Vadodara

RTOની ચેકીંગ ડ્રાઈવમાં જૂન મહિનામાં 2646 વાહનો સામે દંડનીય કાર્યવાહી,1.06 કરોડથી વધુ રકમ વસૂલાઈ

ઓવરલોડિંગ અને લાયસન્સ વગર વાહન ચલાવતા લોકોને સૌથી વધુ ફટકો :

( પ્રતિનિધિ )વડોદરા,તા.21
વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જૂન-2026 દરમિયાન ચાલેલા આ વિશેષ ચેકિંગ ડ્રાઈવમાં કુલ 2,646 વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરટીઓના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી આ ઝુંબેશમાં નિયમભંગ કરનારા પાસેથી કુલ 1,06,38,204 નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

દંડની રકમની દૃષ્ટિએ ઓવરલોડ વાહનો અને પરમિટ વગર ચાલતા વાહનો સામે સૌથી કડક પગલા લેવાયા. ઓવરલોડિંગના 247 કેસમાં 31 લાખથી વધુ અને પરમિટ વગરના 339 કેસમાં 11.62 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન હંકારતા 344 ચાલકો પાસેથી 9.25 લાખ, ફિટનેસ સર્ટિફિકેટ વિનાના 227 વાહનો પાસેથી 6.76 લાખ અને ટેક્સ ન ભરેલા 59 વાહનો પાસેથી 4.93 લાખ વસૂલવામાં આવ્યા હતા.

પિયુસી ન હોવાના 514 કેસમાં 2.57 લાખ, નો-પાર્કિંગના 749 કેસમાં 3.74 લાખ, વીમા વગરના 343 કેસમાં 6.86 લાખનો દંડ કરાયો. ગેરકાયદેસર એલઈડી લાઇટના 312 અને બુલબાર લગાવવાના 245 કેસ પણ નોંધાયા હતા. ઓવર ડાયમેન્શનના 80 કેસમાં 8.67 લાખ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના 143 કેસમાં 2.40 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. સીટબેલ્ટ-હેલ્મેટ વગરના 144, આરયુપીડી-એસયુપીડી વગરના 103, કલેન્ડેસ્ટાઇન ઓપરેશનના 21, બેફામ ડ્રાઇવિંગના 46, રેડિયમ રિફ્લેક્ટર વગરના 54 અને નંબર પ્લેટ વગરના 43 કેસ પણ ઝડપાયા હતા. આરટીઓ તંત્ર દ્વારા તમામ વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે પોતાની અને અન્યની સલામતી માટે ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરે. નિયમોનો ભંગ કરનાર સામે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે.

Most Popular

To Top