તાવાર બેઠકો યોજાઈ ચૂકી છે. શુક્રવારે CJP નેતાઓ અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા તથા જિતેન્દ્ર સિંહ વચ્ચે લગભગ 2 કલાક સુધી મહત્વપૂર્ણ ચર્ચા ચાલી હતી. આ બેઠક બાદ CJP એ સ્પષ્ટ કર્યું છે કે તેમની બે મુખ્ય માંગણીઓ પર સરકારે સકારાત્મક વલણ દાખવ્યું છે, પરંતુ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વગર આંદોલન સમેટવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.

ત્રીજા રાઉન્ડની વાર્તા પહેલાં CJP નું આકરું વલણ

  • આશુતોષ રાંકાનો સ્પષ્ટ મેસેજ: શનિવારે સવારે ત્રીજા તબક્કાની વાટાઘાટો યોજાય તે પહેલાં CJPના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અમારા માટે ‘નોન-નેગોશિયેબલ’ છે.
  • વાટાઘાટોનો બહિષ્કાર કરવાની ચેતવણી: તેમણે ઉમેર્યું કે જો સરકાર આ મુખ્ય માંગ સ્વીકારવા તૈયાર ન હોય તો આગળની કોઈપણ બેઠક કે વાટાઘાટોનો કોઈ અર્થ રહેતો નથી.

કઈ બે માંગણીઓ પર સરકારે દર્શાવ્યો સકારાત્મક પ્રતિસાદ?

શુક્રવારની બેઠક દરમિયાન કેન્દ્ર સરકારે CJP ની ત્રણ મુખ્ય માંગણીઓમાંથી બે માંગણીઓ પર સદ્ધર અને પોઝિટિવ સંકેત આપ્યા હતા:

  1. વિદ્યાર્થીઓ સામેના કેસ રદ કરવા: શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી FIR અને તમામ કાનૂની કાર્યવાહી પરત ખેંચવી.
  2. પીડિત પરિવારોને વળતર: પેપર લીકના આઘાતમાં આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારજનોને 1 કરોડનું આર્થિક વળતર આપવું.

શિક્ષણ મંત્રીના રાજીનામા પર સરકારનું વલણ

બીજી તરફ, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે સરકારે હજુ સુધી કોઈ નમતું જોખ્યું નથી. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રીનું રાજીનામું આપવું એ કોઈ ઉકેલ નથી અને તે હાલ સરકારના એજન્ડામાં સામેલ નથી. સરકારનું મુખ્ય ધ્યાન NTA માં સુધારા કરવા અને કૌભાંડીઓ સામે કડક કાર્યવાહી કરવા પર છે. આજે શનિવારે યોજાનારી બેઠકમાં સરકાર આ મુદ્દે પોતાનો અંતિમ જવાબ રજૂ કરી શકે છે.

Most Popular

To Top